ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ પ્રજાને તેના મતની મહત્તા તથા મુલ્ય સમજાવે છે. લોકશાહી બચાવવી હોય તો તેમણે પ્રત્યેક મતદારે ફરજીયાત મત આપવો જોઇએ. તે તેમની નૈતિક ફરજ છે. મતદારોને નમ્ર વિનંતી છે આ વખતની ચૂંટણીમાં જે જે ધારાસભ્યોએ પક્ષ પલ્ટી બીજી પાર્ટીમાં લાખો રૂપિયા કમાયને ગયા છે તેઓ પર ખાસ ધ્યાન રાખો. જેથી બીજીવાર પાર્ટી બદલતા વિચાર કરે! પ્રત્યેક પક્ષ મતનું મુલ્ય આપણને સમજાવે છે પણ જયારે તેઓ પાર્ટી બદલે ત્યારે લાખો રૂપિયા લઇ બીજી પાર્ટીમાં જાય છે, ત્યારે આપણા અમુલ્ય મતનું અવમુલ્યન કરી નાખે છે તે વિચારતા નથી.
તેઓ કેટલા નગુણા અને નફફટ બની પાર્ટી બદલે છે!! આ ચૂંટણી પ્રતયેક મતદારો ખાસ ધ્યાન આપે જયારે તમારા વિસ્તારનો કોઇપણ ઉમેદવાર નાપસંદ હોય ત્યારે નોટા ઉપયોગ કરી તેઓને રીજેકટ કરવા જોઇએ. સત્તાધારી પક્ષને મારી નમ્ર વિનંતી છે કે તેમણે સંદમાં નવો ધારો લાવવો જોઇએ. જે વખતે ઉમેદવાર પાર્ટી બદલવા ઇચ્છતો હોય તેણે જે પાર્ટીમાં જવું હોય તે પાર્ટીના ચિન્હ પર ચૂંટાઇને આવવો જોઇએ. હા, રાજનીતિમાં જે બદી પ્રસરી છે અત્યારે આયા રામ ગયા રામ નીતિ ફેલાયેલ છે તો જ અટકશે! આવા સજેશન ઘણીવાર આ કોલમમાં આવી ગયા છે. કોઇપણ સત્તાધારી પક્ષ આ કાયદો અમલમાં લાવવા પ્રયત્ન કરતા નથી.
સુરત – રમેશ ચુનીલાલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચૂંટણી પ્રસંગે
આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે.માત્ર ને માત્ર ચૂંટણી સભાઓ ગાજી રહી છે. રેવડી, વચનો કે મફતની લહણી કરવાની હરીફાઈઓ વચ્ચે સાવ ગરીબ, નિરક્ષર, બેરોજગાર મૌન તમાશો બની ચૂપ છે. મોંઘવારીની ભીંસમાં સપડાયેલ મધ્યમ વર્ગ કચડાઈ રહ્યો છે. ‘ન ઘરકા ન ઘાટકા’ જેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પ્રજા વ્યર્થ ફાંફા મારી રહી છે.હૃદય દ્રવે તેવા કપરા કાળમાં, સ્વામી વિવેકાનંદજી યાદ આવે છે. વર્ષો પહેલાં એમણે શિકાગોથી એક યુવાનને પત્ર લખી દેશની કારમી પરિસ્થિતિનો ચિતાર વર્ણવી ગરીબો, નિરાધાર, અજ્ઞાન અને નિરક્ષરો માટે પ્રાર્થના કરવાની હિમાયત કરી હતી.તેમણે લખ્યું હતું,”હું નથી કોઈ તત્ત્વજ્ઞાની કે નથી કોઈ ફિલસૂફ કે નથી કોઈ સંત. કેવળ એક ગરીબ છું અને ગરીબોને ચાહું છું. ગરીબો માટે જેનું હૃદય દ્રવે તેને હું ‘મહાત્મા’કહું છું, નહીં તો એ ‘દુરાત્મા’ છે.” (સાંપ્રત સમય સાથે સરખામણી સ્વયં કરી શકો છો) “જ્યાં સુધી લાખો મનુષ્ય ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી, એવા દરેકે દરેકને હું’દેશદ્રોહી’ ગણું છું.નૈતિક મૂલ્યોના સંપૂર્ણ હ્રાસ વચ્ચે જ્ઞાતિવાદ, કોમવાદ,સાંપ્રદાયિકતા, પક્ષાંતર, ચાલબાજી અને વચનોની લહાણી વચ્ચે ખેલાતા રાજકીય ખેલો જોઈને પ્રભુને પ્રાર્થના કરીએ કે તું જ પ્રજાનો બેલી થા!
સુરત – અરુણ પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.