અંકલેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ (Asian Paints) કંપનીમાંથી વેસ્ટ બંગાળ (West Bengal) લઈ જવાતા કલરનો જથ્થો સગેવગે કરવાના મામલે 6 મહિના બાદ ટ્રકનો ક્લિનર પોલીસના હાથે ઝડપાયો હતો.મળતી માહિતી અનુસાર, ગત તા. 7 જૂન 2022ના રોજ અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હુગલી ખાતે ટ્રકમાં ભરી ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર કલરના રૂપિયા 43 લાખથી વધુની કિંમતના 1790 નંગ બોક્સ લઇને નીકળ્યો હતો. જે બાદ ટ્રકનું GPS ચેક કરતા તે બંધ હોવા સાથે ચાલકનો ફોન પણ બંધ આવ્યો હતો, અને આ ટ્રક વડોદરાની ડુમાડ ચોકડી નજીકથી ખાલી હાલતમાં મળી આવ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
જોકે, ટ્રકમાં રહેલ તમામ કલરનો જથ્થો સગેવગે થયો હોવાનું ધ્યાન પર આવતા ડેલ્હીવેરી ફેઈટ સર્વિસીસ કંપનીમાં લોસ એન્ડ પ્રિવીયેન્સન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સિક્યુરિટી મેનેજર મહેન્દ્ર પરમારે હરેન્દ્રસિંહ પરમાર અને ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે અગાઉ 3 આરોપીની અટકાયત કર્યા બાદ મુદ્દામાલ સગેવગે કરનાર ટ્રકના કંડક્ટર શિવાલ ઉર્ફે બુધો ધીરજલાલ વડગામાને સુરતના વરાછાના વૈશાલી ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો.
સાત વર્ષ પહેલા સબમર્શિબલ મોટરની ચોરી કરનાર એલસીબીના હાથે ઝડપાયો
પલસાણા : સુરત જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.ચાવડા તથા એ.એસ.આઈ અરવીંદભાઈ બુધીયાભાઈ નાઓને સંયુક્ત રીતે તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે, સાત વર્ષથી બારડોલી તથા માંગરોળ વિસ્તારમાં સબમર્શિબલ મોટર ચોરીના ગુનામાં સંડોવાયેલો અને ઘણા સમયથી નાસતો ફરતો આરોપી નેહરૂ વસાવા કામરેજ બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર ઉભેલો છે. તેણે ભુરા રંગનુ લાંબી બાયનું સફેદ તથા લાલ રંગની બાય વાળુ શર્ટ અને કાળા રંગનુ પેન્ટ પહેર્યું છે.
બાતમીના આધારે પોલીસે તેને કામરેજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને કામરેજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીનું નામ નેહરૂભાઈ કાઠુભાઈ વસાવા છે અને તેની ઉંમર 42 વર્ષ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, આજથી આશરે સાતેક વર્ષ પહેલા અલગ અલગ મહિનામાં બારડોલી તથા માંગરોલ વિસ્તારમાંથી રાત્રીનાં સમયે અન્ય સાગરીતો સાથે ખેતરાડી વિસ્તારોમાં જઇ ખેતી માટે ઉપયોગી સબમર્શિબલ મોટરની ચોરી છે. તેની કબૂલાતના આધારે પોલીસે નહેરૂ વસાવા ( રહે. હાલ સચીન જી.આઈ.ડી.સી સાઈના ટેક્ષટાઈલની રૂમમાં મૂળ ઈટવાઈ ગામ, મંદિરા ફળીયુ, તા.કુકરમુંડા, જી.તાપી.)ની ધરપકડ કરી છે.