SURAT

32 વર્ષ બાદ સુરતની ઓલપાડ બેઠક પર ભાજપ માટે પડકાર : અહી ત્રિપાંખિયો જંગ જામશે

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જાહેર થઇ ચુકી છે. ત્યારે સુરતમાં છેલ્લા 32 વર્ષથી ભાજપનો (BJP) ગઢ બનેલી ઓલપાડ વિધાનસભા (Olpas Assembly) 155ની વાત કરીશુ, આ બેઠકનો ઇતિહાસ એવો છે કે અહીથી રાજયના બીજા મુખ્યમંત્રી હીતેન્દ્ર દેસાઇ ઓલાપડથી જીત્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી બલંતરાય મહેતાનું નિધન થતા તેમની જગ્યાએ 1962માં હીતેન્દ્ર દેસાઇને સીએમ બનાવાયા હતા અને તેમના નેતૃત્વમાં 1967માં ફરી કોંગ્રેસે બહુમતી મેળવતા સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા. આ બેઠક પરથી ચુંટાયેલા મહેન્દ્ર પટેલ અમરશી ચૌધરીની સરકારમાં ભગુ પટેલ (વિમલ) શંકરસિંહની સરકારમાં અને છેલ્લે ભાજપના મુકેશ પટેલ ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે.

આ બેઠક પર એકવાર નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન(સંસ્થા કોંગ્રેસ)માથી પટેલ પ્રભુભાઇ ડાયાભાઇ 1975માં ચુંટાયા હતા. જયારે વર્ષ 1990થી ભાજપનો કબજો છે. આ બેઠક પર છેલ્લી સ્થિતી મુજબ કુલ કુલ મતદારો : 4,54,838 મતદારો છે જે ગત વખત 3.53 લાખ હતા 2017ની સરખામણીએ જે મતદારો વધ્યા તેમાં સુરત મનપામાં સમાવિષ્ટ સૌરાષ્ટ્રવાસી વિસ્તારના મતદારો વધુ છે. એટલે કે પાટીદાર ફેકટર મજબુત બન્યું છે તેમાં આ બેઠક પરના જંગમાં ‘આપ’ માંથી ધાર્મિક માલવીયાની એન્ટ્રી ભાજપ માટે ચિંતા વધારી શકે છે. કેમકે આ વખતે ભાજપ સામે મુખ્ય હરીફ કોંગ્રેસમાંથી ગ્રામ્ય, સહકાર અને જાતિગત સમીકરણો પર પ્રભાવ પાડી શકે તેના ઉમેદવારનો પડકાર છે તેથી જો આપ ભાજપના મત કાપે તો કોંગ્રેસની સ્થિતી સુધરી જાય તેવા સંકેતો છે.

કયારે કોણ જીત્યું

  • 2017 પટેલ મુકેશભાઈ બીજેપી
  • 2012 પટેલ મુકેશભાઈ બીજેપી
  • 2007 પટેલ કિરીટભાઈ બીજેપી
  • 2002 ધનસુખભાઈ પટેલ બીજેપી
  • 1998 ધનસુખભાઈ પટેલ બીજેપી
  • 1995 પટેલ ભાગુભાઈ બીજેપી
  • 1990 પટેલ ભાગુભાઈ બીજેપી
  • 1985 પટેલ મહેન્દ્રભાઈ આઈએનસી
  • 1980 પટેલ બાલુભાઈ આઈએનસી
  • 1975 પટેલ પ્રભુભાઈ એનસીઓ
  • 1972 પટેલ બાલુભાઈ આઈએનસી
  • 1967 એચ કે દેસાઈ આઈએનસી
  • 1962 હિતેન્દ્ર દેસાઈ આઈએનસી

પ્રભાવક જાતિઓ

  • કોળી પટેલ : 70 હજાર
  • પાટીદાર : 1.75 લાખ (લેઉવા-કડવા-લાલચુડા-કાળા ચુડા- કણબી અને 42 ગામ પાટીદારો સહીત તમામ મળીને)
  • હળપતિ : 35 હજાર
  • દલીત : 35 હજાર
  • મુસ્લિમ : 50 હજાર
  • સવર્ણ : 22 હજાર
  • ક્ષત્રીય : 25 હજાર
  • આદીવાસી : 12 હજાર

