લગ્ન – જીવનનો યાદગાર પ્રસંગ. આ દિવસે દુલ્હન તો સોળ શણગાર સજીને તૈયાર થાય જ છે પરંતુ હવે દુલ્હાઓ પણ પાછળ નથી. દુલ્હનને માટે આભૂષણો અપરંપાર છે તો દુલ્હાઓ પણ વેડિંગ આઉટફિટસ સાથે એકસેસરીઝથી પોતાનો લુક નિખારી રહ્યા છે. પોતાના લગ્નના દિવસને અવિસ્મરણીય બનાવવા માટે તેઓ જવેલરીની પસંદગી કાળજીથી કરી રહ્યા છે. લગ્નના દિવસે વરરાજા માટે કઇ વેડિંગ જવેલરી જરૂરી છે? આવો જાણીએ…
નેકલેસ
સામાન્ય રીતે વરરાજા લગ્નને દિવસે વધારે આભૂષણો પહેરતાં નથી પરંતુ તેઓ નેકલેસ પહેરવાનું તો પસંદ કરે જ છે. નેકલેસ દુલ્હા માટે બેઝિક વેડિંગ જવેલરી છે. નેકલેસમાં પણ મીનીમલથી માંડી એકસ્ટ્રાવેગન્ટ વેરાયટી મળી રહે છે. મોતી, લેયર્ડ મોતીની સેર, મોતી સાથે કુંદન, સ્ટોન, ડાયમન્ડના નેકલેસ આઉટફિટસ પ્રમાણે પસંદ કરી શકાય. જો તમે શેરવાની સાથે શું પહેરવું તે નકકી ન કરી શકતાં હો તો કલાસિક પર્લ નેકલેસ પસંદ કરો. ઓફ વ્હાઇટ શેરવાની પર મલ્ટી લેયર્ડ પર્લ નેકલેસ સરસ લાગશે. નેકલેસના સફેદ મોતી તમને ગ્રેસફુલ લુક આપશે અને બધાંનું ધ્યાન ખેંચશે.
ગોલ્ડ ચેન
ગોલ્ડ ચેન કલાસિક વેડિંગ જવેલરી છે. દુલ્હારાજા એંન્ગેજમેન્ટમાં કે રીસેપ્શનમાં સોનાની ચેન પહેરી શકે. ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળી શેરવાની સાથે ગોલ્ડ ચેન સુંદર લાગે છે.
બ્રોચ
તમારી વેડિંગ શેરવાની એના પર સ્ટેટમેન્ટ બ્રોચ મૂકયા વિના અધૂરી છે. એ તમારા સમગ્ર લુકને નિખારે છે. શેરવાનીને રોયલ ટચ આપવા મોતી, કુંદન કે સોનાનું બ્રોચ પસંદ કરી શકાય.
બ્રેસલેટ
ડાયમંડ બ્રેસલેટ તમારા વેડિંગ લુકને નિખારશે. વેડિંગ ફંકશન માટે એ કિંમતી આભૂષણ છે. ડાયમંડ બ્રેસલેટ કલાસ અને એલિગન્સ આપશે. એ તમારી પર્સનાલિટી નિખારી તમને સ્ટાઇલિશ વરરાજા દર્શાવશે.
સહેરા
લગ્નના દિવસે અમુક કોમમાં વરરાજા સેહરા બાંધે છે. દુલ્હાની એકસેસરીઝમાં આ બહુ મહત્ત્વની એકસેસરી છે. એ દુલ્હાના ઓવરઓલ લુકમાં રોયલ ટચ આપે છે. પહેલાં માત્ર ફૂલોના સહેરાનું જ ચલણ હતું પરંતુ હવે સમય જતાં ઝીણાં મોટી અને ટેસલ્સના સહેરા પણ વરરાજાની પસંદ બનવા લાગ્યા છે. જે દુલ્હેરાજા એકસપરિમેન્ટ કરવા ઇચ્છતાં હોય તેમને માટે આ સારો વિકલ્પ છે.
બેલ્ટ
વરરાજાના આઉટફિટસમાં સ્ટેટમેન્ટ બેલ્ટની ફેશન છે. સામાન્ય રીતે શીખ અને રાજસ્થાની દુલ્હાઓ એમ્બેલિશ્ડ ફેબ્રિક બેલ્ટ પહેરવાનું પસંદ કરે છે. વરરાજા માટે આ વેડિંગ એકસેસરી જુદા જુદા કલર્સ અને સ્ટાઇલમાં મળે છે. જરી વર્કમાં પણ એ મળે છે. બ્રાઇડ જો કમરબંધ પહેરતી હોય તો દુલ્હેરાજા પાછળ કેમ રહી જાય?
કલગી
વરરાજા પોતાની પાઘડીને રોયલ ટચ આપવા માંગતાં હોય તો તેઓ પીછાં સાથે કલગી પણ પાઘડી પર મુકાવી શકે. દુલ્હાના આઉટફિટસમાં પાઘડી કે સાફો તો હોય જ છે. તમે સાફા પર સ્ટેટમેન્ટ કલગી પણ મૂકી શકો. સ્ટાઇલિશ કલગી તમને ગ્લેમરસ લુક આપશે. ટોળામાં બધાંથી અલગ દેખાવા તમે ચેન, પીંછાં, મલ્ટી ટાયર્ડ કે મોતીની સેરવાળી કલગી પસંદ કરી શકો.