વલ્લભભાઇની સુરત કર્મભૂમિ 1920 પછી બની. ગાંધીજીનો સંદેશ હતો કે સુરત જીલ્લામાં 60 ટકા વસ્તી ધરાવતા આદિવાસીઓમાં જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે. આદિવાસી બહુમતિ વિસ્તારમાં છ આશ્રમો સ્થપાયા વાલોડ, વેડછી, સરભોણ, નાની ફરોદ, મોટી ફરોદ અને સૂરત. પાટીદાર અને અનાવિલ આશ્રમની વચ્ચે વલ્લભભાઇના પ્રમુખપદે સ્વરાજ આશ્રમ સ્થપાયો. કાળક્રમે પાટીદાર આશ્રમ કોમી નામ કાઢી નાંખી ‘વલ્લભ વિદ્યાર્થી આશ્રમ’ નામ આપ્યું અને ‘પાટીદાર યુવક મંડળ’ ને બદલે ‘વલ્લભ સેવા મંડળ’ નામ અપાયું. વલ્લભભાઇના નેતૃત્વ હેઠળ રાનીપરજ પરિષદો, હળપતિ પરિષદોનું આયોજન થતું રહ્યું. આમ વલ્લભભાઇ સૂરત જીલ્લાના રાજકારણના સાચા અર્થમાં સરદાર બન્યા.
બારડોલી તાલુકા અને ચોર્યાસી તાલુકામાં 1927 માં બ્રિટિશ સરકારે જમીન મહેસૂલની આકારણી કરી અને એકાએક ૩૦ ટકા જમીન મહેસૂલનો વધારો ખેડૂતો ઉપર ઝીકાયો. ખેડૂતો ખૂબ અકળાયા. મુંબઇની ધારાસભામાં સૂરત જીલ્લાના ધારાસભ્યોએ અથાગ પ્રયાસો કર્યા પણ વધારો પાછો ના ખેંચાયો. સરકાર પણ અડીખમ હતી. તાલુકાના સ્થાનિક કાર્યકરો જેઓ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ખેડા, બોરસદ, નાગપુર, બારડોલી અસહકારના આંદોલનોમાં ઘડાઇ ચૂકયા હતા તેઓની નજર સ્વાભાવિક રીતે સરદાર વલ્લભભાઇ તરફ વળી. 21 જાન્યુઆરી 1928 ના રોજ તાલુકાના 137 ગામોની સભા ભરાઇ અને વલ્લભભાઇને સરકાર સામે આંદોલન કરવા આમંત્રણ આપવાનો નિર્ણય થયો.
સરદાર વિચક્ષણ દૂરંદેશી દૃષ્ટિવાળા હતા. સાથે સાથે વાહીયાત નહિ પણ વાસ્તવિક પરિસ્થિતિ અને જમીની હકીકત સાથે સંકળાયેલા હતા. કલ્યાણજી, કુંવરજી, ખુશાલભાઇ, રવિ શંકર મહારાજ દરબાર ગોપાળદાસ બધા મળ્યા. સરકારે સ્પષ્ટ કહ્યું, ‘તમે બારડોલી પાછા જાવ, એકલો વધારો જ નહી પણ આખુ મહેસૂલ ન ભરવા ખેડૂતો તૈયાર હોય તેમ કરતા ફના થવા તૈયાર હોય તો હું ખુશીથી આવું.’4 થી ફેબ્રુઆરીએ આખા તાલુકાની ખેડૂત પરિષદમાં તાતા તીર જેવી વાણી ઉચ્ચારી.
‘મારી સાથે બેલ ન થાય. બિન જોખમી કામમાં હું હાથ ઘાલવાનો નથી. જેને જોખમ ખેડવું હોય તેની પડખે હું ઊભો રહીશ’.
સરદારે સ્થાનિક કાર્યકરો સમક્ષ બીજી શરત મુકી.
‘મારી સભામાં અડધોઅડધ બહેનો હોવી જોઇએ. તેઓને જાગૃત કરવાની સવિષેશ જરૂર છે. ખેડા સત્યાગ્રહનો કપરો અનુભવ છે. 80 ટકા જમીન મહેસૂલ બહેનોએ ભરી દીધી હતી. તેમને તેમના ઢોરો જપ્તીમાં જતા રહે તેવો ભય સતાવતો હતો.’ વલ્લભભાઇ માટે કામ ખૂબ કપરુ હતું. 137 ગામમાંથી મોટા ગામો, મોટા ખેડૂતો મહેસૂલ ના ભરે તો પોતાની જમીનો જપ્ત થઇ જાય, પોતાના ઢોરો, ઘર વખરી જપ્તીમાં જતા રહે તેઓ ભય સેવતા હતા. વળી પાટીદાર, અનાવિલ, વાણિયા બ્રાહ્મણો, પારસી, મુસલમાનો અને એથી વિશેષ આદિવાસીઓ જે એક જુથમાં રાખી આંદોલનની રચનાનું માળખુ જડબેસલાક એક સૂત્રતાવાળુ કરવાનું રહેતું.
ખેડૂતમાંથી સરકારનો ભય દૂર કરવા કહેતા. ‘મરવાનું એક જ વખત છે. દરકને માટે કાથીને વાંસ સિવાય બીજું શું છે જ નહીં. તમારી પાસે એવી કઇ ચીજ છે કે સાથે લઇ જવાના છો? તમે કેમ ડરો છો? જયારે તમે નીડર થાવ ત્યારે તમે સ્વતંત્ર છો.’
