કઠલાલ : કઠલાલની મીરઝાપુર ગામમાં રહેતી પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલિક હલધરવાસની 108 એમ્બ્યુલન્સ ટીમ પહોંચી હતી. તેઓ પરિણીતાને હલધરવાસ હોસ્પિટલમાં લઇ જતાં હતાં તે દરમિયાન રસ્તામાં જ દુઃખાવો ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવી પડી હતી. કઠલાલના મીરઝાપુર ગામમાં પરિણીતાને પ્રસુતિનો દુઃખાવો ઉપાડતાં મંગળવાર સવારે 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. આ કોલ હલધરવાસની 108ની ટીમને મળતા ઇએમટી નીતાબહેન અને પાયલોટ દેવાંશુ તરત જ મીરઝાપુર પહોંચ્યાં હતાં. તેઓ સ્થળ પર પહોંચી જોયું તો ભાવનાબહેનને અતિશય દુઃખાવો થઇ રહ્યો હતો. આથી, 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક હલધરવાસ સરકારી હોસ્પિટલ જવા નિકળ્યાં હતાં. પરંતુ ભાવનાબહેનને 108 એમ્બ્યુલન્સમાં અતિશય દુઃખાવો ઉપડતા તાત્કાલિક એમ્બ્યુલન્સને રોડની સાઇડમાં ઉભી રાખીને નિતાબહેન અને દેવાંશુભાઈને ત્યાં જ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી.
આ પ્રસુતિમાં મહત્વનું એ હતું કે, બાળકને ગળામાં નાળ વિટાંયેલી હતી. તેમ છતાં ઉપલા અધિકારીની સલાહ લઇને તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો. બાળકનું વજન પણ ત્રણ કિલો હતું. પ્રસુતિ કરાવ્યા બાદ ભાવનાબહેનના પરિવારમાં આનંદની લાગણી છવાઇ ગઈ હતી. તેમને પ્રાથમિક સારવાર આપી નજીકના હલધરવાસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ માતા અને બાળકની તબિયત એકદમ સારી અને તંદુરસ્ત છે. આ કામગીરી બદલ ભાવનાબહેનના પરિવારજનોએ ઈએમટી નીતાબહેન અને પાયલોટ દેવાંશુભાઈનો આભાર માન્યો હતો. ખેડા જિલ્લાની 108 એમ્બ્યુલન્સ દ્વારા અગાઉ પણ અનેક પ્રસુતિ એમ્બ્યુલન્સમાં કારવવામાં આવી છે.