અરવિંદ કેજરીવાલ જેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી કહે છે અને, જેમને ‘ભારત રત્ન’ના હકદાર હોવાનું ભારતના લોકોને જણાવતા રહે છે તે મનીષ સિસોદિયાને તમે પ્રત્યક્ષ મળો અથવા એક વાર ટીવી પર પણ જુઓ તો તમને કોઈ મારવાડી વેપારી હોય તેવું લાગ્યા વગર નહીં રહે ! પણ, મનીષ સિસોદિયા મારવાડી કે પંજાબી નહીં પણ યુપીના (યુપી એટલે ઉત્તર પ્રદેશ…મેં અહીં યુપીએને બદલે યુપી નથી લખ્યું !) ભૈયા છે ! હા, કેજરીવાલ હરિયાણાના છે અને મનીષ સિસોદિયા યુપીના છે. મોદી-અમિત શાહ કરતાં આ જોડી થોડી નિરાળી છે ! મોદી ગુજરાતના સીએમ હતા તે સમયગાળા દરમ્યાન, કદાચ કોઈકે અમિત શાહને પૂછ્યું હોત કે તમારે સીએમ બનવું છે ? તો, અમિત શાહે કદાચ હકારમાં જવાબ આપ્યો હોત !
પણ, આ મનીષ સિસોદિયાને ચાહે કેટલી પણ વાર પૂછો, ચાહે કોઈ પણ પૂછે, ચાહે ક્યાંય પણ પૂછો, ચાહે કોઈ પણ પ્રયોજનથી પૂછો…જવાબ નકારમાં જ મળે !! ભાજપા તો આ મનીષ સિસોદિયાને મુખ્યમંત્રી બનાવવા આજકાલનું નીકળ્યું છે,પત્રકારોએ તો દિલ્હીમાં આપની સરકાર સહુ પ્રથમ વાર બનેલી કે તરત સિસોદિયાને Yes or Noમાં પૂછી લીધું હતું અને ત્યારે પણ સિસોદિયાએ જવાબમાં No જ કહ્યું હતું. જો,કે સહુ કોઈને ખબર છે કે વર્તમાન દિલ્હી સરકાર આખી તો નહીં પણ અડધી તો જરૂર મનીષ સિસોદિયા જ ચલાવી રહ્યા છે ! અને, બાકી અડધી દિલ્હી સરકારને ચલાવનારાઓમાં કેજરીવાલ સહિત અન્ય મંત્રીઓ-સંત્રીઓ-સચિવો-ગવર્નર તેમજ સઘળા ઓફિસરો-અફસરોનો સમાવેશ થઇ જાય…
આનંદીબહેન ઘણીવાર ફરિયાદ કર્યા કરે છે કે…હું ગુજરાતની શિક્ષણમંત્રી થયેલી પણ મેં તો વર્ષો સુધી એક શિક્ષક તરીકે ફરજો બજાવી છે અને, આ મનીષ સિસોદિયા તો શિક્ષક બન્યા વગર સીધા જ શિક્ષણ મંત્રી થઇ ગયા છે ને તે પણ દિલ્હીના ! પણ, આનંદીબહેન અહીંયાં જ થાપ ખાઈ જાય છે ! આનંદીબહેનને ખબર હોવી જોઈએ કે…એક સારા શિક્ષણમંત્રી બનવા માટે ખાલી શિક્ષક બનવું-હોવું-થવું જરૂરી નથી, પોતે એક સાચા વિદ્યાર્થી હોય તો પણ શિક્ષણમંત્રી તરીકે કામયાબ નીવડી શકાય છે.
મનીષ સિસોદિયા રાજ્કારણમાં આવ્યા તે પહેલાં તેઓ પત્રકાર હતા, ભારતીય વિદ્યાભવન (દિલ્હી)માંથી પત્રકારત્વનું ભણ્યા અને ઝી ન્યુઝમાં વર્ષો સુધી નોકરી કરી…મનીષ સિસોદિયાએ ઓલ ઇન્ડિયા રેડીયોમાં સરકારી નોકરી પણ કરી. તેમણે ‘કબીર’ નામે એક એનજીઓ પણ ચલાવ્યું. કેજરીવાલ સાથેની દોસ્તી બરાબર બાર વર્ષ જૂની થઇ તે પછી એમની સાથે રાજકારણમાં આવ્યા અને, આમ આદમી પાર્ટીનાં સ્થાપક સભ્યો પૈકી એક રહેવાનું સદ્ભાગ્ય એમને સાંપડ્યું.
