પુનઃજનમ વિશે દરેકનો એવો જ મત વ્યક્ત થાય કે પુનઃજન્મ છે અને આ જન્મમાં કરેલા કર્મના ફળ પુનઃજન્મમાં અવશ્ય ભોગવવાં પડે છે, પ્રશ્ન થવો જોઇએ કે પુનઃજન્મને નરી આંખે જોયો છે ખરો? કે તેના આધાર, પુરાવાથી સાબિત કરી શકાય. જો આ જન્મનાં ફળ પુનઃજન્મમાં જ ભોગવવાનાં હોય તો પછી દરેક લોકો કોઈ ગુના, અપકૃત્ય,રુશ્વતખોરી કરતા ગભરાય નહીં કે ફળ તો પુનઃજન્મમાં જ ભોગવવાનું છે ને, તાર્કિક રીતે વિચારીએ તો એવું હોતું નથી એવાં અનેક ઉદાહરણો છે કે કોઈ રુશ્વતખોરી, બળાત્કાર, ખૂન કરે તો તુરત જ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય છે અને સજા ફરમાવવામાં આવે છે.
હવે એવું તો માનવામાં આવતુ નથી. આ બધા ગુનાની સજા પુનઃજન્મમાં ભોગવશે. જો એવું જ હોત તો વહીવટી પ્રથા લાખોનો ખર્ચ કરીને ઊભી કરવાનો અર્થ જ નથી. આપણે જોઇએ છીએ કે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની હત્યા કરનારા કે સંસદભવનમાં હુમલો કરનારાઓને આ જન્મમાં જ સજાઓ થઈ છે. જો એવું માની લે કે કર્મનાં ફળ પુનઃજન્મમાં ભોગવશે અને સજા ન કરે તો? આજે વંચિતો, ગરીબો પર અત્યાચાર, હુમલાઓ થાય, સવર્ણ સોસાયટીમાં મકાન ન આપવાની માનસિકતા બદલાતી નથી તો શું ગરીબો, દલિતોએ એવું માની લેવાનું કે તેઓ ગયા જન્મના ફળ ભોગવી રહ્યા છે? પુનઃજન્મ વિશે કોઈ શોધ થયાનું હજુ સુધી ધ્યાનમાં નથી, ટુ ધી પોઇન્ટ કોલમમાં સમકિત શાહે જણાવેલ હકીકત પરત્વે ચર્ચાપત્રમાં પુનઃજન્મ એક વાસ્તવિકતા વિશે લખાયું છે એ વાત સાચી, પણ આ અંગે કોઈ આધાર કે વૈજ્ઞાનિક રીતે પુનઃજન્મને સાબિત કરી શકાય.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તાડીરસિયા સુરતીઓ
૧૯૬૦ પહેલાં હાલનું ગુજરાત રાજ્ય ‘બૃહદ્ મુંબઇ’ નો એક ભાગ હતો ત્યારે દારૂબંધી હતી નહિ.સુરતમાં તાડીનું વેચાણ ખૂબ થતું હતું.સુરતમાં જરી અને કાપડના ઘરે ઘરે કારખાનાં હતાં.કારખાનામાં કામ કરતાં શ્રમિકો સાંજે થાક ઉતારવા તાડીનું સેવન કરતાં હતાં.ખત્રી જ્ઞાતિનાં લોકો જાતે જ મશીન ચલાવતાં હતાં.મહેનતનું કામ કરવાથી શરીરમાં ગરમી વધી જવાથી ગરમીનું મારણ ગણાતી તાડીનું સેવન કરતા.સલાબતપુરામાં તાડીના ઝાડ હતાં અને તાડીના પીઠા ધમધમતા હતા.જ્યાં તાડનું ઝાડ હતું તે વિસ્તાર આજે ‘તાડવાળી શેરી’ તરીકે ઓળખાય છે અને તેની બાજુમાં બારડોલીથી આવેલા પરિવારનાં લોકો રહેતાં હતાં ત્યાં તાડીનું પીઠું ચાલતું હતું તે વિસ્તારનું નામ ‘બારડોલીનું પીઠું’ છે.રૂસ્તમપુરામાં એક મોટું તાડનું ઝાડ હતું તે વિસ્તાર આજે ‘રાવણ તાડ’થી પ્રસિદ્ધ છે.ખત્રી જ્ઞાતિમાં બનતા નોનવેજ ‘તપેલા’માં જે નાની પુરી બનાવતા હતા તે લોટમાં આથો લાવવા માટે તાડી નાંખવામાં આવતી હતી તે પુરીને ‘તાડીવાળી પુરી’ કહેવામાં આવતી.આજે પણ તાડીરસિયા સુરતીઓ દમણ કે દહાણુ જાય ત્યારે તાડીનું સેવન અચૂક કરે છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.