Charchapatra

બંધારણના આર્ટિકલ  142નો સદુપયોગ કે દુરુપયોગ

દેશમાં સુપ્રીમ કોર્ટના અમુક ચુકાદા સામાન્યપણે બિનરાજકીય વ્યક્તિઓને નવાઇ પમાડે એવા લાગે છે. હમણાં થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના છ હત્યારાઓને તામિલનાડુની રાજ્ય સરકારની ભલામણ સ્વીકારી સુપ્રીમ કોર્ટ દ્વારા અસામાન્ય સંજોગોમાં લાગુ કરાતા (પડાતા) બંધારણના આર્ટીકલ ૧૪૨ નો આધાર લઇ છોડી દેવામાં આવ્યા. માણસ માત્રની હત્યા કરતા, કુમળી છોકરીઓના શિયળ લૂંટતા કે એવો અપરાધ કરી નિર્દોષ બાળાઓને મોતને ઘાટ ઉતારતા કોઇને પણ માફ ન જ કરી શકાય પરંતુ દેશના પ્રધાનમંત્રી જેવી વ્યક્તિની હત્યા કરતી વ્યક્તિઓને પણ રાજકારણીઓની ભલામણને આધારે જ અધૂરી સજાએ છોડી દેવામાં આવે અને દેશની સર્વોચ્ચ અદાલતે પેપરમાં છપાયેલ સમાચાર મુજબ એ ભલામણને સ્વીકારવી જ પડતી હોય.

તો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે અગત્યની વ્યક્તિની, કોઇ પણ પક્ષના મુખ્ય પ્રધાન કે પ્રધાનમંત્રીની હત્યા કરતી વ્યક્તિઓને સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયે વહેલા છૂટવાનો એક રસ્તો બતાવી દીધો છે. સૌથી નવાઇ પમાડે એવી બાબત એ છે કે દેશની મોટા ભાગની પ્રજાએ (સામાન્ય જનતાએ) પણ કોર્ટના નિર્ણયને સહજપણે કોઇ પણ જાતના પ્રતિભાવ વિના સ્વીકારી લીધો હોય એવું લાગે છે. સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય ઘણા સવાલો પેદા કરવા સાથે મધપૂડાને છંછેડવા જેવો છે, જે ભવિષ્યમાં ઘણાંને ડંસી શકે છે. અલબત્ત કેન્દ્ર સરકારે હાલમાં જ સર્વોચ્ચ અદાલતને આ ચુકાદા પર ફેર વિચારણા કરવા અરજી દાખલ કરી છે જે આવકારદાયક છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વડનગરની તરફેણ અને મોરબીની અવગણના કેમ?
રેલવેએ વડનગર વલસાડ ટ્રેન શરૂ કર્યાના સમાચાર આનંદદાયક છે. વડનગર ભલે નાનું શહેર છે, પરંતુ નાના શહેરને પણ લાંબા અંતરની ટ્રેન સુવિધા પ્રાપ્ત થાય તો તેમાં કાંઇ ખોટું નથી. તેની સામે મોરબીમાં 27 વર્ષથી બ્રોડગેજ લાઇન છે. મોરબી મોટું ઔદ્યોગિક શહેર છે. આશરે 75 હજાર પરપ્રાંતીય કારીગરો મોરબીના કારખાનાઓમાં કામ કરે છે. વળી મોરબી જિલ્લા મથક પણ છે. આમ છતાં મોરબીથી ભાવનગર, જામનગર, પોરબંદર, સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા જવા કોઇ પણ સીધી રેલ સુવિધાનો અભાવ છે.

મોરબીવાસીઓ કેટલાંક વર્ષોથી બહારગામ જતા કે ત્યાંથી પરત થતી વખતે કુટુંબ તેમજ સામાન સાથે ટ્રેન બદલવાની હાડમારીનો ભોગ બની રહ્યા છે. રેલવે કોઇ અકળ કારણોસર મોરબીથી મુંબઇ, દિલ્હી, ઇંદોર, પૂના, હરિદ્વાર, બેંગ્લોર, સોમનાથ, પોરબંદર, જામનગર, ભાવનગર, ઓખા, હૈદ્રાબાદ માટે સીધી રેલ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલ છે. વર્ષોથી થઇ રહેલ રજૂઆતો રેલવેએ કાને ધરેલ નથી. મોરબીનો દાવો ઘણો જૂનો અને ચડિયાતો છે. સીધી રેલ સુવિધા શકય ન હોય તો રેલવેએ અમદાવાદ સુધી આવતી આશ્રમ, સર્વોદય, ગુજરાત મેલ, ગુજરાત એકસપ્રેસ, અહિંસા વ. ટ્રેનો મોરબી સુધી લંબાવી મોરબી પ્રજાને થઇ રહેલ અન્યાય દૂર થવો જોઇએ.
પાલનપુર          – અશ્વિનકુમાર ન. કારીઆ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top