Gujarat Election - 2022

મંગળવારે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ, ગ્રુપ મીટિંગો ધમધમશે

સુરત: આગામી તા.1 ડિસેમ્બર ને ગુરુવારે યોજાનારી પ્રથમ તબક્કાની ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) મતદાનના 48 કલાક પૂર્વેથી એટલે કે આવતીકાલ મંગળવાર તા.29મી નવેમ્બરે સાંજે 5 કલાકથી ચૂંટણી પ્રચારના પડઘમ શમી જશે. જાહેરસભાઓ, રેલીઓ, સરઘસ વગેરે નહીં કરી શકાય. જો કે, ઉમેદવારો ગ્રુપ મીટિંગો કરશે તેમજ ડોર ટુ ડોર પ્રચાર માટે પણ જશે.

સુરત શહેર-જિલ્લાની 16 વિધાનસભા બેઠક પર સોમવારે લગભગ દરેક રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે સમગ્ર વિધાનસભા વિસ્તારોને કવર કરતી વાહનરેલીઓ કાઢી હતી. સોમવારે ઉમેદવારોનો છેલ્લો જાહેર પ્રચાર હતો. વિધાનસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભાગરૂપે મતદાન શરૂ થવાના 48 કલાક પૂર્વે પ્રચાર બંધ કરી દેવાનો હોય છે. સુરતના ચૂંટણી તંત્રે તમામ ઉમેદવારો અને તેમના કન્વીનરોને આવતીકાલે સાંજે 5 વાગ્યા પછી કોઇપણ જાહેર કાર્યક્રમ, સભા, રેલી વગેરે નહીં કાઢવા માટે તાકીદ કરી છે.

મળતી માહિતી મુજબ પ્રચારના પડઘમ શમી ગયા બાદ ઉમેદવારોનાં ચૂંટણી કાર્યાલયો પર ગ્રુપ મીટિંગોનો દૌર પૂરજોશમાં ચાલશે. જુદી જુદી સોસાયટીઓના પ્રમુખો, મંત્રીઓ સાથે મીટિંગો કરીને વધુ ને વધુ મતદાન થાય એ માટે ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ આવતીકાલથી બે દિવસ મીટિંગોનો દૌર ચલાવશે.

ચૂંટણી આચારસંહિતા દરમિયાન સુરતમાંથી 18.11 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરત : ગત તા.5 નવેમ્બરથી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઇ હતી, ત્યારથી જ સુરત શહેર-જિલ્લામાં ચૂંટણી પંચની સ્ટેટિક સ્ક્વોડ અને પોલીસની ટીમે જુદાં જુદાં ચેકિંગ પોઇન્ટ્સ, પેટ્રોલિંગ દરમિયાન તેમજ આકસ્મિક ચેકિંગ કરીને કુલ રૂ.18.11 કરોડની જંગી રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મુદ્દામાલમાં રોકડ, એમડી ડ્રગ્સ, દારૂની બોટલો અને બેહિસાબી ઝવેરાતનો સમાવેશ થાય છે.

સુરત જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઓકે પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત શહેર-જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતાનો કડકાઇથી અમલ કરાવવા માટે સ્ટેટિક સ્ક્વોડ, ફ્લાઇંગ સ્ક્વોડ ઉપરાંત પોલીસની ટીમોએ સંકલન સાધીને અત્યાર સુધીની કરેલી કામગીરીમાં કુલ રૂ.18.11 કરોડની બેનામી મતાઓ, ચીજવસ્તુઓ જપ્ત કરીને સરકાર હસ્તક કબજામાં લીધી છે. તેમણે કહ્યું કે, આચારસંહિતા દરમિયાન બેહિસાબી રોકડ રકમની હેરાફેરીના તમામ કેસો મળીને કુલ રૂ.6,25,50,247ની રકમની રોકડ જપ્ત કરવામાં આવી છે. એવી જ રીતે જુદા જુદા ચેકિંગ પોઇન્ટ્સ પરથી કુલ રૂ.5,73,94,879ની રકમની જ્વેલરી ઝડપી પાડીને ઇન્કમ ટેક્સ વિભાગને સુપરત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આચારસંહિતા દરમિયાન દારૂબંધીનો પણ કડકાઇપૂર્વક અમલ કરવામાં આવ્યો છે, જેમાં સુરત શહેરમાંથી કુલ રૂ.44 લાખ તેમજ સુરત જિલ્લાના વિસ્તારોમાંથી કુલ રૂ.84 લાખ રૂપિયાનો દેશી-વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત એ પણ ઉજાગર કરવામાં આવી કે, આચારસંહિતાના અમલીકરણ દરમિયાન પોલીસે કરેલા ચેકિંગમાં સુરત શહેર-જિલ્લાના વિસ્તારોમાંથી એમડી ડ્રગ્સનો પણ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ રૂ.4,85,75,710 રૂપિયાનો એમડી ડ્રગ્સનો 4.76 કિલોગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. આમ અત્યાર સુધીમાં આચારસંહિતા દરમિયાન બધુ મળીને કુલ રૂ.18.11 કરોડની માલમતા જપ્ત કરવામાં આવી હોવાનું કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

Most Popular

To Top