Gujarat

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સરકારે ઓછામાં ઓછું દસ લાખનું વળતર ચૂકવવું જોઈએ: હાઇકોર્ટ

અમદાવાદ: મોરબી (Morbi) ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) થયેલી સુઓમોટોની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે દુર્ઘટનામાં સરકાર દ્વારા કરાયેલી સહાય અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચાર લાખનું વળતર પૂરતું નથી, ઓછામાં ઓછું દસ લાખનું વળતર ચૂકવવું જોઈએ. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતાં કહ્યું હતું કે, ઓરેવા ગ્રુપ સામે શું પગલાં લીધાં?

  • રાજ્યના તમામ બ્રિજનો સરવે કરવા હાઇકોર્ટનો નિર્દેશ
  • સીટની તપાસમાં સંતોષ નહીં થાય તો ફરી તપાસ સોંપાશે

વધુમાં કહ્યું હતું કે મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે. તમામ મૃતકો એક સમાન ગણાય તેમજ માતા-પિતા ગુજરી ગયા હોય તેવા બાળકોને પ્રતિ મહિને 3,000નું વળતર સરકાર ચૂકવશે, તેવું કહ્યું છે. ત્યારે 3,000માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહીં આવે. આ વળતર પૂરતું નથી. હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે, સીટની તપાસમાં સંતોષ નહીં થાય તો ફરી તપાસ સોંપવામાં આવશે, તેમજ રાજ્યના તમામ બ્રિજનો સરવે કરવામાં આવે, અને બ્રિજ ફીટ છે કે નહીં ? તેનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે. આ અંગે 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે, સીટની તપાસનો રિપોર્ટ કોર્ટમાં સીલ બંધ કવરમાં રજૂ કરવામાં આવે. જો તપાસ યોગ્ય ન લાગે તો તપાસ ફરી સોંપવામાં આવશે. મોરબી નગરપાલિકાએ સાડા પાંચ વર્ષ સુધી કોઈ એગ્રીમેન્ટ વિના ઓરેવા ગ્રુપને બ્રિજ વાપરવા કેમ દીધો ? જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવી છે? તેમજ આટલી મોટી દુર્ઘટના પછી મોરબી નગરપાલિકાને સુપર સીડ શા માટે નથી કરવામાં આવી ? તેવો સવાલ પણ કર્યો હતો.

આ ઉપરાંત એડ્વોકેટ જનરલે જણાવ્યું હતું કે, માતા અને પિતા બંને ગુજરી ગયા હોય તેવાં કુલ સાત બાળકો છે, જેમણે મુખ્યમંત્રી રાહતકોષ પ્રધાનમંત્રી રાહતકોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકોને 37 લાખ ચૂકવાશે. આ અંગેની વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ યોજાશે.

Most Popular

To Top