હેઝલ અને એની મમ્મી મળવા આવ્યાં. હેઝલ ખૂબ જ કન્ફયુઝડ છે, ગભરાયેલી છે, શું કરવું તે નકકી નથી કરી શકતી, બસ મળવું છે, વાત-ચીત કરતાં જણાયું કે હેઝલ LLB માં અભ્યાસ કરે છે, પ્રવેશ લીધા પછી નિયમિતતા જળવાઇ નથી, પરીક્ષા આવતા મહિને છે, અભ્યાસક્રમ વિષે ખાસ માહિતગાર નથી, વધુમાં ગુજરાતીમાં ભણાવવામાં આવે છે અને હેઝલે અંગ્રેજીમાં પ્રશ્નપત્રો લખવાનું પસંદ કર્યું છે. બીજી બાજુ ધો. 12 કોમર્સના સાથી મિત્રો, CS નાં રજીસ્ટ્રેશન કરી ચૂકયા છે, હેઝલ પાસે થોડા દિવસ જ બાકી છે. એને લાગે છે કે એણે ક્રીમિનલ લોયર બનવું છે. સાથે પરીક્ષા નજીક હોવાથી એન્ઝાયટી લેવલ વધુ છે. એને CS માં વધુ રસ છે કેમ કે 2-3 વર્ષમાં ભણીને નોકરી મેળવી શકે છે અને ઘરને મદદરૂપ થઇ શકે છે. જયારે LLB ના ભણવાનાં વર્ષ વધુ અને પછી ફિલ્ડમાં ૭-૮ હજારની નોકરીમાં જોડાવું પડે. આમ હેઝલ ડબલ માઇન્ડમાં અટવાયેલી પરંતુ ખરી માહિતી તો મમ્મીએ વાતચીતમાં આપી જણાવ્યું કે એને બહુ બોલવાની આદત નથી અને (પર્સનાલીટી પેટર્ન પ્રમાણે) કોઇ પણ કાર્યની આગેવાની લેવાની હોય તો બહુ ઇચ્છા ન ધરાવે.
કોઇક વખત લેવી પડે તો લઇને કાર્ય કરે. હેઝલને નાનપણથી જ મોડેલીંગ / ફોટોગ્રાફીનાં ફિલ્ડમાં જવું હતું પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે એ ફિલ્ડનો વિચાર ન કરી શકી. LLB grant in aid કોલેજ હોવાથી કુલ ખર્ચ ઓછો આવે જયારે CS માં ખર્ચો વધુ આવે. વધુમાં હેઝલ LLB ભણ્યા પછીના નોકરીના સ્કોપ વિષે તદ્દન અજાણ હતી. સાથે જ CS માં કયા વિષયો આવશે અને કામના સ્કોપ વિષે અજાણ. મિત્રો, હેઝલની મુંઝવણ વ્યાજબી છે, એની ચિંતા સમજી શકાય તેમ છે કેમ કે એ કારકિર્દીના પંથે પ્રથમ ડગલું માંડી ચૂકી છે અને મંજીલ તરફ આગળ વધવામાં (મનોસામાજિક) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ત્યારે વ્યકિત – વ્યકિતએ કારકિર્દીને અસર કરતાં પરિબળો ભલે ભિન્ન હોય પરંતુ સામાન્ય પરિબળો જે ઓછાવત્તે અંશે કારકિર્દીના નિર્ણયને અસર કરે છે તેના વિષે માહિતગાર થવું જરૂરી છે અને સમજવું અને સ્વીકાર કરવો વધુ જરૂરી છે.
મિત્રો, વાલીઓ / વિદ્યાર્થીઓ જયારે કારકિર્દી માટેની જૂથ / વ્યકિતગત મીટિંગમાં મળે ત્યારે પૂછે કે ‘કઇ લાઇન સારી’? શું કરાવીએ? ત્યારે ટૂંકમાં જવાબ મેળવવા કરતાં ઉપરોકત જણાવેલ આઠેય પરિબળોનો વિગતવાર વિચાર કરવો પડે. પ્રથમ ચાર પરિબળો જે વ્યકિત કારકિર્દીના પંથે જવાની છે તેના પર અવલંબિત છે જયારે છેલ્લા ચાર – એના કુટુંબના આધારિત છે. મિત્રો, કારકિર્દી માત્ર સંતાનની નથી ઘડાતી એ તો આખા કુટુંબને અસર કરતી હોય છે અને કુટુંબની વિચારસરણી, વલણો, આર્થિક પરિસ્થિતિ જેવાં મુખ્ય પરિબળો અસર કરતાં હોય છે. પ્રથમ ચાર માટે વિચારીએ તો વિદ્યાર્થી પોતાની અભિયોગ્યતા, ક્ષમતા, શકિતઓની મર્યાદાઓ, રસ-રૂચિ વલણ તેમ જ પર્સનાલીટીની ખાસિયતો કેવી રીતે જાણી શકે?
