ભરૂચ: આમોદમાં (Aamod) સોમવારે રાત્રે કોંગ્રેસ (Congress) દ્વારા જંબુસર વિધાનસભાના ઉમેદવારના પ્રચાર અર્થે પુરસા રોડ નવી નગરી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ ધારાસભ્યને પાંચ વર્ષ બાદ દેખાયા હોવાનું કહેતાં કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક રહીશોને સભા છોડી જતા રહેવાનું કહ્યું હતું. સ્થાનિકોએ સભા નહીં છોડીએ તેમ કહેતાં કોંગ્રેસી કાર્યકરોએ એક સંપ થઈ ફરિયાદીને તથા તેના દીકરાને લાકડી તથા ખુરશી મારી હતી. જે બાબતે આમોદ પોલીસ મથકે (Police Station) મોડી રાત્રે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
આમોદ નગરમાં પુરસા નગરીના સ્થાનિક રહીશોએ કોંગ્રેસની ચાલુ સભામાં ધારાસભ્યને રજૂઆત કરી હતી કે, તમે ગઈ વખતે ચુંટાયા બાદ પાંચ વર્ષ સુધી અમારી નગરીમાં આવ્યા નથી કે કોરોના સમયમાં પણ અમોને જોવા આવ્યા નથી. અને હવે તમે વોટ માંગવા આવ્યા છો તેમ કહેતાં નદીમ સાદીક રાણા, અફઝલ સાજીદઅલી રાણા, સાજીદઅલી રાણા (માજી પ્રમુખ આમોદ નગરપાલિકા), બચુશેઠ મછાસરાવાળા (માજી પ્રમુખ આમોદ તાલુકા કોંગ્રેસ), રણવીરસિંહ મુનીરઅલી રાણા, સલીમ ઈશ્વરસિંહ રાણા ઉર્ફે ઈસુભા રાણાએ શહેબાઝ તથા અન્યોને સભામાંથી જતા રહેવાનું કહ્યું હતું. જેથી શહેબાઝે સભામાંથી જવાની ના પાડતાં આરોપીઓએ ભેગા મળી એક સંપ થઈ નદીમ રાણાએ ઈજા પામનાર શહેબાઝને ડાબા ખભાના ભાગે લાકડીનો સપાટો મારી ફ્રેક્ચર કર્યું હતું. તેમજ અફઝલ સાજીદઅલી રાણાએ બરડાના ભાગે લાકડીનો સપાટો માર્યો હતો. તેમજ સાજીદઅલી રાણાએ બરડાના ભાગે ખુરશી મારી હતી તેમજ બચુશેઠ મછાસરાવાળા તથા રણવીરસિંહ મુનીરઅલી રાણા તથા સલીમ ઈશ્વરસિંહ રાણાએ બરડાના ભાગે ઢીક્કાપાટુનો માર મારી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે આમોદ પોલીસે આરોપીઓ સામે રાયોટિંગ તથા મારામારીની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
મારામારી થતાં વર્તમાન ધારાસભ્યએ સ્થળ છોડી ભાગવું પડ્યું
આમોદમાં ગતરોજ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યએ આમોદમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યા બાદ રાત્રિના સમયે પુરસા રોડ નવી નગરી ખાતે કોંગ્રેસ ઉમેદવાર સંજયસિંહ સોલંકીના પ્રચાર અર્થે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોએ ચાલુ સભામાં ધારાસભ્ય સંજયસિંહ સોલંકી પહેલીવાર દેખાયા હોવાનું અને નગરીમાં કોઈ કામ કર્યું નથી તેમ કહ્યું હતું અને કોરોના વખતે અમોને જોવા પણ આવેલા નથી, જેવી રજૂઆત કરતા આમોદના કોંગ્રેસી કાર્યકરોએ લોકોની રજૂઆત સાંભળવાને બદલે દાદાગીરી કરી સભા છોડી જવાનું કહ્યું હતું. ત્યારે સ્થાનિકોએ જવાની ના પાડતાં આરોપીઓએ એક સંપ થઈ રજૂઆત કરનાર શહેબાઝને લાકડીના સપાટા મારી ઝૂડી નાંખ્યો હતો. ત્યારે મારામારી શરૂ થતાં જ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સ્થળ છોડી જતા રહ્યા હતા.
આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ
પુરસા રોડ નવી નગરી ખાતે કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્યના પ્રચાર અર્થે જનસભામાં સ્થાનિકોએ ચાલુ સભામાં ધારાસભ્યને રજૂઆત કરતાં કોંગ્રેસી કાર્યકરોએ રજૂઆત સાંભળવાને બદલે સ્થાનિકો ઉપર દાદાગીરી કરી સભા છોડી જવાનું કહી મારામારી શરૂ કરી હતી, જેમાં આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદઅલી રાણા તથા આમોદ તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ બચુશેઠે પણ મારામારી કરી હતી અને સ્થાનિકો યુવાનને ફેક્ચર કરી ઈજા પહોંચાડતાં તેમની સામે મારામારી તેમજ રાયોટિંગનો ગુનો નોંધાયો હતો.