Comments

રાજનીતિના વાતાવરણમાં શિક્ષણ અગત્યનો મુદ્દો બને?

ગયા સપ્તાહે આ કોલમમાં જે ચિંતા વ્યકત કરવામાં આવી હતી તે લગભગ સાચી પડી છે. ગુજરાતમાં ઘણી યુનિવર્સિટીઓએ વેકેશન ખૂલતાં જ શરૂ થનારી પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખી છે. એટલે ઉચ્ચ શિક્ષણમાં કોલેજ, યુનિવર્સિટી શરૂ થવા છતાં શિક્ષણ શરૂ થશે કે કેમ તે પ્રશ્ન છે! વળી આ મહિનામાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાનારાં તમામ કર્મચારીઓની મિટિંગ થવા માંડશે, જેમા મોટો હિસ્સો શિક્ષકોનો હશે માટે શાળાકીય શિક્ષણમાં પણ અસર થશે જ! આંકડાઓ જ બતાવે છે કે લગભગ 58000 બૂથ માટે ચૂંટણી કર્મચારી જોઇએ. એક બૂથમાં જ સાત અને સહાયક બીજા ત્રણ ઉમેરો તો લગભગ 5 લાખ કર્મચારીઓ જોઇએ. ચૂંટણી પંચ પોતે કાયમી વ્યવસ્થા છે પણ તેની પાસે કાયમી કર્મચારીઓ નથી. વળી તે ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોંપતાં નથી માટે ગુજરાતનાં પાંચ લાખ સરકારી કર્મચારીઓ ચૂંટણીમાં જોતરાશે ત્યારે શિક્ષણ સહિતની સરકારી સેવાઓ પ્રભાવિત થશે!

ગુજરાત ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત શિક્ષણ અને શિક્ષણની વ્યવસ્થા ચૂંટણી મુદ્દો બન્યો છે. ત્રીજા પક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવનાર આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતે સર્જેલા શિક્ષણના મોડલ પર જ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો છે. આપણે પણ શિક્ષણની કોલમમાં ‘રાજનીતિમાં શિક્ષણ’ મુદ્દો ચર્ચવા બેઠા છીએ! ગુજરાતની રાજનીતિમાં વર્ષ 2012 માં પાટીદારોની પાર્ટી ચર્ચામાં આવી 2017 માં પાટીદાર આંદોલન અને સામે અલ્પેશ ઠાકોરના અન્ય પછાત વર્ગના હકકોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યા. આ વખતે જાતિગત આંદોલન મુદ્દો નથી. ધર્મના મુદ્દા હજુ આગળ આવ્યા નથી. હા, પ્રથમ વખત સત્તાધારી પાર્ટી ભાજપને આમ આદમી પાર્ટીના ‘શિક્ષણના મોડલ’ સામે પોતાના શિક્ષણના મોડલની વાત કરવી પડી રહી છે.

વડાપ્રધાનશ્રીને સ્માર્ટ શાળાઓ ખુલ્લી મૂકવી પડે છે. ઘણા સમયથી અટકેલ શિક્ષક સહાયક ભરતી શરૂ કરવાની જાહેરાત કરવી પડી છે. ટાટ, ટેટની પરીક્ષાઓનું આયોજન વિચારવું પડી રહ્યું છે અને ગુજરાતમાં સુવિધાપૂર્ણ હોય એવી સરકારી પ્રાથમિક શાળાઓ શોધી અથવા તાત્કાલિક ધોરણે બનાવી તેના વિડીયો વહેતા કરવા પડયા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના પ્રવચનમાં શિક્ષણ સુવિધાઓનું વચન આપે છે. એટલે આવનારા મહિનામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ચૂંટણી પ્રવચનમાં શિક્ષણનો મુદ્દો ઉઠાવવો જ પડશે!

પાર્ટીઓ ભલે પોતાના લાભ માટે શિક્ષણની ચિંતા કરે. પણ ગુજરાતીઓએ લાંબા ગાળાના હિત માટે શિક્ષણની ચિંતા કરવાની જરૂર છે. ચૂંટણીના મતદાન માટે પણ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ સંસ્થાની સુવિધા વિચારવા જેવી છે! ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા ભૌતિક અને અભૌતિક બન્ને રીતે નબળી થતી જાય છે. આમ તો આપણાં કથાકારો, વકતાઓ, લેખકો કે ચૂંટણીના રાજકીય વિશ્લેષકો ગુજરાતની પ્રજાને કોઠાસૂઝવાળી, ઠરેલ અને સમજદાર બતાવે છે. સાથે સાથે વેપારી હોવાથી ગણતરીપૂર્વક નિર્ણય કરનારી બતાવે છે. પણ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રની હાલત જોતાં આ બધી જ વાહવાહીથી આપણે ભ્રમિત ના થઇએ એમ કહેવાનું મન થાય છે.

