Sports

T-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ માટે નિયમોમાં થયો મોટો ફેરફાર, વરસાદ પડશે તો..

મેલબોર્ન: T20 વર્લ્ડ કપ 2022ની (T20 WorldCup) ફાઈનલ (Final) મેચ રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (EnglandvsPakistan) વચ્ચે રમાશે. મેલબોર્નમાં યોજાનારી આ મેચ પર વરસાદની છાયા છે અને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે. દરમિયાન, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દ્વારા આ ફાઇનલ મેચ માટે નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. આ ફેરફાર મેચના નિર્ધારિત સમય માટે છે, કારણ કે રવિવારે મેલબોર્નમાં ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, જો મેચ પૂર્ણ કરવા માટે વધુ સમયનો ઉપયોગ કરવો પડે, તો તે કરી શકાશે. મેલબોર્નમાં 13 નવેમ્બરે યોજાનારી ફાઈનલ મેચના દિવસે ભારે વરસાદ થવાની ધારણા છે, એટલું જ નહીં 14 નવેમ્બરે, જે ફાઈનલનો અનામત દિવસ છે. તે દિવસે પણ અહીં વરસાદ પડી શકે છે, તેથી સમયપત્રકમાં થોડો વધુ સમય ઉમેરવામાં આવ્યો છે.

આઈસીસી (ICC)એ હવે ફાઈનલ મેચમાં વધુ બે કલાકનો ઉમેરો કર્યો છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચમાં કોઈપણ પરિણામ માટે બંને ટીમો માટે 10-10 ઓવર રમવી જરૂરી છે, જો આટલી પણ રમત નહીં થાય તો પાકિસ્તાન-ઈંગ્લેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ICCનું કહેવું છે કે રવિવારે મેચ પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે, પરંતુ જો રિઝર્વ ડે પર જવાની વાત આવે તો બીજા દિવસે મેચ વહેલી શરૂ થશે. ઉપરાંત, મેચ તે જ જગ્યાએથી શરૂ થશે જ્યાં તે આગલા દિવસે બંધ થઈ હતી.

તમને જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં લગભગ ચાર-પાંચ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. આમાંની મોટાભાગની મેચ મેલબોર્નમાં યોજાઈ હતી, જેના કારણે ખતરો યથાવત છે. મેલબોર્નમાં 13 નવેમ્બરે 95 ટકા અને 14 નવેમ્બરે પણ 90 ટકાથી વધુ વરસાદ પડવાની ધારણા છે. એટલે કે બંને દિવસે પુષ્કળ વરસાદ થવાની સંભાવના છે. વરસાદના સંજોગોમાં ફાઈનલ મેચ રમાડવી એ મેલબોર્ન સ્ટેડિયમના આયોજકો માટે ખૂબ જ કપરું કામ બની રહેવાનું છે. હવે જોવાનું એ રહે છે કે આઈસીસી દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ પણ મેચ રમાય છે કે નહીં?

Most Popular

To Top