એને માટે મનોવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલી Vocational Aptitude Test જે વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા જ લેવામાં આવે છે. કારકિર્દીનાં પસંદગીનાં ક્ષેત્રમાં અસંખ્ય ટેસ્ટ મળી આવતી હોય છે પરંતુ વૈશ્વિક લેવલે જેને વધુ માન્યતા મળી છે તે NewYork Psychological Corporation દ્વારા બનાવાયેલી, વિશ્વનાં 10,000 થી વધુ બાળકો પર પરીક્ષણ કર્યા બાદ માન્યતા અપાયેલી – Differential Aptitude Test (DAT) છે.
આ ટેસ્ટનો મુખ્ય આશય – વિદ્યાર્થીઓમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે.
ક્ષમતા એટલે શું? – ક્ષમતા એટલે કોઇ પણ વિષયવસ્તુને ગહનતાપૂર્વક સમજવાની શકિત જે ભણ્યા પછી નોકરી – વ્યવસાયમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે કેમ કે ભગવાને દરેક બાળકને કોઇ ને કોઇ ક્ષેત્રમાં ક્ષમતાની ભેટ આપેલી જ હોય છે. 14-15 વર્ષની ઉંમરે ક્ષમતા સુષુપ્ત અવસ્થામાં હોય છે. જેને હિડન પોટેન્શિયલ કહેવામાં આવે છે. જે અનુકૂળ વાતાવરણ, યોગ્ય શિક્ષણ મળતાં જ સોળે કળાએ ખીલી ઊઠે છે અને વિદ્યાર્થી અભ્યાસમાં તથા કાર્યક્ષેત્રમાં ઊંડાણમાં ડૂબકી મારી શકે છે. એ ક્ષેત્રનો આનંદ મેળવી શકે છે. વિશાલ ધો. 10 માં ડ્રોઇંગની એક વિષય તરીકે પસંદગી કરે છે, ખૂબ જ ઊંચો ગ્રેડ મેળવે છે. માતા-પિતાએ વિશાલને એન્જિનિયર બનાવવો છે, પૂનાની કોલેજમાં એડમિશન લે છે, પરીક્ષા આવતાં જ વિશાલ કયાંક પલાયન થઈ જાય છે, પરીક્ષાને ટાળે છે, મુંબઇ જઇને વીક એન્ડમાં ગ્રાફિકસના વર્ગો ભરે છે. એનિમેશનમાં સારું એવું કામ કરવું છે. માતા-પિતાની અભિલાષા પૂર્ણ ન થાય એટલે ઘરમાં કલેશ, ઝઘડા બધું જ શરૂ થાય, છેવટે એન્જિનિયરીંગ છોડી વિશાલે 3D એનિમેશનમાં સર્ટિફિકેટ કોર્ષ કર્યો. કાર્યક્ષેત્રમાં સફળ રીતે આગળ વધે છે પરંતુ માતાપિતાને એક જ વસવસો કે ‘મારો દીકરો એન્જિનિયર ન બન્યો’ લોકો શું / કેવું વિચારતા હશે?’ એવું વિચારીને હતાશામાં ગરકાવ થઇ ગયેલા, જેમાંથી બહાર નીકળવા માટે કાઉન્સેલિંગના સેટીંગ લેવા પડયા હતા. મિત્રો, સંતાનોની ક્ષમતા સમજવી ખૂબ જ જરૂરી છે, વધુ ચર્ચા આવતા અંકે પરંતુ તમે પણ તમારા વિષે નિરીક્ષણ કરજો, તમારા સંતાનોને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.