SURAT

સુરતમાં પોપટ ચોરાયા, કિંમત જાણશો તો નવાઈ લાગશે

સુરત (Surat) : વરીયાવ (Variyav) ખાતે ખેડૂતે (Farmers) પોતાની વાડીમાં રાખેલા મકાઉના પોપટની (Parrot) જોડીની અજાણ્યા દ્વારા પાંજરાના કાપી ચોરી (Theft) કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બે લાખના પોપટની ચોરીની ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે (Police) પોપટ ચોરની શોધખોળ હાથ ધરી છે.

રાંદેર ગામમાં અંબાજી ચોક ખાતે રહેતા 43 વર્ષીય વિશાલભાઈ જીતેન્દ્રભાઈ પટેલ ખેડૂત છે. વરીયાવ ગામ જતા રોડ પર તેમની વાડી આવેલી છે. તેમણે વાડીમાં પક્ષી ઘર બનાવ્યું છે. વાડીની દેખરેખ માટે મહેશ પરમાર (રહે. ભાવનગર) નામના વ્યક્તિને કામે રાખ્યો હતો. તે નોકરી છોડી જતા વિશાલભાઈ પોતે દેખરેખ કરતા હતા. વાડીમાં તેમણે સીસીટીવી પણ લગાવ્યા નથી. તેમને વર્ષ 2014 માં સ્કારલેટ મકાઉ (Scarlet Macaw) પોપટની એક જોડી લીધી હતી. એક નર અને માદા પોપટની જોડી કલકત્તાથી સૌમ્ય જ્યોતીદાસ પાસેથી ખરીદી કરી હતી. અને આ જોડીને વાડીમાં રાખી હતી. આ સિવાય આઠ પાલતુ કુતરા વાડીમાં રાખેલા છે. આ પોપટની લંબાઈ આશરે ચારેક ફુટ છે. ગત 27 તારીખે વિશાલભાઈ તેમની વાડીએ આવ્યા ત્યારે લોખંડના પાંજરામાં મુકેલા 2 લાખની કિંમતના બંને પોપટ ગાયબ હતા. અને પાંજરાને કોઈએ કાપી નાખ્યું હતું. જહાંગીરપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરાની મીલમાં કામ દરમિયાન મશીનમાં આવી જતા કારીગરનું મોત, પરિવારનો હંગામો
સુરત : પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અંબાજી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં મર્ફિંગનું કામ કરતા ભેસ્તાનના યુવકનું કાપડના તાકા સુકવવાના મશીનમાં આવી જતાં મોત થયું હતું. મિલમાં  યુવકનું મોત થતાં સ્વજનો દ્વારા હોબાળો મચાવી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે અંતે મિલ સંચાલકો સાથે સમાધાન થતાં આજે સાંજે લાશનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને કબજો સોંપવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં પાંડેસરાના ભેસ્તાન ખાતે આવેલા ભગવતી નગરમાં રહેતા ૩૮ વર્ષીય ગૌતમભાઈ પંડરી ડાઇંગ મિલમાં મર્ફિંગનું કામ કરે છે. ગઈકાલે ગૌતમભાઈ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અંબાજી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં મર્ફિંગનું કામ કરવા માટે ગયા હતા. જ્યાં તાકા સુકવવાના મશીનમાં આવી જતાં તેઓ બેભાન થઈ ગયા હતા અને નાક તેમજ મોઢામાંથી લોહી નીકળતા મિલના કામદાર ઉમાકાંત તત્કાળ સારવાર માટે ઉધનાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ પાંડેસરા પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગૌતમભાઈના પરિવાર જનોએ મિલમાં હોબાળો મચાવ્યો હતો અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે અંતે મિલ સંચાલકો સાથે સમાધાન થતાં આજે સાંજે પોલીસ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને લાશનો કબજો સોંપાયો હતો.

Most Popular

To Top