11મી એપ્રિલ, 2016નો દિવસ ભારતના ડિજિટલ ઈતિહાસમાં મહત્ત્વનો હતો. 2008માં સ્થપાયેલી સરકારી એજન્સી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) નામથી પેમેન્ટ સિસ્ટમ લોંચ કરી. એ સાથે જ ભારતમાં ડિજિટલ પેમેન્ટનો યુગ શરૂ થયો હતો. આજે UPIની પેમેન્ટ સિસ્ટમ સાથે દેશની 350 કરતાં વધુ બેંકો જોડાયેલી છે અને ભારતમાં મહિને સરેરાશ 670 કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે. 10 રૂપિયાથી લઈને હજારો રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો એમાં સમાવેશ થાય છે. મન્થલી લગભગ 11-12 લાખ કરોડ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દેશમાં થાય છે.
ભારતના 10 કરોડ એક્ટિવ યુઝર્સ UPIના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે ને આ આંકડો સતત વધી રહ્યો છે. 2018-19ના વર્ષમાં ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન 23% થતું હતું, જે હવે 2021-22માં વધીને 55% સુધી પહોંચ્યું છે. UPI દુનિયાની સૌથી વિશાળ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે. રિયલ ટાઈમ ઓનલાઈન પેમેન્ટની બાબતમાં ભારત દુનિયામાં પ્રથમ ક્રમે છે.
ડિજિટલ પેમેન્ટમાં ભારત આગળ પડતું સ્થાન ધરાવે છે છતાં હજુય ઓનલાઈન પેમેન્ટમાં અવરોધો આવતા રહે છે. ક્યારેક બેંકોનું સર્વર ડાઉન હોવાથી પેમેન્ટ અટકી પડે છે તો ક્યારેક ઈન્ટરનેટ સ્લો હોય તો ઓનલાઈન પેમેન્ટ થતું નથી. શહેરોમાં સૌથી વધુ ઓનલાઈન પેમેન્ટ થાય છે. શો રૂમ્સથી લઈને નાની-મોટી દુકાનો અને ત્યાંથી પણ આગળ જઈને લારીમાં, ચાની કીટલીએ પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ બની ચૂકી છે. યુવાનો હવે કેશને બદલે નાની રકમ હોય તો પણ ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધારે પસંદ કરે છે.
પણ ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ સ્લો હોય ત્યારે ઓનલાઈન પેમેન્ટમાં અવરોધ સર્જાતો હોવાની ફરિયાદ ઊઠતી હતી. શહેરોમાંથી લોકો ગ્રામ્ય વિસ્તારોમાં કે પર્યટન સ્થળોએ જાય ને રસ્તામાં ઈન્ટરનેટની કનેક્ટિવિટીના પ્રશ્નો સર્જાય ને ઓનલાઈન પેમેન્ટ થઈ જશે એમ માનીને રોકડ સાથે ન રાખી ત્યારે મુશ્કેલી સર્જાતી હોય છે. એ સ્થિતિ નિવારવા હવે ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં વધુ વેલ્યુ એડિશન થયું છે. 2016માં UPIની સિસ્ટમ અસ્તિત્વમાં આવી હતી, હવે એ જ UPIની સિસ્ટમમાં ઓફલાઈન પેમેન્ટની સવલત ઉમેરાઈ ગઈ છે.
RBI સંલગ્ન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ વર્ષે જ મે-માસમાં ઓફલાઈન પેમેન્ટ માટે ફ્રેમવર્ક તૈયાર કરીને નિષ્ણાતો પાસે એનું રિવ્યુ કરાવ્યું હતું. તે પહેલાં ફાયનાન્શિયલ એજન્સીઓના અધિકારીઓ પાસેથી એની લાંબાગાળાની અસરો તેમ જ એમાં આવતા સંભવિત અવરોધો અંગે સૂચનો મેળવ્યા હતા. આમ તો ગયા વર્ષે જ આ દિશામાં કામ થયું હતું અને એક વર્ષમાં ઓફલાઈન ડિજિટલ પેમેન્ટની સવલત આપવાની વિચારણા ચાલતી હોવાના અહેવાલો રજૂ થયા હતા. ચર્ચા-વિચારણા અને પ્રયોગો પછી આખરે દેશમાં એ સવલતનો પ્રારંભ કરી દેવાયો છે. ટૂંક સમયમાં આખા દેશના યુઝર્સને તેનો લાભ મળતો થઈ જશે.