ભાજપ અહીં છેલ્લે 61828 મતોથી જીત્યું હતું
વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનનો પવન હોવા છતા મુકેશ પટેલને કુલ 1,47,828 મતો મળેલા જયારે કોંગ્રેસના ઉમેદવાર યોગેશ બાકરોલાને 86016 મત મળ્યા હતા એટલે કે ભાજપના ઉમેદવારને 61812ની લીડ મળી હતી જો કે તે વખતે કોળી પટેલના મતદારો વધુ હતુ પરંતુ આ વખતે જે મતદારો વધ્યા છે તે પાટીદાર છે અને આમ આદમી પાર્ટીએ પાસના મોટા નેતાને ટીકીટ આપી છે. અને કોગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં પકડ ધરાવતા ઉમેદવારને ટીકીટ આપી છે. તેથી આ બેઠક પર ભાજપના મતો આપ તોડે તેવી પુરતી શકયતા છે તેથી ભાજપે બેકઅપ પ્લાન તરીકે બીટીપીના ઉમેદવાર પર મદાર રાખ્યો છે. કેમકે અહી ટ્રાયબલ મતો પણ છે.

સહકાર ક્ષેત્ર અને સૌરાષ્ટ્રવાસી મતદારો વિજય નકકી કરશે
એક સમયે એવી સ્થિતી હતી કે આ બેઠક પર સહકાર ક્ષેત્ર જે તરફ જાય તે જીતી જાય તેવી ગણતરી રહેતી હતી ચાર સુગર ફેકટરી પંડવાઇ, સાયણ, કામરેજ અને કાંઠા વિભાગ સુગર મંડળીના સભાસદો હાર અને જીતનું પાસુ નકકી કરે છે. જો કે હવે સૌરાષ્ટ્વાસી ફેકરટર પણ મહત્વનુ છે. આ બન્ને મતદાર વર્ગ મોટો છે. કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક સાયણ સુગરનો ડીરેકટર છે. ભાજપના સીટીંગ ધારાસભ્ય મુકેશ પટેલ કાંઠા સુગરના ડીરેકટર છે. તો ધાર્મિક માલવીયા સાથે સૌરાષ્ટ્રવાસી ફેકટરને રાજકીય વિશ્લેશકો મહત્વનું માની રહયા હોય, કસોકસનો જંગ થવાની પુરતી શકયતા છે.

ઓલપાડ વિધાનસભા બેઠક
ઓલપાડ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું મુખ્ય મથક છે. ઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી ઓલપાડ બેઠક 155 નંબરની બેઠક છે. હાલમાં કુલ મતદારો : 4,54,838 છે જેમાંથી પુરૂષ મતદારો 241089 અને સ્ત્રી મતદારો 110961 જેટલા છે. આ બેઠકમાં ઓલપાડ તાલુકાના કુલ 102 ગામો ઉપરાતં ચોર્યાસી તાલુકાના ગામો – વાંસવા, દામકા, માલગામા, ભેસાણ, ઓખા, ચીચી, વનાળા, વિહેલ, ઉપરાંત સુરત મનપામાં સમાવિષ્ટ વરિયાવ, ભરથાણા કોસાડ, કોસાડ, આસરમા, મોટા વરાછા, અમરોલી, છાપરા ભાછા, ઉતરાણ સહીતનો વિસ્તાર સમાવેશ થાય છે.

આ બેઠક પરના આ મુદ્દાઓનો સામનો ભાજપે કરવો પડશે
ઓલપાડમાં મોટા પ્રમાણમાં કુદરતી ગેસ ઉપલબ્ધ હોવા છતાં અહીં ઉદ્યોગો આવી શક્યા નથી. આ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનોને રોજગારીની શોધમાં બહાર જવું પડે છે. કેટલાક લોકોનુ માનવું છે કે વિસ્તારનો જે જેટલો વિકાસ થવો જોઈએ તે કરવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર વર્ગ વિશેષની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે યોગ્ય નથી. આ સાથે જ જો પ્રાથમિક સમસ્યાઓની વાત કરવામાં આવે તો અહીં રોડ રસ્તાની સમસ્યા સાથે જ ટ્રાફિકની સમસ્યા મુખ્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે.

