Charchapatra

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાની તપાસની જરૂર નથી

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાબતે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પુલના મરામતમાં જો નવા સળિયા વાપરવાની જોગવાઇ ટેન્ડરમાં હોવા છતાં જૂના સળિયા જ રહેવા દેવામાં કેમ આવ્યા છે. ટેન્ડરમાં પુલના ચાલવા માટેના માર્ગમાં લાકડાનો ઉપયોગ કરવાની જોગવાઇ હોય તો લપસી પડાય એવા ગેલ્વેનાઇઝનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? આ કામનું નિરીક્ષણ કરનાર અધિકારીના ધ્યાન પર કેમ ન આવ્યું? અને આવ્યું તો મૌન જાળવવામાં કેમ આવ્યું? પુલની મરામત થયાના પ્રમાણપત્ર વિના આ પુલ કેમ શરૂ કરવામાં આવ્યો? અને આવી હિંમત એમની પાસે કયાંથી આવી? મરામત બાદ પુલના ઉદ્‌ઘાટન માટે પ્રધાનો કે સરકારી અધિકારીની જગ્યાએ કોન્ટ્રાકટરે પોતે જ રૂપિયા કમાવાની લાલચે પુલ ચાલુ કરવામાં આવ્યો આવી હિંમત એમની પાસે કયાંથી આવી?

મરામતનું બે કરોડનું કામ ફકત વીસ લાખમાં પૂર્ણ કરવામાં આવ્યું કોની દયાથી? પ્રાપ્ત અહેવાલ મુજબ ઓરેવા કંપનીનું ટેન્ડર મુંબઇની એક કંપની કરતાં વધારે રકમનું હતું છતાં મંજૂર કેમ કરવામાં આવ્યું? સાહેબ, પ્રસિધ્ધિ થયેલ અહેવાલ મુજબ ગાંધીનગરથી દબાણ આવવાથી આ ઓરેવા કંપનીનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ. હવે ઉપરોકત દરેક પ્રશ્નોના જવાબ મળી જશે અને એટલે જ તપાસની જરૂરત નથી. મારો આ વિષય હોવાથી અને 145 આત્મજનોના દુ:ખી પરિવારના દુ:ખ બાબતે આ લખું છું.
અમરોલી          – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મેળવો તેમ છોડતાં જાવ
મેળવવું ઘણું મુશ્કેલ છે તેના કરતાં છોડવું ઘણું મુશ્કેલ છે. અમુક બાબતો એવી છે જે મેળવ્યા પછી તેને જાળવવી પણ જોઇએ. શું મેળવ્યું છે તેના પર બધો આધાર છે. સત્તા, સંપત્તિ, પૈસો, સંબંધ, પ્રેમ, ભકિત, મિત્રો, કુટુંબ એવી ઘણી બાબતો છે જે મળી જતી હોય છે. કયારેક મળ્યા પછી છોડવાનો સમય થાય ત્યારે છોડતાં પણ આવડવું જોઇએ અને અમુક બાબતોને જાળવી રાખતાં પણ આવડવું જોઇએ. કંઇ પણ મેળવવા માટે જ ધમપછાડા? છોડવાનું થાય ત્યારે શું કરવા પેટમાં દુખે છે? ધન મેળવવા માટે ગમે તે પગલાં શા માટે ભરાય? યોગ્ય સમયે છોડવાનું શીખવું પડશે. મેળવવા અને છોડવાની બાબતમાં જે પકડવા જેવું છે તેને માનવીએ કયારેય છોડવું જોઇએ નહીં. વહેમ અને અંધશ્રધ્ધા છોડવાં જરૂરી છે. કંઇક મેળવવા માટે સમજયા વિના આંધળી દોટ શા માટે કરવી? આનંદ, મોજને માણવા જેવી છે, જિંદગીમાં કોઇને નડયા વિના મેળવાતો હોય તો તે આનંદ છે. સાચો આનંદ ઔષધ જેવું કામ આપે, ધમપછાડા કરી આંધળી દોટને બદલે ચાલવાથી ઘણું મેળવાશે.
સુરત     – સુવર્ણા એસ. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top