બેંકોના સર્વરમાં ગરબડો સર્જાવાની વ્યાપક ફરિયાદ અને ઈન્ટરનેટની સ્પીડ, કનેક્ટિવિટીના પ્રશ્નોનો ઉકેલ આપતા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઓફલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરીને નવા જ યુગનો પ્રારંભ કર્યો છે એવું અધિકારીઓએ કહ્યું હતું. UPIથી ઈન્ટરનેટ વગર પણ હવે પેમેન્ટ કરી શકાશે એટલે ડિજિટલ પેમેન્ટમાં આવતા અવરોધો દૂર થશે. કોઈ કારણસર આપણા મોબાઈલમાં ઈન્ટરનેટ ન આવે ત્યારે પેમેન્ટ કરવું અનિવાર્ય હશે તો હવે એ શક્ય બનશે. એના માટે અનસ્ટ્રકચર્સ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા (UASD)ની મદદથી એક કોડ જનરેટ કરીને પેમેન્ટ થશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ UPIથી ઈન્ટરનેટ વગર પણ ડિજિટલ પેમેન્ટ કરવા માટે ખાસ સર્વિસ શરૂ કરી છે. *99# નામની આ સર્વિસનો લાભ લેવા માટે સ્માર્ટફોનમાં *99# ડાયલ કરવાનું રહેશે. આ ડાયલ કરતાંની સાથે જ મોબાઈલની સ્ક્રીનમાં એક ઈન્ટરેક્ટિવ મેનુ ઓપન થશે.
ઓફલાઈન ડિજિટલ પેમેન્ટની આખી પ્રોસેસ કંઈક આવી હશે… સૌથી પહેલાં તો મોબાઈલમાં UPI કનેક્ટેડ એપ હોવી જરૂરી છે. ભીમ, ફોન-પે, paytm, ગૂગલ પે સહિતની એ એપમાં બેંક એકાઉન્ટ લિંક કર્યા બાદ જે યુઝર્સ ઓનલાઈન પેમેન્ટ કરતા હશે તેમના સ્માર્ટફોનમાંથી ઓફલાઈન પેમેન્ટ પણ થઈ શકશે. રજિસ્ટર્ડ મોબાઈલમાંથી *99# ડાયલ કર્યા બાદ યુઝર્સને બેંકનો ઓપ્શન મળશે. એમાં સેંડ મની, રિક્વેસ્ટ મની, ચેક બેલેન્સ, UPI પીન જેવા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
રૂપિયા ટ્રાન્સફર કરવા માટે સેંડ મનીનો વિકલ્પ પસંદ કર્યા બાદ જેને પેમેન્ટ મોકલવું છે તેની વિગતો સિલેક્ટ કરવાની રહેશે. એ પછી મોબાઈલ નંબર અને UPI ID નાખીને પેમેન્ટ કમ્પલિટ થશે. જો અગાઉથી કોઈ બેનિફિશ્યરી એકાઉન્ટ લિંક કરેલું હશે તો એનો વિકલ્પ પણ સ્ક્રીનમાં દેખાશે. પેમેન્ટમાં રિમાર્ક સહિતની બધી જ સુવિધા એવી જ મળશે, જે ઈન્ટરનેટની કનેક્ટિવિટી હોય ત્યારે મળે છે. છેલ્લે ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માટે સૌથી મહત્ત્વનો UPI કોડ નાખવો પડશે. એ સાથે જ ઈન્ટરનેટ વગર પણ પેમેન્ટ થઈ જશે.
ઈન્ટરનેટ સ્લો થઈ જાય કે ઈન્ટરનેટ કનેક્ટ જ ન હોય છતાં ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ મળશે એટલે ભારતમાં હજુય ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધશે. આ વિકલ્પથી ઓનલાઈન પેમેન્ટના ભરોસે હવે રોકડ પાસે ન રાખતા લાખો યુઝર્સને પડતી મુશ્કેલી નિવારી શકાશે. દેશમાં 55% વસતિ યુવાનોની છે અને દિવસે દિવસે વધુ ને વધુ યુવાનો ડિજિટલ પેમેન્ટના પ્લેટફોર્મમાં આવી રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ડિજિટલ ઈન્ડિયાની પૉલિસીને પ્રાધાન્ય આપ્યું છે અને સલામત ઓનલાઈન પેમેન્ટની સર્વિસ માટે અનેક વખત પ્રતિબદ્ધતા બતાવી હતી. બેંકમાંથી પૈસા ઉપાડવા જવાનો એક જમાનો હતો, પછી ATMની ક્રાંતિ થઈ. તે પછી ઓનલાઈન પેમેન્ટની મદદથી સરળતા વધી ને હવે ઓફલાઈન પેમેન્ટના કારણે ઈન્ટરનેટની કનેક્ટિવિટીની નિર્ભરતા પણ ઘટશે. દેશમાં ઈન્ટરનેટ વગર પણ ડિજિટલ પેમેન્ટ થશે તેનાથી ખરેખર જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધશે. આગામી દિવસોમાં ઓફલાઈન ડિજિટલ પેમેન્ટમાં પણ ભારત અવ્વલ હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય.
– હરિત મુનશી