વડોદરા: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડના મંત્રી પિયુષ ગોયલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. ભાજપ દ્વારા આયોજિત વ્યાવસાયિકો સાથે સંવાદના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દેશની ઈકોનોમિક્સ અને સરકારની વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી દ્વારા દેશની અર્થ વ્યવસ્થાને આગળ વધારવા માટે કરેલ કાર્યો મંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરાના રેસકોર્ષ વિસ્તારમાં આવેલ વાસ્વિક હોલ ખાતે અગ્રેસર ગુજરાત સંવાદ કાર્યક્રમને સંબોધવા કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ શહેરના મહેમાન બન્યા હતા.
આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને હું વડોદરા ખાતેથી મારા ચૂંટણી દરમિયાનના પ્રવાસની શરૂઆત કરું છું.વડોદરા સંસ્કારી, સાંસ્કૃતિક અને શિક્ષણની નગરી છે અહીંથી મને ચૂંટણી પ્રવાસ કરવાની તક મળે તે મારા માટે ગૌરવની બાબત છે.વડોદરા સાથે મારો નાતો ખૂબ જ જુનો પુરાણો છે.દેશના વડાપ્રધાને થોડા સમય પહેલા વડોદરા ખાતે ડિફેન્સના એરક્રાફ્ટ બનાવવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેનાથી રોજગારીની ભરપૂર તકો મળશે અને આર્થિક રીતે વધારે મજબૂત બનશે. આ ઉપરાંત રેલવે યુનિવર્સિટીની પણ ભેટ આપી છે. જેના દ્વારા યુવાનોને વિવિધ પ્રકારના ઉચ્ચ અભ્યાસના સ્ત્રોત મળવાના છે અને તેના થકી પણ રોજગારીની વિપુલ તકો ઊભી થશે. પીએમ વડોદરાનું વિશેષ રીતે ધ્યાન રાખી અને વિકાસની નવી તકો ઊભી કરે છે. ભાજપ દરેક વર્ગ અને સમાજના લોકોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે જનજનનો વિકાસ થાય તેવો મંત્ર રહ્યો છે.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપને મોટા પ્રમાણમાં સીટો આપી વિજય બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલો, ડોક્ટરો અને સમાજના બુદ્ધિજીવી વર્ગને સંબોધન કર્યું હતું અને મોદી સરકાર વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે વિકાસ કરી રહી છે અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તેની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ,રાજ્ય મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ,મેયર કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જીતુભાઈ સુખડિયા, સીમાબેન મોહિલે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.