Charchapatra

દુર્ઘટનામાંથી કોઈ બોધપાઠ લેતું નથી

જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તંત્ર સફાળું જાગે છે. પરંપરા મુજબ દુર્ઘટનાની તપાસ અર્થે તપાસ પંચ(સમિતિ) નિમવાની અને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના વારસદારોને અને ઘાયલ થયેલી વ્યક્તિઓને સરકારી સહાય ચૂકવવાની જાહેરાત કરાય છે અને રાહતની કામગીરી શરૂ કરાય છે. પરંતુ બનેલી દુર્ઘટનામાંથી કોઈ બોધપાઠ ગ્રહણ કરવામાં આવતો નથી! અને ફરીથી આવી કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે તપાસ પંચે અહેવાલમાં કરેલાં સૂચનો રોકવા અર્થે આગવા કડક, નક્કર અને અંતે બધું જ ભૂલી જવામાં આવે છે! ઘટિત દુર્ઘટના માટે દોષિતોને દાખલો બેસે તેવી સજા કરવામાં આવે અને ધર્મસ્થાનો અને પ્રવાસનાં સ્થળોએ જે માનવ મહેરામણ (લોકો વધુ પ્રમાણમાં) ઉમટે છે તે રોકવા અંગે ચોક્કસ નિયમો ઘડાય અને તેનો કડક  અમલ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ ચોક્કસ નિવારી શકાય.
સુરત     – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એલ.આઇ.સી.ના નિવૃત્તોના સરકારે બૂરા હાલ કર્યા છે
હાલમાં આપણા દેશમાં જે વર્ગને આડો ઊભો ઝૂડી શકાતો હોય તો તે નિવૃત્તો. તેમનો અસંગઠિત સમૂહ છે, દા.ત. એલ.આઇ.સી., જીઆઇસી, બેન્કના નિવૃત્તોના કાગળના વાઘ જેવા અખિલ ભારતીય કે રાજયસ્તરે સંગઠનો ઘણાં છે, પણ કોઇનું કંઇ ઉપજતું એટલા માટે નથી કે નિવૃત્તોનો આખો વર્ગ કોઇ સીધા પગલાની હાકલને દાદ આપવા સમર્થ હોવા છતાં વિધેયાત્મક પ્રતિભાવ આપવા અસમર્થ છે. બીજી બાજુ સરકાર એ પણ જાણે છે કે 50 ટકા ઉપરના નિવૃત્તો ભકતસમુદાયના છે. તેઓને પણ ચચરે તો ઘણું છે, પણ સાહેબનો વાંક કેવી રીતે કાઢી શકે?

હાલમાં જ બેન્ક સંચાલકોના એક સંગઠન આઇબીએ એ નિવૃત્તોની વૈદકીય સારવાર માટેના વિમાની દરખાસ્ત જે નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિ.એ આપી તે આંખ મીંચીને કોઇક ગર્ભિત કારણસર સ્વીકારી લીધી. આખી યોજનામાં ચિત્ત પણ મારી ને પટ્ટ પર મારીનો સિદ્ધાંત જ સ્વીકાર્ય બનાવ્યો છે. નિવૃત્તોએ તે ફરજિયાત સ્વીકારવો પડયો છે. આ યોજનાની એક ખાસ વાત એવી છે કે વિમાધારકની મરજીને કોઇ અવકાશ જ નથી. કલાર્ક કે સેવક ભાઇઓના કે અધિકારીઓના પ્રિમિયમમાં ડોમીસાઇલ સારવારનું જે વધારાનું પ્રિમિયમ આપવું પડે તેના કરતાં તેમને ઓછી રકમના રક્ષણની સ્પષ્ટ શરત છે અને આઇબીએના ધુરંધરોને તે ઇરાદાપૂર્વક નજરે પડી નથી.

આ આઇબીએ ભારતમાં સૌથી શકિતશાળી સંસ્થા તરીકે ગણાય છે. આપણી સર્વોચ્ચ અદાલત અનેક ચુકાદાઓ આપે છે. સંસદ કેટલાક ચુકાદાઓને કાયદાકીય સ્વરૂપ આપવા સક્ષમ હોય તેવું કરે છે. પરંતુ કોઇ પણ બેન્કના કર્મચારીઓ કે અધિકારીઓની તરફેણમાં કોઇ ચુકાદો સર્વોચ્ચ અદાલત આપે તો પણ જયાં સુધી આઇબી એની મેનેજીંગ કમિટી તેને મંજૂરીની મ્હોર ન મારે ત્યાં સુધી કોઇ પણ બેન્ક તે ચુકાદાનો અમલ કરી શકતી નથી. આઇબીએ એ આવા ચુકાદાઓને બાજુએ રાખી પોતાની મનમાની કરવાની સત્તા સંજોગોવશાત્ હાંસલ કરી લીધી છે. એલઆઇસીના મૃત નિવૃત્તોના જીવનસાથીને મળતું ફેમીલી પેન્શન 15 ટકાથી વધારી 30 ટકા આપવામાં એલઆઇસીને કોઇ વાંધો નથી. તેના બોર્ડમાં પણ મંજૂર કરવામાં આવ્યું છે. છતાં ફકત વિધિવત્ ભારતના નાણાંમંત્રીની સહમતી જરૂરી હોવાથી સરકારને એક પૈસો ગુમાવવાનો નથી છતાં મેડમ મંજૂરીની મહોર મારતા નથી. બેન્ક, એલઆઇસીના નિવૃત્તોનું પેન્શન બાવા આદમના જમાનાની થીયરી પર જ ચુકવાય છે.
સુરત              – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top