SURAT

ઓમકારેશ્વરમાં બોટ પલટી જતા સુરતના 15 લોકો ડૂબ્યા, બેના મોત

સુરત (Surat): ગુજરાતના લોકો હજુ મોરબી બ્રિજ દુર્ઘટના ઘટનાનો આઘાત ભૂલી શક્યા નથી ત્યાં મધ્યપ્રદેશના તીર્થ ધામ ઓમકારેશ્વર મંદિર પાસે બનેલી ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી મુક્યા છે. અહીં ઓમકારેશ્વર મંદિરની નજીક નર્મદા નદીમાં બોટ પલટી જતા ઓમકારેશ્વર (Omkareshwar) દર્શન માટે ગયેલા સુરતના 15 લોકો ડૂબી (Boat Sank) ગયા હતા. આ ઘટનામાં સુરતના બે લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. મૃતક માતા-પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, દિવાળીની રજાઓમાં સુરતનાં 15 લોકો મધ્યપ્રદેશના ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા. તેઓ જ્યારે ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પળભરમનાં બોટ નદીમાં ડૂબી ગઇ હતી. જેના લીધે બોટમાં સવાર 15 લોકો નર્મદાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક તરવૈયા અને તંત્ર દ્વારા બોટ પલટી જતા ડૂબી ગયેલા 15 પૈકી સુરતનાં 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ માતા-પુત્રને બચાવી શકાયા નહોતા. દર્શનાબેન અને તેમનો 6 વર્ષના પુત્ર નક્ષનું મોત થયું હોવાની વિગતો મળી છે. આ દુર્ઘટનાને કારણે પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પરિવાર ઘણાં જ આઘાતમાં સરકી ગયા છે. હાલ સ્થાનિક પોલીસે પણ આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરી છે.

થોડા મહિના પહેલા પણ ઘટી હતી આવી દુર્ઘટના
મધ્યપ્રદેશમાં થોડા મહિના પહેલાં પણ આવી જ ઘટના બની હતી. મધ્યપ્રદેશના ભીંડમાં સિંધ નદીમાં એક બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 14 લોકો સવાર હતા તેઓ પણ નદીમાં ડૂબી રહ્યાં હતાં ત્યારે સ્થાનિક તરવૈયાઓએ 12 લોકોને બચાવી લીધા હતા. આ ઘટના નયાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. દુર્ઘટનાનું કારણ એક તૂટેલી અને જર્જરિત બોટ હોવાની વિગતો બહાર આવી હતી. આ તૂટેલી બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. જ્યારે બોટ નદીની વચ્ચે પહોંચી ત્યારે એમાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે બધા ડરી ગયા અને ઊભા થઈ ગયા. પછી બોટ પલટી ગઈ અને નદીમાં ડૂબી ગઈ હતી.

Most Popular

To Top