Sports

પહેલી વન ડેમાં ભારત હાર્યું, લેથમ-વિલિયમસન સામે ભારતીય બોલર્સ વામણાં સાબિત થયા

ઓકલેન્ડ: ટોમ લેથમના શાનદાર 145 અને કેપ્ટન કેન વિલિયમસનના 94 રનની મદદથી ન્યુઝીલેન્ડે (Newzealand Win First One Day Against India) પહેલી વન ડે મેચમાં ભારતને હરાવ્યું છે. ન્યુઝીલેન્ડે 47.1ઓવરમાં જ 309 રન બનાવી મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડની 88 રન પર 3 વિકેટ પડ્યા બાદ લેથમ અને વિલિયમસને ભારતીય બોલર્સને જરાય મચક આપી નહોતી. ભારતીય બોલર્સમાં અનુભવની ઉણપ સ્પષ્ટ વર્તાઈ હતી.

આ અગાઉ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની પહેલી વન-ડે મેચમાં ટોપ થ્રી બેટ્સમેનની અર્ધસદી અને છેલ્લી ઓવરોમાં વોશિંગ્ટન સુંદરના 16 બોલમાં તોફાની 37 રનની મદદથી ભારતે 306 રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ધીમી શરૂઆત કરી હતી. 10 ઓવરના અંતે ન્યુઝીલેન્ડના 42 રન હતા અને એક વિકેટ ગુમાવી હતી. ન્યુઝીલેન્ડે 88 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે લાગતું હતું કે ભારત આ મેચમાં પકડ જમાવી લેશે. પહેલી મેચ રમી રહેલાં ઉમરાન મલિકે 2 અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી હતી. જોકે, કેપ્ટન કેન વિલિયમસન અને ટોમ લેથમે ત્યાર બાદ ભારતીય બોલર્સને જરાય મચક આપી નહોતી અને 47.1 ઓવરમાં જ 307 રનનો મુશ્કેલ જણાતો ટાર્ગેટ સરળતાથી પાર કરી લીધો હતો. લેથમે અણનમ 145 અને વિલિયમસને અણનમ 94 રન બનાવ્યા હતા.

આ અગાઉ ભારતીય ઓપનર્સ કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલે ધીમી પરંતુ સારી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ વન-ડે ઈન્ટરનેશનલમાં ચોથી વાર સદીની ભાગીદારી કરી હતી. બંને બેટ્સમેનોએ અર્ધસદી ફટકારી હતી. ત્યાર બાદ શ્રેયસ અય્યરે 76 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લી 4 ઓવરમાં 51 રન બનાવ્યા હતા. ભારતે 50 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 306 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડે જીતવા માટે 307 રન બનાવવાના રહેશે.

ભારતની પહેલી વિકેટ 124ના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ 50 રન બનાવ્યા હતા. શુભમન બાદ તરત જ કેપ્ટન શિખર ધવન પણ આઉટ થયા હતા. ધવને 77 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઋષભ પંત અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી, પરંતુ પંત લાંબુ ટકી શક્યો નહોતો. અંગત 15 રનના સ્કોર પર તે બોલ્ડ થયો હતો. પંત બાદ સૂર્યાકુમાર યાદવ બેટિંગ પર આવ્યો હતો. ટી-20માં જોરદાર પ્રદર્શન દેખાડનાર સૂર્યા વન-ડેમાં ફ્લોપ રહ્યો હતો. અંગત 4 રનના સ્કોર પર આઉટ થયો હતો. ફરી એકવાર ભારતે ઉપરાછાપરી 4 રનના અંતરમાં બે વિકેટ ગુમાવતા કફોડી સ્થિતિમાં મુકાયું હતું. જોકે, શ્રૈયસ અય્યર અને સંજુ સેમસને બાજી સંભાળી હતી. અય્યરે અર્ધસદી ફટકારી હતી. છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રનની ઝડપી ઈનિંગ રમતા ભારત 300નો સ્કોર પાર કરી શક્યું હતું.

Most Popular

To Top