SURAT

સચિનના સરકારી અનાજ ગોડાઉનમાંથી ગરીબોનું 1.28 કરોડનું અનાજ સગેવગે કરનારાઓ સામે ફરિયાદ

સુરત : સચિન (Sachin) સરકારી અનાજના ગોડાઉનમાં (Godown) ચાલી રહેલી તપાસના અંતે આજે ચોર્યાસી મામલતદારે સાત આરોપીઓ સામે 1.28 કરોડનું સરકારી અનાજ સગેવગે કરવા બદલ પોલીસ (Police) ફરિયાદ નોંધાવી હતી.સચિન રેલ્વે સ્ટેશન રાઈસ મીલ પાસે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘનું ગોડાઉન આવ્યું છે. ગોડાઉનના મેનેજર પ્રિતિબેન ચૌધરીએ ગત 27 ઓક્ટોબરે સચિન પોલીસની ટીમ સાથે મળીને સચિન સ્ટેશન ચાર રસ્તા પાસેથી જીજે-12-એવાય-5325, જીજે-6-ઝેડ-8818 અને જીજે-9-એવી-3122 નંબરની ટ્રક સરકારી અનાજના ગોડાઉનમાંથી પકડી પાડી હતી.

સરકારી અનાજના કાળા બજારીયાઓ સામે ફરિયાદ નોંધાવી

પકડાયેલા અનાજની તપાસ ચોર્યાસી મામલતદાર કરતા હતા. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વિજીલન્સ ટીમ કમિટી દ્વારા આ અંગે ફરિયાદ નોંધવા જણાવતા ચોર્યાસી મામલતદારે ફરિયાદ નોંધાવી હતી. ચોર્યાસી મામલતદારે સચિન પોલીસ સ્ટેશનમાં સરકારી અનાજના કાળા બજારીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. સરકાર તરફે કુલ સાત જણા સામે સરકારી અનાજના કૌભાંડ બદલ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં સરકારી અનાજના ગોડાઉનના નામે તમામ આરોપીઓ એક બીજાની મિલીભગતમાં ખોટા ડિલિવરી ચલણો અને બીલો બનાવતા હતા. અને આ બીલો બનાવી તેમનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા. ખોટા હિસાબો બતાવી વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનું દર્શાવતા હતા.

અનાજના જથ્થા પૈકી 8.32 લાખની કિંમતનો ઘઉંનો 2700 ક્વિન્ટલ જથ્થો તથા ચોખા, ખાંડ, મીઠું મળી કુલ 7606 ક્વિન્ટલ અને ચણા 62 કિલો મળી કુલ 1.28 કરોડનો જથ્થો ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો મોકલ્યો નહોતો. અને ગોડાઉન ખાતે જમા રાખીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. સચિન પોલીસે ફરિયાદ નોંધી આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

ગોડાઉનમાં તપાસ દરમિયાન નીકળેલી ખામીઓ
ગોડાઉનમાં તપાસ કરતા રેકર્ડ નિભાવ કામગીરી કરી નથી. આવક થતા જથ્થા મુજબની ઓનલાઈન રજીસ્ટરમાં સમયસર એન્ટ્રી કરી નથી. આ સિવાય તપાસ દરમિયાન ચોખા, ખાંડ, મીઠુ, ચણાના જથ્થામાં વધ દર્શાવી છે. એટલેકે 1.28 કરોડના અનાજના 2.56 કરોડ દર્શાવ્યા હતા.

Most Popular

To Top