ખેડા: ખેડામાં ભ્રષ્ટ તંત્રના વાંકે મોટાભાગના નાગરીકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી જાય છે. આવી જ રીતે ખેડા પાલિકા તંત્રના વાંકે એક સોસાયટીના 18 પરિવારો છેલ્લાં 20 વર્ષથી રોડ-રસ્તાં તેમજ પાણીની સુવિધાથી વંચિત રહ્યાં છે. અનેકવારની રજુઆતો બાદ પણ આ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં તંત્રએ રસ દાખવ્યો ન હોવાથી સ્થાનિકોએ વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિકોએ વિકાસ નહીં તો વોટ નહીં, રાજકીય નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ખેડા શહેરના વોર્ડ નં 4 માં મંગલપાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં 18 પરિવારો વસવાટ કરે છે. આ સોસાયટી બન્યાંને 20 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી સોસાયટીમાં રોડ-રસ્તાં કે સ્ટ્રીટલાઈટની સુવિધા પુરી પાડવામાં આવી નથી. તદુપરાંત સોસાયટીમાં પીવાનું પાણી પણ પુરતા પ્રમાણમાં મળતું નથી. જેને પગલે આ સોસાયટીના રહીશો છેલ્લાં 20 વર્ષથી પ્રાથમિક સુવિધા માટે વલખાં મારી રહ્યાં છે. સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા માટે અનેકોવાર પાલિકાતંત્ર ઉપરાંત ઉચ્ચ કક્ષાએ રજુઆતોનો મારો ચલાવ્યો છે.
પરંતુ, નઘરોળ તંત્ર દ્વારા આ રજુઆતો ધ્યાને લેવામાં આવતી નથી. બીજી બાજુ નેતાઓ ચુંટણી ટાણે આ સોસાયટીમાં જઈને રોડ-રસ્તા બનાવી આપવા તેમજ સ્ટ્રીટલાઈટ અને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી આપવાના વાયદાઓ કરે છે. જોકે, ચુંટણી પૂર્ણ થયાં બાદ નેતાઓ ક્યારેક આ સોસાયટીમાં ડોકાતાં જ નથી અને કરેલાં વાયદાઓ પુરા કરવાની તસ્દી પણ લેતાં નથી. જેના પગલે આજદિન સુધી સોસાયટીમાં રોડ બની શક્યો નથી, પાણી પણ પુરતા પ્રમાણમાં પહોંચતું નથી. જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સોસાયટીમાં રસ્તો ન હોવાથી ચોમાસા દરમિયાન કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આવા સમયે સ્થાનિકોને મજબુરીવશ કાદવ ખુંદવો પડતો હોય છે. છેલ્લાં 20 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહેલાં સ્થાનિકોની ધિરજ ખુટી જતા, તેઓએ આવનાર વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. વિકાસ નહીં તો વોટ નહીં, રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સોસાયટીમાં લગાવી સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને વિધાનસભાની ચુંટણીમાં મતદાનથી અગળા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે નેતાઓ દોડતાં થઈ ગયાં હતાં.
સ્વખર્ચે સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ લગાવી છે
મંગલપાર્ક સોસાયટીમાં રહેતાં રેખાબેન જણાવે છે કે, અનેકવારની લેખિત તેમજ મૌખિક રજુઆતો બાદ પણ તંત્રએ આ સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ નાંખવામાં રસ દાખવ્યો ન હતો. જેને પગલે સોસાયટીમાં સાંજે સાત વાગ્યાથી અંધકાર ફેલાઈ જતો હતો. એવામાં ચોરીના બનાવો પણ વધી ગયા હતાં. જેથી અમે સ્વખર્ચે સોસાયટીમાં સ્ટ્રીટલાઈટો લગાવી છે. પરંતુ, રસ્તાના અભાવે ખુબ જ હાલાકી પડતી હોવાથી અમે નક્કી કર્યુ છે, કે જ્યાં સુધી સોસાયટીમાં રોડ નહીં બને ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ.