નવી દિલ્હી: એક 7 વર્ષનો છોકરો જૂતામાં પગ મૂકતાની સાથે જ દર્દથી કંટાળી ગયો. ઉતાવળમાં પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો. પરંતુ તેની તબિયતમાં સુધારો થયો ન હતો. હોસ્પિટલમાં જ બાળકને એક પછી એક 7 હાર્ટ એટેક (Heart Attack) આવ્યા અને અંતે તેનું હોસ્પિટલના બેડ પર જ મૃત્યુ થયું હતું. બાળકના અકાળ મૃત્યુના પગલે પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો હતો. આખોય પરિવાર શોકમાં સરી પડ્યો હતો.
- બ્રાઝિલના સાઓ પાઉલો શહેરની ઘટના
- જુતામાં પગ નાંખ્યો ત્યારે બાળકને વિંછી કરડ્યો
- બ્રાઝિલના સૌથી ઝેરી પીળા સ્કોર્પિયનના ડંખના લીધે બાળકે જીવ ગુમાવ્યો
એવું કહેવામાં આવ્યું હતું કે બાળકનું મૃત્યુ વિશ્વના સૌથી ઝેરી વીંછીના ડંખને કારણે થયું હતું, જે તેના જૂતામાં છુપાયેલો હતો. એક રિપોર્ટ અનુસાર, ઘટના બ્રાઝિલના (Brazil) સાઓ પાઉલો (Soul Paulo ) શહેરની છે. જ્યાં 23 ઓક્ટોબરે 7 વર્ષીય લુઈઝ મિગુએલ તેના પરિવાર સાથે બહાર જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. પરંતુ તેણે તેના જૂતામાં પગ મૂકતાની સાથે જ તેને કોઈ પ્રાણીએ ડંખ માર્યો હતો. લુઇઝને તીવ્ર દુ:ખાવો થયો અને તે કણસવા લાગ્યો.
આ જોઈને લુઈઝની 44 વર્ષની માતા એન્જેલિટા ગભરાઈ ગઈ. લુઈઝનો પગ લાલ થવા લાગ્યો હતો. એન્જેલિટાએ આજુબાજુ જોયું પણ કોઈ જીવ ન દેખાયો. પણ તેણીએ શૂઝ તપાસ્યા તો આખી વાત સમજાઈ ગઈ. જૂતામાંથી એક વીંછી નીકળ્યો જે બ્રાઝિલનો પીળો સ્કોર્પિયન હતો, જે વિશ્વના સૌથી ઝેરી વીંછીઓમાંનો એક હતો. આ વીંછીને ટિટિયસ સેરુલેટસ પણ કહેવામાં આવે છે. તે સૌથી ઝેરી વીંછી માનવામાં આવે છે. તેનો ડંખ કોઈને પણ મારી શકે છે.
લુઈઝને તડપતો જોઈને પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેની સારવાર શરૂ થઈ. થોડા સમય માટે તેની તબિયતમાં સુધારો જણાતો હતો, પરંતુ બાદમાં લુઈઝને 7 હાર્ટ એટેક આવ્યા અને 25 ઓક્ટોબરે તેમનું અવસાન થયું. આ ઘટનાને પગલે લુઈઝના પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો હતો. નજર સામે થોડા જ કલાકોમાં લાડકવાયા દીકરાનું મોત થતાં માતાના આંસુ રોકાતા નહોતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.