આ સાથે જ અહીંના કેટલાક ગામોમાં સફાઈનો અભાવ જોવા મળે છે. ઠેર ઠેર કચરો ઠાલવવામાં આવતા વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળે છે સાથે જ રખડતા પશુંઓનો ત્રાસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગટરના પાણી ઉભરવાની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયી છે. ખાસ કરીને સરદાર નગર વિસ્તારના લોકો બારેમાસ આ પ્રકારની સમસ્યાથી ખૂબ પરેશાન થઈ ગયા છે. લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક આગેવાનો વારંવાર રજૂઆત છતા પ્રશ્નોનો નિકાલ કરતા નથી અને સ્થાનિકોની સમસ્યા દૂર કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે. જીંગા તળાવોને કારણે ઉભી થતી સમસ્યાઓ પણ મુખ્ય છે. ખાનગી કંપનીઓને કારણે પોલ્યુશનનો પ્રશ્ન પણ છે. તો ખેડુતો માટે વીજળી અને પાણીની સમસ્યા જમીનની કપાત અને એનઓસીના પ્રશ્નો પણ છે.

દર્શન નાયક (કોંગ્રેસ)
કોંગ્રેસના દર્શન નાયક વ્યવસાયે એડવોકેટ છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં સારી પકકડ છે. કોંગ્રેસના જીલ્લા પ્રમુખ રહી ચુકયા છે. ભાજપના જીલ્લા પ્રમુખને જીલ્લા પંચાયતમાં બે વખત હરાવી ચુકયા છે. તેમજ સહકારી અગ્રણી તરીકે પણ મોટુ નામ છે. તે હાલ સાયણ સુગરના ચુંટાયેલા ડીરેકટર છે. શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. છેલ્લે જીલ્લા પંચાયતની ચૂંટણીમાં માંગરોળ બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા.

મુકેશ પટેલ (ભાજપના સીટીંગ ધારાસભ્ય)
ભાજપના છેલ્લી બે ટર્મના ધારાસભ્ય મુકેશ પટેલ 12 પાસ છે અને સીવીલ ડ્રાફટમેનનો કોર્ષ કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની નજીક હોવાથી રીપીટ થવાની શકયતા જોવાઇ રહી છે. હાલ રાજય કક્ષાના ઉર્જા અને પેટ્રો કેમીકલ મંત્રી છે. તેમજ પેટ્રોલપંપનું ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવતી કંપની પણ ચલાવે છે. તેમજ રીયલ એસ્ટેટ સાથે પણ જોડાયેલા છે, કાઠા સુગર મંડળી તેમજ સુરત ડીસ્ટ્રીક બેંકના પણ ડીરેકટર છે.

ધાર્મિક માલવીયા (આપ)
પાટીદાર આંદોલનથી ઉભરેલા નેતા તરીકે ધાર્મિક માલવીયા પાટીદાર સમાજમાં પકકડ ધરાવે છે. યુવા નેતા તરીકે જાણીતા બનેલા ધામિકે એગ્રીકલ્ચરમાં ડીપ્લોમાં કર્યુ છે. તેમજ હાલ બેચરલ ઓફ સોસીયલ વર્કરનો કોર્ષ ચાલુ છે. સુરત ખેડુત સમાજ, પાટીદારોની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામના સુરત એકમના પ્રમુખ છે, નરેશ પટેલની એકદમ નજીક મનાય છે. પાસ આંદોલન વખતે જેલવાલ ભોગવ્યો હતો. સુરત મનપાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે તેને ટીકીટ આપી હતી પરંતુ છેલ્લી ઘડીએ ફોર્મ નહી ભરીને ટેકો પાછો ખેંચી લઇને કોંગ્રેસને મોટી પછડાટ આપી હતી તેથી સુરતમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો.

Most Popular

To Top