Wordsworthનું પેલું વાક્ય સિસોદિયા વારંવાર દોહરાવતા રહે છે કે, Child is a father of man ! બાળકોને બિલકુલ ઓછાં નહીં આંકે ! દરેક બાળક પોતાના બાપ કરતાં સવાયું હોય છે એવું સિસોદિયા ચુસ્તપણે માને ! સિસોદીયાનો એક પુત્ર છે જેનું નામ તેમણે મીત નહીં પણ, મીર રાખ્યું છે. મીર તકી ‘મીર’ ઉર્દૂના એક મહાન શાયર થઇ ગયા. પણ, આ મીર સિસોદિયા શાયર નહીં પરંતુ એક અચ્છા ગાયક છે. મીરને મનીષ સિસોદિયાએ રાજકારણમાં લઇ આવવાને બદલે સારો ગાયક બનાવવો જોઈએ, મીર ગઝલો સુંદર રીતે ગાય છે-તેને શાસ્ત્રીય સંગીતના અનેક રાગ-રાગિણીઓનું જ્ઞાન છે…’દિલ કી બાત લબોં તક લાકર અબ તક હમ દુઃખ સહતે હૈ’ ગઝલ મીરને મુખેથી તમારે સાંભળવી જોઈએ.
મનીષ સિસોદિયાનાં પત્ની સીમાબહેનને સિસોદીયાની સરકાર સંબંધિત કોઈ પણ સવાલ કરો તો તમને દરેક સવાલના સંતોષકારક જવાબ આપે…તેઓ રાજકારણમાં ભલે રમી નથી રહ્યાં પણ, તેમની પાસે બધી જ માહિતી હોય ! સિસોદિયાને માથે પણ મોટી ચકમકતી ટાલ જોવા મળે છે. જેમ અમિત શાહ વગર નરેન્દ્ર મોદી અધૂરા લાગે તેમ, મનીષ સિસોદિયા વગર કેજરીવાલ પણ અધૂરા લાગે. સિસોદિયા પણ કેજ્રરીવાલની નકલ કરવાનો કોઈ મોકો ચૂકે નહીં. મનીષ સિસોદિયાના વક્તવ્યમાં તમે કોઈ પણ પ્રકારનો વ્યાકરણ-દોષ નહીં કાઢી શકો ! મનીષ સિસોદિયા પોતાની જાતને સદાબહાર સમજતા રહ્યા છે-તેઓ મોદીજીની માફક પોતાને શોભે છે કે નહીં તેની ફિકર રાખ્યા વગર જાહેરમાં જાતજાતની વેશભૂષા ધારણ કરતાં આપણને જોવા મળે છે.
સરકારી સ્કૂલના એક શિક્ષક્નુ સંતાન એવા મનીષ સિસોદિયા પાસે એક Master Key છે જે દરેકે તેમની પાસેથી મેળવી લેવી જોઈએ…એ Master Keyને ગુજરાતીમાં તમે Smile તરીકે પણ ઓળખી શકો ! જો, મનીષ સીસોદિયાને ગુજરાતી આવડતું હોત તો તેઓ ગુજરાતમાં હરતીફરતી વેળા ગુજરાતની પ્રજાને જરૂર એમ કહેતાં સાંભળવા મળ્યાં હોત કે… સ્મિત જેવી ગુરુચાવી ચહેરા પર રાખીને તમે કડવામાં કડવું સત્ય પણ સામેવાળાને કહી શકો છો, તમને એનાથી બિલકુલ નુકસાન નહીં થાય !
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણને આઝાદી મળી ત્યારથી શરુ કરીને હિસાબ પૂછે છે પણ, આ સિસોદિયા આર્યભટ્ટે શૂન્યની શોધ કરી ત્યાર પછી આપણે શું કર્યું એવો હિસાબ પૂછે અને જવાબમાં પોતે જ જણાવી દે કે…દોઢ હજાર વર્ષમાં આપણે ફક્ત ગીતો ગાયા કર્યા છે ! સસિસોદીયાના મતે શૂન્યની શોધનો ઇન્ડિયાએ બીજા દેશોની તુલનામાં કશો ફાયદો ઉઠાવ્યો નથી. કનીમોજી-મમતા બેનર્જી-મુરલી મનોહર જોશી આ ત્રણેયનો જન્મ પાંચ જાન્યુઆરીએ થયેલો અને મનીષ સિસોદિયા પણ પાંચ જાન્યુઆરીએ જન્મેલા ! પણ, કેટલો બધો ફરક છે એ દરેક વચ્ચે ???!!