Sports

T-20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો 10 વિકેટથી શરમજનક પરાજય

એડિલેડ : ઓસ્ટ્રેલિયાના (Australia) એડિલેડ ખાતે ICC T20 વર્લ્ડકપ 2022ની (T20WorldCup2022) બીજી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) અને હાર્દિક પંડ્યાની (Hardik Pandya) અર્ધસદીની મદદથી ભારતે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 168 રન બનાવ્યા હતા. ભારતે (India) જીતવા માટે ઈંગ્લેન્ડને (England) 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે તોફાની શરૂઆત કરી હતી. 10ની એવરેજથી રન બનાવ્યા હતા. પાવર પ્લેની 6 ઓવરમાં જ ઈંગ્લેન્ડના ઓપનરોએ 63 રન બનાવી લીધા હતા.

  • કોહલી અને હાર્દિક પંડ્યાની અર્ધસદી એળે ગઈ
  • બટલર અને એલેક્સે શરૂઆતથી જ 10ની એવરેજથી રન ફટકાર્યા
  • ઈંગ્લેન્ડે ખૂબ જ સરળતાથી માત્ર 16મી ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો
  • હવે 13 નવેમ્બરે મેલબોર્નમાં ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે

ભારતના તમામ બોલર ઈંગ્લેન્ડના ઓપનરો સામે નિષ્ફળ પુરવાર થયા હતા. ઈંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સે ફિફ્ટી ફટકારી હતી ઈંગ્લેન્ડે વિકેટ ગુમાવ્યા વિના 11મી ઓવરમાં 100નો સ્કોર પાર કરી લીધો હતો. કેપ્ટન જોસ બટલરે પણ અર્ધસદી મારી હતી. બંને ઓપનરોની ફિફ્ટીની મદદથી ઈંગ્લેન્ડે માત્ર 16મી ઓવરમાં 169 રનનો ટાર્ગેટ ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. એલેક્સ હેલ્સે અણનમ 86 અને કેપ્ટન જોસ બટલરે અણનમ 80 રન બનાવ્યા હતા. ભારતની 10 વિકેટથી શરમજનક હાર થઈ હતી. આ સાથે જ T-20 વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવાનું વિશ્વભરના કરોડો ચાહકોનું સપનું ચકનાચુર થઈ ગયું હતું. હવે 13મી નવેમ્બરે મેલબોર્નમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

આ અગાઉ ઈંગ્લેન્ડ ટોસ જીત્યું હતું અને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત નબળી રહી હતી. કે.એલ. રાહુલે મેચની પહેલી ઓવરની પહેલી જ બોલમાં બેન સ્ટોક્સને ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ ત્યાર બાદ લાંબુ ટકી શક્યો નહોતો. મેચની બીજી જ ઓવરમાં રાહુલ આઉટ થયો હતો. વોક્સની બોલિંગમાં રાહુલ વિકેટ કિપર જોસ બટલરને કેચ આપી બેઠો હતો. રાહુલે 5 રન બનાવ્યા હતા. ત્યાર બાદ રોહિત અને વિરાટ કોહલીએ ધૈર્યપૂર્ણ રમત દાખવી હતી.

મેચની 8મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિતે 27 રન બનાવ્યા હતા. 8 ઓવરના અંતે ભારતનો સ્કોર 57/2 થયો હતો. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ બેટિંગ પર આવ્યો હતો. સૂર્યાએ તોફાની બેટિંગની ઝલક દર્શાવી હતી. જોકે તે લાંબુ ટકી શક્યો નહોતો. 12મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ પણ આઉટ થઈ ગયો હતો. સૂર્યા આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 12 ઓવરના અંતે 77/3 થયો હતો.

ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ કમાન સંભાળી હતી. કોહલીએ એક છેડો સાચવી પોતાની અર્ધસદી પૂરી કરી હતી. ત્યાર બાદ 18મી ઓવરમાં કોહલી કેચ આઉટ થયો હતો. 18 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી ભારતે 136 રન બનાવ્યા હતા. 19મી ઓવરમાં પંતના એક ચોગ્ગા બાદ હાર્દિક પંડ્યાએ ચોગ્ગા-છગ્ગાવાળી કરી તોફાન મચાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ 29 બોલમાં તોફાની અર્ધસદી ફટકારી હતી. જોકે, છેલ્લી ઓવરની છેલ્લી બોલે તે હિટ વિકેટ થયો હતો.

Most Popular

To Top