ઓલપાડ તાલુકાના સાંધીએર ગામનો નાયક પરિવાર એટલે મૂળે ચળવળીયો પરિવાર તરીકે ઓળખાય. પિતા અમૃતલાલ નાયકે એલઆઇસી યુનિયનમાં રહી લડત લડી હતી અને દર્શન નાયકે ખેડૂત આંદોલનોમાં ઝંપલાવી એક લડાયક નેતા તરીકેની છબી ઉપસાવી છે. સ્પષ્ટ વક્તા, આક્રમકતાથી અધિકારીઓને રજૂઆત કરવાની સ્ટાઇલ દર્શન નાયકે ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને ઝીણાભાઈ દરજીને જોઈ ઊભી કરી હતી. મદદ માંગવા આવેલા વ્યક્તિનું કામ એક હાંકલે અધિકારીને ફોન જોડી કરાવી લેવામાં નાયક પારંગત મનાય છે. સ્વતંત્રતા આંદોલનમાં દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ (દેસાઈ) સમાજનું મહત્વનું યોગદાન રહ્યું છે.
આઝાદીની ચળવળ વખતે ઘાસિયા સત્યાગ્રહને સફળ બનાવનાર સ્વ. કાનજીભાઈ દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, પ્રમોદચંદ્ર દેસાઈ, મહાદેવભાઈ દેસાઈની સાથે રહીને ઓલપાડ અને સુરત જિલ્લામાં આઝાદીની લડાઈમાં અગ્રેસર રહેનાર સ્વ. દાદા છોટુભાઈ લલ્લુભાઈ નાયકને મળતું માનપાન અને ઘરે રાજકીય અને સહકારી આગેવાનોની સતત અવરજવર દર્શન નાયકે બાળપણમાં જોઈ હતી. દર્શને સાંધીએરની સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, સાયણની જે ડીઆરજીડી સ્કૂલમાં ધો.8 થી 12 સુધીનું શિક્ષણ અને બાદમાં એજ સાર્વજનિક વિદ્યાલયના પછીથી ઉપપ્રમુખ બન્યા.
ખોલવડ કોલેજથી બીએ કર્યા પછી વીટી.ચોકસી લો કોલેજથી કાયદાનો અભ્યાસ કરી LLBની ડીગ્રી મેળવી હતી. કાયદાનો અભ્યાસ ચાલી રહ્યોં ત્યારે દર્શન નાયકનાં ભાઈ જયેશ નાયકને લીધે ગુજરાતનાં સ્વ.મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં મોટા દીકરા ડો.તુષાર ચૌધરી સાથે મિત્રતા થઈ હતી. જયેશભાઇ અને ડૉ.તુષાર સારા મિત્રો હતાં. અનાવિલ સ્વભાવે આક્રમકતાથી વાત મુકવાની છટા અમરસિંહ ભાઈને ગમતાં1992 માં અમરસિંહભાઈએ દર્શનને ઓલપાડમાં સક્રિય રાજકારણમાં સક્રિય થવા કહ્યું હતું. એ પછી સુરત જિલ્લા કોંગ્રેસનાં ખજાનચી પદે નિમણુંક કરી હતી.
જિલ્લા કોંગ્રેસના મહામંત્રીથી પ્રમુખ સુધી અને છેલ્લે જગદીશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસનાં મહામંત્રી તરીકે જવાબદારી સોંપી હતી. યુપીએના 10 વર્ષના કેન્દ્રના કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીનાં પડછાયાની જેમ રહી દર્શન નાયકે વહીવટના ગુણો શીખી લીધાં હતાં. એ દરમ્યાન કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વ.એહમદ પટેલની નજર દર્શન નાયક પર પડતાં પટેલ થકી રાજ્ય અને કેન્દ્રના નેતાઓના સંપર્ક વધ્યાં હતાં. વર્ષ 2010 અને 2015ની સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તે સમયના પ્રમુખ અશ્વિન પટેલને સુરત જિલ્લાની કઠોર બેઠક પરથી બે વાર હરાવી વિપક્ષી નેતા તરીકે એક દાયકો જિલ્લા પંચાયત ગજવી હતી.
ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા શૈક્ષિણિક સંચાલન મંડળના સહમંત્રી તરીકે સેવા આપી રહયા છે. ખેડૂતો, ગરીબ, હળપતિ સમાજ, એસસી., એસટી, ઓબીસી, સહિતના સમાજના લોકોનો અવાજ બનીને સતત એક દાયકાથી લોકોની વચ્ચે રહી આંદોલનો ચલાવવાને પગલે કોંગ્રેસે નાતી-જ્ઞાતિને દયાને લીધા વિના ખેડૂત આંદોલનના ચહેરા તરીકે ઉભરી આવેલા દર્શન નાયકને ચૂંટણીમાં મેદાને જંગમાં ઉતાર્યા છે. તેઓ સાયણ સુગર ફેકટરીના ડિરેક્ટર છે. રાજ્યની નામાંકિત આનંદ વૉલીબોલ ક્લબના પ્રમુખ છે.
ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા શૈક્ષિણિક સંચાલન મંડળના સહમંત્રી તરીકે સેવા આપી રહયા છે.તેઓ પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ઓલપાડ બેઠકનો ઇતિહાસ એવો રહ્યોં છે.આ બેઠકથી ચૂંટાઈ હિતેન્દ્ર દેસાઈ બે વાર ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતાં. યોગાનુયોગ કોંગ્રેસે હિતેન્દ્ર દેસાઈ પછી બીજા અનાવિલ દર્શન નાયકને આ બેઠકથી ચૂંટણી જંગમાં ઉતારવાનું જુગટુ રમ્યું છે ત્યારે હવે દર્શન નાયક ધારાસભ્ય બને છે કે કેમ તે જોવું રહ્યું.