આણંદ : આણંદ જિલ્લામાં 1985માં આઠ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં સરેરાશ આઠ સો મતદારે એક બુથ મુકવામાં આવ્યો હતો. જોકે, પરિણામમાં સૌથી વધુ બોરસદ બેઠક પર 70.03 ટકા મતની સરસાઇ નિકળી હતી. જ્યારે સૌથી ઓછી પેટલાદમાં 11.60ની સરસાઇ વિજેતા ઉમેદવારને મળી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, કુલ 4,10,993 મહિલા મતદારમાંથી માત્ર 1,92,753 મહિલાએ મતદાન કર્યું હતું. આણંદ જિલ્લાના ઉદ્દભવ પહેલા બૃહદ ખેડામાં સમાવેશ થયેલ ઉમરેઠ, આણંદ, સારસા, પેટલાદ, સોજીત્રા (એસ.સી.), બોરસદ, ભાદરણ અને કેમ્બે (ખંભાત) વિધાનસભાની બેઠક ઉપર 1985ના વર્ષમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 3જી મેના રોજ મતદાન થયું હતું.
આ સમયે ઉમરેઠમાં 800, આણંદમાં 832, સારસામાં 861, પેટલાદમાં 897, સોજિત્રામાં 804, બોરસદમાં 891, ભાદરણમાં 830 મતદારો સામે એક મતદાન મથક હતું. જ્યારે ખંભાત બેઠક પર સરેરાશ 784 મતદારો સામે એક મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. આ ચૂંટણીના પરિણામમાં વિજેતા ઉમેદવાર અને હરિફ ઉમેદવાર વચ્ચે મતની ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ 70.03 ટકા મતની સરસાઇ બોરસદ બેઠક પર જોવા મળી હતી. જ્યારે સૌથી ઓછી 11.60 ટકા મતની સરસાઇ પેટલાદ બેઠક પર જોવા મળી હતી. આ ઉપરાંત ઉમરેઠમાં 26.64 ટકા, આણંદમાં 48.97, સારસામાં 64.79, સોજિત્રામાં 65.34 ટકા, ભાદરણમાં 59.58 ટકા અને ખંભાત બેઠક પર 44.12 ટકા મતની સરસાઇ જોવા મળી હતી.