નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો (Captain Mahendra Singh Dhoni) ફેન બેઝ આખી દુનિયામાં કોઈથી ઓછો નથી. કદાચ આ જ કારણ છે કે આજે પણ જો ટીમ ઈન્ડિયા (Team India) કોઈ મેચ હારે છે તો લોકો ધોનીને ખૂબ મિસ કરવા લાગે છે. ધોની દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરવા લાગે છે. ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય પરંતુ તેના ચાહકો હજુ પણ ધોની માટે ખૂબ ઉત્સુક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ધોની અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Home Minister Amit Shah) હાથ મિલાવતા તસવીર વાયરલ થઈ હતી. આ અંગે લોકોએ અલગ-અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ધોનીએ ચેન્નાઈમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
જણાવી દઈએ કે ધોની ચેન્નાઈમાં એક ઈવેન્ટ દરમિયાન અમિત શાહને મળ્યો હતો. વાયરલ ફોટોમાં ધોની અમિત શાહ સાથે હાથ મિલાવતા નજરે પડે છે. ધોની અને શાહ બંને ઈન્ડિયા સિમેન્ટની 75મી વર્ષગાંઠના અવસર પર પહોંચ્યા હતા. જે બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનની કંપની છે. શ્રીનિવાસન આઈપીએલની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક પણ છે.
ધોની રાજકારણમાં આવશે?
એમએસ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને લગભગ બે વર્ષ થઈ ગયા છે. પરંતુ તેના ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ફોટો જોઈને યુઝર્સ અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.ધોનીના ફેન્સ ખરેખર વિચારી રહ્યા છે કે શું ધોની રાજકારણમાં જોડાવા જઈ રહ્યો છે? જો કે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે નથી આવી. પરંતુ કહી શકાય કે એક ઈવેન્ટમાં ધોની અને અમિત શાહની મુલાકતને લોકોએ રાજકારણ સાથે જોડી દીધી હતી.
હાલમાં ધોની બિઝનેસમાં હાથ અજમાવી રહ્યો છે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીએ હવે બિઝનેસ જગતમાં દસ્તક આપી છે. તે અલગ-અલગ સેક્ટરમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યો છે. તેણે સ્પોર્ટસવેર, હોમ ઈન્ટિરિયર કંપની હોમલેન, યુઝ્ડ કાર સેલ્સ કંપની Cars24, સ્ટાર્ટઅપ કંપની ખાટાબુક, બાઇક રેસિંગ કંપની, સ્પોર્ટ્સ કંપની રન એડમ, ક્રિકેટ કોચિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ રોકાણ કર્યું છે. રાંચીમાં તેઓ લગભગ 43 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તાજેતરમાં, તેમણે ગરુડ એરોસ્પેસ સાથે ભાગીદારીમાં ડ્રોન ઉત્પાદન માટે ડ્રોની નામનું સાહસ શરૂ કર્યું છે. આ વર્ષે બેંગ્લોરમાં એમએસ ધોનીની ગ્લોબલ સ્કૂલ પણ શરૂ કરવામાં આવી છે.