કલ્પવૃક્ષ કે કલ્પતરુ તરીકે ઓળખાતા વૃક્ષનું વર્ણન પુરાણોમાં એક ઈચ્છાપૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ તરીકે કરવામાં આવેલ છે. કલ્પવૃક્ષ સમુદ્રમંથન સમયે 14 રત્નોમાંનું એક છે, એવું માનવામાં આવે છે કે જ્યારે આ વૃક્ષ સમુદ્રમંથનમાંથી બહાર આવ્યું ત્યારે દેવરાજ ઇન્દ્રે સ્વર્ગના ઉપવનમાં આ વૃક્ષની સ્થાપના કરી. પદ્મપુરાણ મુજબ પારિજાત એ જ કલ્પતરુ છે, આ વૃક્ષ પુષ્કળ સકારાત્મક ઊર્જાથી ભરેલું હોય છે.
એક ઘનઘોર જંગલમાં કલ્પવૃક્ષનું વૃક્ષ હતું, જેની નીચે બેસીને જે કોઇ ઇચ્છા કરવામાં આવે તે તુરંત પૂરી થઇ જતી. ઘનધોર જંગલમાં જવાની કોઇ હિંમત કરી શકતું ન હતું તેથી આ કલ્પવૃક્ષ વિશે ઘણા ઓછા લોકોને ખબર હતી. એક વાર સંયોગવશાત એક વ્યાપારી આ જંગલમાંથી પસાર થતો હતો ત્યારે બહુ જ થાકી ગયો હતો તે આ કલ્પવૃક્ષ નીચે આરામ કરવા માટે બેસે છે, તેને ખબર પણ ના પડી કે ક્યારે તેને ઊંઘ આવી ગઇ. જાગતાંની સાથે જ તેને ભૂખ લાગે છે, આસપાસ જોઇને વિચાર કરે છે કે કાશ..કંઇક ખાવાનું મળી જાય તો..! તત્કાલ સ્વાદિષ્ટ પકવાનોથી ભરેલી થાળી હવામાં તરતી તરતી તેની સામે આવી ગઇ.
વ્યાપારીએ પેટ ભરીને ખાધું અને ભૂખ શાંત થતાં વિચારવા લાગ્યો કે જો કંઇક ઠંડું પીણું મળી ગયું હોત તો. તત્કાલ તેની સામે હવામાં તરતાં અનેક શરબત આવી ગયા, શરબત પીધા પછી તે આરામથી બેસીને વિચારવા લાગ્યો કે હું સ્વપ્ન તો નથી જોઇ રહ્યો? આ રીતે આકસ્મિક આકાશમાંથી ખોરાક અને ઠંડાં પીણાં પ્રગટ થતાં તો મેં ક્યારેય સાંભળ્યું કે જોયું નથી. ચોક્કસ આ વૃક્ષ ઉપર કોઇ ભૂત રહેતું હશે જે મને ખવડાવી-પીવડાવીને પછી મને જ ખાઇ જશે. આવું વિચારતાં જ તત્કાળ તેની સામે એક ભૂત આવે છે અને તેને ખાઇ જાય છે.
આ પ્રસંગ એ પ્રેરણા આપે છે કે આપણું મનમસ્તિષ્ક જ ઇચ્છાપૂર્તિરૂપી કલ્પવૃક્ષ છે. જે ચીજવસ્તુઓની પ્રબળ કામનાઓ કરીએ છીએ તે આપણને અવશ્ય મળે છે. મોટાભાગના લોકોને જીવનમાં ખરાબ ચીજો એટલા માટે મળે છે કારણ કે તેઓ ખરાબ ચીજવસ્તુઓની કામના કરતા હોય છે. માનવી મોટાભાગે એવું વિચારે છે કે વરસાદમાં પલળી જવાથી હું બીમાર તો ના થઇ જાઉં? અને તે બીમાર પડી જાય છે. માનવ વિચારે છે કે મારું કિસ્મત જ ખરાબ છે અને ખરેખર તેનું કિસ્મત ખરાબ બની જાય છે.
આમ આપણું અચેતન મન જ કલ્પવૃક્ષની જેમ આપણી ઇચ્છાઓને ઇમાનદારીથી પૂર્ણ કરે છે એટલે આપણે મનના વિચારોને સાવધાનીથી પ્રવેશ આપવાનો છે. મનમાં આવતા વિચારો જાદુગર જેવા હોય છે તેને બદલીને આપણે આપણું જીવન બદલી શકીએ છીએ એટલે હંમેશાં સકારાત્મક વિચારો કરવા જોઇએ. આપણે અંતર્મનથી જેવું વિચારીએ છીએ તેવી બહારની દુનિયા દેખાય છે. આપણા વિચારો જ દરેક ચીજવસ્તુઓને સુંદર કે ખરાબ બનાવે છે. સમગ્ર સંસાર આપણી અંદર સમાયેલો હોય છે. તમામ ચીજવસ્તુઓને પારખવાની જરૂર છે. મન વિચારોનું નામ છે. જો આપણા વિચારો શુધ્ધ અને ૫વિત્ર છે અને તેના ઉ૫ર દ્રઢ વિશ્વાસ છે તો ૫છી તે હાલી શકતા નથી.
માણસ નવરો હોય ત્યારે ચિંતા કર્યા કરે છે માટે મનને સતત સેવા સુમિરણ સત્સંગમાં વ્યસ્ત રાખો. બીજું કુવિચારથી ચિંતા ઊભી થાય છે. ખરાબમાં ખરાબ સ્વીકારવાની તૈયારી રાખો, જેથી માનસિક શાંતિ મળશે. ચિંતાનું બીજું કારણ છેઃ મુંઝવણ. Confusion is the Chief Cause of Worry. ક્ષુદ્ર-દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે ૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી.
મનના ભાવો, વિચારો, ચિંતન અને મનનની પ્રતિક્રિયા આપણા મન અને જીવન પર થતી હોય છે. માણસ પોતાના સંકલ્પો અને ભાવોની જ પ્રતિમૂર્તિ હોય છે. આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બની જઇએ છીએ. મન બદલાય તો સ્વભાવ બદલાય છે, વિચાર બદલાય છે અને વિચારો બદલાતાં જ જીવન જીવવાની રીત આપોઆ૫ બદલાઇ જાય છે.
– વિનોદભાઇ માછી