પારડી : પારડી (Pardi) પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના (Information) આધારે બે જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પારડીના સારણ ગામે બ્લોઝમ ખાડીથી કલસર ગામ તરફ જતા રોડ ઉપર મોપેડના ચાલક કાર્તિક કિશોર પટેલએ મોપેડમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. દારૂની બોટલ નંગ 336 મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. પારડી ચાર રસ્તા વાપીથી સુરત જતા સર્વિસ રોડ ઉપર દારૂ લઈ જતી ચાર મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી. જેમાં હીનાબેન રાજેશ પટેલ , સરસ્વતીબેન છનુ પટેલ (રહે. ગણદેવી), દક્ષાબેન રાહુલ પટેલ, સવિતા અમ્રત પટેલ (રહે. ગણદેવી) પાસેથી 243 નંગ દારૂની બોટલો જેની કિં. રૂ.25000 મળી આવ્યો હતો. પોલીસે બંને કેસમાં કુલ 579 દારૂની બોટલ, મોપેડ, મોબાઇલ સહિત કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દારૂની 336 નંગ બોટલ મળી
આ ઉપરાંત પીઆઈ મયુર પટેલની ટીમે અન્ય એક પ્રોહિબિશન કેસમાં નાસ્તો ફરતો આરોપી નર્મદા જિલ્લાનો મુકેશ જીવણ ઓડ સુરતથી વાપી જતો હોવાની બાતમી પોલીસને મળતા વોચ ગોઠવી હતી. તે દરમ્યાન પારડી ચાર રસ્તા પાસે વોન્ટેડ આરોપી મુકેશને પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
છાપરા ગામે ઘરમાંથી વિદેશી દારૂ મળી આવતા મહિલાની ધરપકડ
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે છાપરા ગામે ઘરમાંથી 26 હજારના વિદેશી દારૂ મળી આવતા મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે બેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નવસારીના છાપરા ગામે સરકારી આવાસની બાજુમાં આવેલા ઘરની પાસેના વાડામાં છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને 26,675 રૂપિયાની વિદેશી દારૂની 170 નંગ બાટલીઓ મળી આવતા નીરૂબેન શુક્કરભાઇ હળપતિને ઝડપી પાડી હતી. પોલીસે નીરૂબેનની પૂછપરછ કરતા વલસાડમાં રહેતા ગુણવંત લંગડો તથા બીપીનભાઈ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે ગુણવંત લંગડો અને બીપીનભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.