‘ગુજરાતમાં અમે શિક્ષણની સ્થિતિ સુધારીશું’ એવું કહેવા માત્રથી સ્થિતિ સુધરતી નથી. સ્થિતિ સુધારવા માટે પહેલાં સ્થિતિથી માહિતગાર હોવું જરૂરી છે! પ્રજાએ પોતાના ચૂંટાયેલા કે ચૂંટાવા માંગતા નેતાઓને આ પૂછવા કે કહેવા જેવું છે!
પ્રથમ તો આપણે કહેવું પડશે કે શિક્ષણમાં ખાનગીકરણ ભલે કર્યું પણ ખાનગી શાળા – કોલેજો – યુનિવર્સિટીઓ પર કોઇનો કાબૂ જ ન હોય, નિયમો માત્ર કાગળ પર જ હોય તે ન ચાલવું જોઇએ. આ ગુણવત્તાનું પરીક્ષણ કડક રીતે તટસ્થ એજન્સી દ્વારા થવું જોઇએ. સત્તાવાળાના લાગતા વળગતાએ શિક્ષણ સંસ્થાઓ ખોલી દીધી છે. માટે આવાં કડક પરીક્ષણો કેવી રીતે થશે તે પ્રશ્ન છે! મોરબીની હોનારતમાં જે થયું છે તેવું શિક્ષણમાં કાયમનું છે!

બીજો મુદ્દો છે સરકારી કે ગ્રાન્ટેડ શાળા કોલેજોનો! એક તો આ શાળા કોલેજોમાં વહીવટીય કર્મચારીઓ જ નથી અને શૈક્ષણિક કર્મચારીઓ અપૂરતા છે! આ સંસ્થાઓમાં નવાં કોમ્પ્યુટર કે વાય-ફાય સુવિધાઓ નહીં હોય તો ચાલશે. પહેલાં અહીં જરૂરી કર્મચારીઓની ભરતી કરો. વળી શિક્ષણ એટલે માત્ર આર્ટસ – કોમર્સ – સાયન્સનું કાયમી અને પરંપરાગત શિક્ષણ નહીં. મેડિકલ, એન્જિનિયરીંગ, શિક્ષક-તાલીમ, ટેકનોલોજી જેવી તમામ શાખાઓમાં સરકારી કે વાજબી ભાવે શિક્ષણ આપતી ગ્રાન્ટેડ સંસ્થાઓ જરૂરી છે!

રાજનેતાઓ ચર્ચામાં ગુજરાતમાં આવેલી શાળા કોલેજ, યુનિવર્સિટીના આંકડાઓ આપે છે. વર્ષ 2001 થી તુલનાએ તેમાં કેટલો વધારો થયો તે બતાવે છે પણ વર્ષ 2001 તુલનાએ કે વર્ષ 2011 ની તુલનાએ 2022 માં સરકારી શિક્ષણ સંસ્થાઓ કેટલી વધી તે દર્શાવતા નથી. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે કેટલાં શિક્ષકો, અધ્યાપકો, વહીવટીય કર્મચારીઓની નિમણૂક કરી તે આંકડો આપે તો ખબર પડે કે સરકારે શિક્ષણ ક્ષેત્રે શું કર્યું!

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વૈવિધ્યનો અભાવ છે. માતા-પિતા પણ બાળક માટે પરંપરાગત વ્યવસાયોનો વિચાર કરે છે. આજે પણ ‘ડોકટર’ જ પ્રથમ પસંદગી છે. એન્જિનિયરીંગનો ભાંડો ફૂટી ગયો છે. કોમર્સ પ્રવાહના વિકાસલક્ષી કોર્સમાં રસ ઓછો છે. વહીવટીય અધિકારીનું આકર્ષણ નથી. ગુજરાતમાં જીનેટીકસ, એટોમીક સાયન્સ, કોમ્પ્યુટર એન્જિનિયરીંગ કે મીડિયા માટેના કોર્સનું આકર્ષણ અને દેશમાં નામના પ્રાપ્ત શિક્ષણ સંસ્થાઓ નથી. રાજસ્થાનમાં વ્યાપેલું કોચિંગ કલાસનું કલ્ચર હવે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. આ ખર્ચાળ શિક્ષણ માત્ર ‘ધંધો’ છે એ ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગે સમજવાની જરૂર છે.
ગુજરાતી માધ્યમની ઉત્તમ શાળા – કોલેજો તરફ મીંટ માંડવાની જરૂર છે. પણ શરૂઆતમાં કરેલી વાત છેલ્લે ફરી પાછી કે આ ચૂંટણીના મહિનામાં ‘શિક્ષણ સુવિધાઓ’ ચૂંટણીનો મુદ્દો બને તે જરૂરી છે.

નેતાઓ સાથે, સોસાયટીમાં મિત્રો સાથે કે વ્યવસાયમાં સાથીઓ સાથે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને તે સુધારવા શું થઇ શકે તેની ચર્ચા કરવી જરૂરી છે. જો સત્તામાં ભાજપ જ આવે તો તે શિક્ષણની સ્થિતિ બદલે તેનું દબાણ ઊભું કરવું પડશે અને જો સત્તાપરિવર્તન થાય તો નવી સરકાર શિક્ષણને જ પ્રાથમિકતા આપે તે નિશ્ચિત કરવું પડશે! પણ પહેલાં આપણે, લોકોએ જ શિક્ષણને અગત્યનું માનવું પડશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top