SURAT

રેકોર્ડબ્રેક 131 દિવસ બાદ સુરતનો કોઝવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો

સુરત: (Surat) રાંદેર અને કતારગામને જોડતા કોઝવે (Causeway) પરથી રોજના હજારો વાહનો (Vehicle) પસાર થાય છે. રાંદેર અડાજણ જહાંગીરપુરા સહિતના લોકો કતારગામ સીંગણપોર વેડરોડ તરફ જવા માટે અને તે તરફથી આ તરફ આવવા માટે હજારો વાહનો કોઝવે બ્રિજનો (Bridge) ઉપયોગ કરે છે. આ વર્ષે ચોમાસામાં વરસાદનું જોર વધુ રહેતા મનપા દ્વારા કોઝવે બંધ કરાયો હતો. 10 મી જુલાઈએ કોઝવે બંધ કરવામાં આવ્યો હતો જે છેક 131 દિવસ બાદ એટલે કે, 19 નવેમ્બરે સવારે 11 વાગ્યે ખોલવામાં આવ્યો હતો. 27 વર્ષમાં પહેલીવાર કોઝવે સૌથી વધુ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે.

આ વર્ષે ચોમાસા દરમિયાન સુરત સહિત સમગ્ર સુરત જીલ્લામાં અને ઉકાઈના ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે તાપીનું જળસ્તર વધતું જ ગયું હતું. ઉકાઈના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવતું હતું. તાપીનું જળસ્તર વધવાને કારણે રાંદેર કતારગામને જોડતો કોષવે ઓવરફ્લો થયો હતો. જેથી મનપા દ્વારા કોઝવે 10જુલાઈના દિવસે બંધ કરવામાં આવ્યો હતો. જે સતત બંધ જ રહ્યો હતો. ચોમાસુ પુર્ણ થયા બાદ પણ કોઝવે રીપેરીંગ માટે બંધ જ રખાયો હતો અને હવે છેક 131 દિવસ બાદ કોઝવે શનિવારે સવારે ખુલ્લો મુકાયો હતો. ચોમાસાના ચાર મહિના બાદ આજથી કોઝવે ખુલ્લો મુકવામાં આવતા વાહન ચાલકોને સૌથી વધુ રાહત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 27 વર્ષમાં પ્રથમવાર કોઝવે રેકોર્ડબ્રેક 131 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો.

Most Popular

To Top