‘શું સરકાર તમારી ખાલસા જમીન વિલાયત લઇ જવાનો છો? કયો કાળામાથાનો માનવી તમારી ખાલસા જમીન ખેડવા આવી શકવાનો છે? સંપ કેળવો, એક થાવ. વિદેશ સત્તા પણ એક જુથ થયેલા ને નમાવી ના શકે. વલ્લભભાઇના વાગબાણો વિષે મહાદેવભાઇ દેસાઇ કહે છે.
‘મેં ઘણીવાર વલ્લભભાઇને બોલતા સાંભળ્યા હતા. પણ આ વેળાએ તેમની વાણીમાં તેજ ભાળ્યું. આંખમાંથી કેટલીક વાર જે વહનિ વરસતો જોયો તેવો કદી નહોતો જોયો. લોકોની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકેકટકા થતા હોય તેવી તીવ્ર વેદનાથી ભરેલા ઉદ્ગારો નીકળતા એ ભાષણોની તળપદી ભાષા, ભૂમિમાંથી થાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડયા.’ તેમની વાણીમાં હાસ્યરસ પણ રહેતો. તેઓ કહેતા કે ‘જપ્તી ના થાય તેથી વાડામાં પૂરી રાખતા ઢોરો, ભેંસો વિલાયતની ગોરી મેડમ જેવી સફેદ, ઉજળી થવા માંડી છે.’ તેઓ બહેનોને સરસ દાખલો આપતા મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે. પરંતુ એક ઠીકરી આખા ઘડાને તોડી પાડવા પૂરતી છે. ઠીકરી ડરે શું કામ?
તેવી જ રીતે શાહુકારો, જમીનના માલિકો અને ખેતમજૂરો આદિવાસી, કાળીપરજ લોકો વચ્ચે એક બીજાના હિતોનો ટકરાવ હોય એ સ્વાભાવિક હતો. આ બે વર્ગ વચ્ચે મેળ કરવા સરદારે સરસ ઘર ગથ્થુ દાખલો કહ્યો. ‘દૂધ પાણી ભળે એટલે બેઉ એક રંગ થાય કદી છૂટાં પડતાં નથી. દૂધ ઉકળે છે ત્યારે પાણી દૂધને બચાવવા નીચે જાય છે. દૂધને ઉભરાવવા દેતુ નથી. શાહુકારો ખેતમજુરો આદિવાસીઓને જરૂર હોય ત્યારે પૈસા ધીરી, પ્રસંગો ઉકેલે છે. આજે જયારે શાહુકારોને તમારી જરૂર છે. તમારો ટેકો જોઇએ છે ત્યારે તમારે પાણી જેમ દૂધને મદદ કરે છે તેમ તમારે કરવાનું છે.
વલ્લભભાઇએ બારડોલી સત્યાગ્રહમાં પ્રથમ હરોળમાં સજજ સૈનિકો જેવી બહાદુર ગ્રામીણ મહિલાઓને બનાવી. સત્યાગ્રહ શરૂ કરતા પહેલા અગ્રગણ્ય સત્યાગ્રહીઓને તેમણે બારડોલી બોલાવ્યા અને દરેકને પત્રમાં લખ્યું કે તમારે તમારી પત્ની, દીકરીઓ, બહેનો સાથે આવવું. મીઠીબેન પીટીટ, મણિબેન, સુમન્ત મહેતાના પત્ની શારદાબેન મહેતા, દરબાર ગોપાળદાસના પત્ની ભકિતબા, કાન્તીલાલ ધીયાના પત્ની ચંપાબેન ધીયા, જયોત્સનાબેન શુકલ વગેરે આવ્યા અને બહેનોની સભાઓ ગર્જાવી. પૂનમ નામની કુંભારણના ઘરમાં જયારે જપ્તી અમલદારો ઘૂસ્યા ત્યારે તે ત્રાટકી, ‘ખબરદાર! મારા પતિની ગેરહાજરીમાં મારા ઘરમાં ઘૂસ્યા છે તો ગેરકાયદેસર પ્રવેશનો આરોપ લગાડી કોર્ટમાં ઘસડીશ.’
આ ઠંડી તાકાત સ્ત્રીઓમાં આવી. નાની ફરોદ ગામમાં ભવનભાઇ હીરાભાઇ નામના ગરીબ ખેડૂતના ઘરમાં જપ્તી અમલદારો ઘૂસ્યા. ભવનભાઇની પત્નીએ બારણાં બંધ કર્યા. જપ્તી અમલદારે પત્નીને બદલે ભવનભાઇને પકડી છ માસની સખત કેદની શિક્ષા કરી. પતિને જેલ લઇ જતા સમયે પત્ની એ એક વીરાંગનાને છાજે તેવા શબ્દો પતિને ઉચાર્યા. ‘જો જો હોં ઢીલો બોલ ના નીકળે. મારી કે છોકરાં સામે જોવાનું ના હોય. હિંમતભેર કહેજો કે તારાથી દેવાય તેટલું દુ:ખ દે. મારા ઉપર કેસ માંડયો હોત તો બતાવી દેત. માગ દળવા આવે તો દોઢમણ દળીને બતાવી દેત.’ આવી ખુમારી વલ્લભભાઇએ બારડોલીની અભણ પ્રજામાં પોતાના શબ્દોની તાકાતથી પેદા કરી હતી. જે સત્યાગ્રહનાં હથિયારનો અમલ કરવામાં ગાંધી ખેડા, અસહકારના આંદોલનમાં નિષ્ફળ ગયા. એ જ સત્યાગ્રહના હથિયારનો સફળ પ્રયોગ વલ્લભભાઇએ સૂરત જીલ્લાના બારડોલી તાલુકામાં કરી બતાવ્યો. કેવી રીતે કરી બતાવ્યો? તે કોઇવાર આવતા અંકોમાં કરીશું.