National

મની લોન્ડરિંગ કેસમાં જેલમાંથી બહાર આવેલા નેતા સંજય રાઉતે કહ્યું ‘હું અમિત શાહને મળીને પૂછીશ…’

નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં જેલમાંથી (Jail) બહાર આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતે ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ સંજય રાઉતે પોતાની ભવિષ્યની રણનીતિ વિશે વિગતવાર વાત કરી છે. સંજય રાઉતે કહ્યું છે કે હું ગૃહમંત્રી અમિત શાહને મળીશ, તેમને પૂછીશ કે મેં શું ગુનો કર્યો છે. વઘુમાં તેઓએ જણાવ્યું કે એક સાંસદની અટકાયત કરીને જેલમાં રાખવામાં આવ્યા તેથી હવે મારે મારો અવાજ ઉઠાવવો પડશે. હું ઈચ્છું છું કે પૂર્વ ચીફ જસ્ટિસ લલિતની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે અને આ મામલાની તપાસ કરવામાં આવે. રાઉતે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે તેમના જેલને કારણે પરિવાર પર પણ તેની અસર થઈ હતી. આ વિશે તેઓ કહે છે કે મારી ઉપર ખોટો કેસ છે, મને તે વિશે કંઈ ખબર નથી.

રાઉતે કહ્યું કે આ બીજેપીવાળાઓને બહુ શ્રાપ લાગશે, તેમને પણ બાળકો છે. જો ભાજપ સરકાર ઈચ્છતી હોત તો મારી ધરપકડ અટકાવી શકી હોત. પણ તેઓને લાગ્યું કે મારા જેવા લોકો તેના માટે ખતરો બની જશે. અગાઉ દેશમાં આવું રાજકારણ નહોતું. આ લોકોએ પાકિસ્તાન સામે બદલો લેવો જોઈએ, ચીન સામે લેવો જોઈએ… આતંકવાદ સામે બદલો લેવો જોઈએ… શા માટે તેઓ આપણાથી બદલો લે છે. જો આવું કરીશું તો દેશની લોકશાહી ખતમ થઈ જશે.

સંજય રાઉતે શિવસેનામાં બળવા અંગે પણ પોતાના મંતવ્યો આપ્યા હતા. તેમના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે 40 ધારાસભ્યો છોડી ગયા છે તેમાંથી પણ ઘણા તેમના સંપર્કમાં છે. તેઓ આશા રાખે છે કે કેટલાક પાછા પણ આવી શકે છે. તેણે દાવો કર્યો હતો કે બળવા દરમિયાન ઘણા ધારાસભ્યોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ રાઉત એકનાથ શિંદે અને તેમની છાવણી વિશે કહે છે કે તમે સ્વાર્થ માટે બાળાસાહેબનું નામ ઇચ્છતા હતા. હું અહીં સ્પષ્ટ કરી દઉં કે અમે તેની સાથે ક્યારેય ગેરવર્તન કર્યું નથી. તેઓ જૂના શિવસૈનિક છે. શુક્રવારે આદિત્ય ઠાકરે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા, તેના પર પણ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમના મતે મહા વિકાસ અઘાડી ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહેવાની છે. તેઓ કહે છે કે આદિત્ય અને રાહુલ બંને યુવા નેતા છે. જો આદિત્ય કોઈની સાથે ચાલતો હોય તો જેનો હાથ પકડી રહ્યો હોય તેની પીઠમાં તે ખંજર નહીં મારે.

Most Popular

To Top