ચીનમાં કોવિડ પરિસ્થિતિ ફરી ગંભીર બની છે અને કોવિડના કેસોની સંખ્યા ૨૫ હજારથી વધુ થઈ ગઈ છે જેમાં બેઇજિંગમાં ૫૦૦થી વધુ કેસ સામેલ છે. આથી શહેરના અધિકારીઓએ લાખો નાગરિકોને આ વીકએન્ડમાં ઘરમાં જ રહેવાની તેમજ દરરોજ ચકાસણી કરવાની સલાહ આપી છે. શુક્રવારે શહેરના સેંકડો વિસ્તારોમાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપ્યા પછી બેઇજિંગમાં શનિવારે ભયનું વાતાવરણ સર્જાયું હતું. લોકોને વીકએન્ડ દરમ્યાન બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી હતી. શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત તેમજ સૌથી વધુ વસતી ધરાવતા ચાયાંગ જિલ્લાના એક અધિકારીએ નાગરિકોને વીકએન્ડ દરમ્યાન ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. આ પોશ વિસ્તારમાં તમામ ટોચની સરકારી ઓફિસો, કમર્શિયલ હબ અને હજારો રહેણાંક સમુદાયો છે.
ચાયાંગના જિલ્લા પ્રશાસને પણ રહેવાસીઓને આ વિસ્તારમાંથી અકારણ બહાર ન નીકળવાની સલાહ આપી હતી અને જો તેમને જવું જરૂરી હોય તો તેમણે ૪૮ કલાકની અંદર નેગેટીવ ન્યુક્લીક એસિડ ટેસ્ટ આપવી પડશે. ચાયાંગ જિલ્લા ઉપરાંત ડોંગચેંગ, શિચેંગ, ટોંગઝાઉ, યાનકિંગ, ચેંગપિંગ, શુન્યી અને હૈદૈન જિલ્લા પ્રશાસને પણ તેમની સત્તાવાર સોશિયલ સાઈટ પર લોકોને બહાર ન નીકળવાની સૂચના આપતા પત્રો અપલોડ કર્યા હતા. હાલના રોગચાળાના નિવારણ અને નિયંત્રણના પગલાંને પગલે શહેરભરના કેટલાક મોટા શોપિંગ મોલ્સે પણ ડાઇનિંગ-ઇન સેવાઓ સ્થગિત કરી દીધી છે. બેઇજિંગમાં શુક્રવારે કોવિડના ૫૧૫ કેસ નોંધાયા હતા જ્યારે ચીનના અન્ય વિસ્તારોમાં ૨૫ હજાર કેસો નોંધાયા હતા.
ચીની ધોરણ મુજબ આ આંકડો ઘણો મોટો છે એવી જાણકારી સત્તાવાર રીતે આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી ચીનના લગભગ તમામ શહેરોમાં કોરોનાવાયરસના કેસોમાં સમયાંતરે વધારો થવાને કારણે લોકડાઉન લાગુ કરાઈ રહ્યા છે અને લોકોના જીવન, સપ્લાય ચેન અને અર્થવ્યવસ્થામાં વિક્ષેપ પડી રહ્યો છે જેનાથી લોકો પરેશાન થયા છે. કોવિડ સામે ચીની સરકારની ઝીરો ટોલરન્સની નીતિને કારણે લોકોમાં રોષ છે અને ગુઆંગઝાઓના ઔદ્યોગિક શહેરમાં જાહેર વિરોધ પણ નોંધાયા છે. અગાઉ આ મહિને ચીને તેની ઝીરો કોવિડ નીતિમાં ફેરફાર કરીને તેની ખૂબ જ ટીકા પામેલી સર્કિટ બ્રેકર નીતિમાં ફેરફાર કર્યો છે.
આ નીતિ હેઠળ આગમનમાં કોઈપણ કોવિડ કેસ જણાય તો સંબંધિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સ્થગિત કરી દેવાતી હતી. હવે ક્વોરન્ટાઈન સમય પણ ૧૦ દિવસમાંથી આઠ દિવસ કરાયો છે. કોવિડના કેસોમાં વારંવાર ઉછાળો આવતા ચીન તેની કોવિડ નીતિમાં વધુ સુધારા કરીને અર્થતંત્ર સુધારવા ખુલ્લી નીતિ અપનાવશે કે કેમ તેના વિશે નિરીક્ષકોને આશંકા છે. મહામારી તરીકે ભલે દુનિયામાં કોરોના વાયરસની અસર નગણ્ય બની હોય પરંતુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન એકસ બીબીએ ચિંતા વધારી છે. કોરોનાનો નવો વાયરસ રુપ બદલીને નવા અવતારમાં દેખા દેવા લાગ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા વાયરસથી ચેતવવાની સલાહ આપી છે.
નવો વેરીએન્ટ જુના વાયરસની સરખામણીમાં ખૂબ ઝડપથી ફેલાય છે એટલું જ નહી તેની પ્રતિરોધ ક્ષમતા પણ વધારે છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોનના બે અન્ય વેરિએન્ટસ બીએ ૨.૭૫ અને બીએ.૨.૧૦.૧નો વૈશ્વિક સ્તરે ૧.૩ ટકા જેટલો પ્રસાર છે અને ૩૫ દેશોમાં હાજરી નોંધાઇ છે. ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એકસબીબી વેરિએન્ટના ૩૬ જેટલા કેસ ધ્યાનમાં આવ્યા છે. આ વેરિએન્ટની પાવરફૂલ સંક્રમણ ક્ષમતા અંગે મહારાષ્ટ્ર કોવિડ ટાસ્કફોર્સે પણ ચેતવણી આપી છે. જો કે અત્યારે તો વેરિએન્ટ ગંભીર રોગોનું કારણ બને તેમ જણાતું નથી.
લક્ષણો માઇલ્ડ જણાય છે તેમ થતાં સાવચેતી રાખવી જરુરી છે. વેકિસનનો બુસ્ટર ડોઝ લીધો હોય તો પણ હળવાશથી લેવા જેવો નથી. લોકોએ પોતાની ઇમ્યુનિટી વધે તે માટે પ્રયાસ કરવાની તથા એ પ્રકારની જીવનશૈલી અપનાવવી જરુરી છે. ભારતની જ વાત કરીએ તો હાલમાં ભલે મોટાભાગના લોકો વેક્સિનેટેડ છે અને કેટલાક તો બુસ્ટર એટલે કે પ્રિકોશન ડોઝ પણ લઇ રહ્યાં છે. પરંતુ કોરોના તેનું સ્વરૂપ વાંરવાર બદલીને ત્રાટકી રહ્યો છે. જો કે, સારા સમાચાર એ પણ છે કે, નવા વેરિયન્ટ ઘાતક નથી હોતા થોડા માઇલ્ડ હોય છે પરંતુ કોરોનાને કોઇપણ રીતે નજરઅંદાજ કરી શકાય તેમ નથી અને આવી ચેતવણી વારંવાર જુદી જુદી આરોગ્ય સંસ્થાઓ આપી રહી છે. જો કે, ચીનના કારણે ભારતે એટલા માટે ચેતવું જરૂરી છે કારણ કે, ચીન ભારતનો પડોશી દેશ તો છે જ સાથે સાથે ભારત તેની સાથે બહોળો વેપાર પણ ધરાવે છે એટલે કે બંને દેશના લોકોની વ્યાપક પ્રમાણમાં એકબીજાના દેશોમાં અવરજવર રહે છે.