Columns

એક નાનું કામ

મહામારીના પ્રકોપમાં બેંકના એ.ટી.એમ. માં એક યુવતી મોડી સાંજે પૈસા કાઢવા માટે ગઈ.સદ્નસીબે ગલીના ખૂણામાં એ.ટી.એમ. હતું એટલે લાઈન ન હતી.યુવતી એ.ટી.એમ.માં ગઈ. એ.ટી.એમ. મશીનમાં કાર્ડ મૂક્યું.મશીને સૂચના બતાવી તમારા પૈસા લઇ લો.યુવતીને નવાઈ લાગી કે તેણે તો કોઈ ડીટેલ ફીડ કરી નથી, પૈસા કેવી રીતે બહાર આવ્યા.તેણે પૈસા હાથમાં લીધા તો બે હજારની બે નોટ એટલે કે ચાર હજાર રૂપિયા હતા.યુવતીએ આમતેમ જોયું કે કોઈ છે જે તેની પહેલાં પૈસા કાઢવા આવ્યું હોય અને પૈસા અહીં જ ભૂલી ગયું હોય કે રહી ગયા હોય.કોઈ દેખાયું નહિ.તેને કોઈ તપાસ કરવા આવશે તેમ વિચારી થોડી વાર રાહ જોઈ.પછી તે પોતાના પૈસા કાઢી.આ મળેલા ચાર હજાર લઈને ઘરે ગઈ.

બીજે દિવસે સવારે તે જે બેન્કનું એ.ટી.એમ.હતું ત્યાં ગઈ અને મેનેજરને મળીને બધી વાત કરી અને ચાર હજાર રૂપિયા પોતાની પહેલાં જેણે કાઢ્યા હશે તેની તપાસ કરી તેને આપી દેવા મેનેજરને વિનંતી કરી અને ચાર હજાર રૂપિયા મેનેજરને આપી દીધા.મેનેજરે તેની પ્રામાણિકતાનાં વખાણ કર્યાં.તેનો ફોન નંબર લીધો અને પોતે પોતાનાથી બનતું બધું કરશે તેમ વચન આપ્યું.બે દિવસ પછી યુવતીને મેનેજરનો ફોન આવ્યો કે પેલા એ.ટી.એમ.માંથી મળેલા પૈસા જેના હતા તેને પહોંચતા કરવામાં આવ્યા છે.

વાત એમ હતી કે આ પૈસા એક ૮૨ વર્ષના કાકાના હતા. તેઓ ઘરખર્ચ અને બીમાર પત્નીની દવા લેવા માટે આઠ હજાર રૂપિયા એ.ટી.એમ.,માંથી કાઢવા આવ્યા હતા અને બે નોટ મશીનમાં જ ભૂલી જઈ નીકળી ગયા હતા.ઘરે જઈ તેમને ખબર પડી કે પૈસા ઓછા છે તો તેઓ પોતાનાથી પડી ગયા હશે તેમ સમજી દુઃખી થઈ ગયા.એ.ટી.એમ.ના રેકોર્ડ્સ અને એ.ટી.એમ.કાર્ડ નંબર પરથી બેંક મેનેજરે તેમનો સંપર્ક કર્યો અને બધી વાત કરી અને કહ્યું કે બેન્કનો માણસ તેમને ઘરે તમારા પૈસા આપી જશે.કાકા ખુશ થઈ ગયા.મેનેજરનો આભાર માન્યો.મેનેજરે બધી વાત કરી અને ખરા આભારની હકદાર પૈસા આપવા આવનાર યુવતી છે;તેમ કહ્યું.કાકાએ યુવતીનો નંબર બેંક મેનેજર પાસેથી લીધો.

મેનેજરનો ફોન આવ્યો. યુવતી ખુશ થઈ ગઈ કે ચાલો, એક સારું કામ થયું.મેનેજરનો ફોન હજી મૂક્યો જ ત્યાં કાકાનો ફોન આવ્યો. તેમણે યુવતીનો ખૂબ ખૂબ આભાર માન્યો.આશીર્વાદ આપ્યા.કહ્યું, આ તેમના દર મહિને આવતા પેન્શનના પૈસા હતા.જો ન મળ્યા હોત તો આ કપરા સમયમાં હજી વધારે તકલીફ પડત.કાકાએ યુવતીનો ફરી ફરી આભાર માન્યો અને પોતાનું એડ્રેસ લખાવ્યું,યુવતીનું એડ્રેસ લીધું. લોકડાઉન બાદ પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું.યુવતી ખૂબ ખુશ થઈ અને એક નાનું પણ સારું કામ કર્યાનો તેને સંતોષ મળ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top