નવી દિલ્હી: ભાગેડુ વિજય માલ્યાને (Vijay Mallya) ભારત (India) લાવવાની પ્રક્રિયા લાંબી બની રહી છે. પ્રત્યાર્પણની પ્રક્રિયા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી આ મામલો કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છે. આ દરમિયાન વિજય માલ્યાને લઈને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પણ કેસ ચાલી રહ્યો છે. તેની ટ્રાયલ પણ ચાલી રહી છે, પરંતુ હવે માલ્યાના વકીલો તેના માટે કેસ લડવા માંગતા નથી. વકીલો તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વિજય માલ્યાનો કોઈ પત્તો નથી અને તે તેની સાથે વાત કરવા સક્ષમ નથી, તેથી તેનો કેસ લડી શકાય નહીં.
વાસ્તવમાં વિજય માલ્યાનો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે કેટલાક નાણાંકીય વિવાદો ચાલી રહ્યા છે. આ જ કેસમાં એડવોકેટ ઇસી અગ્રવાલ (Advocate EC Agrawal) તેમના વકીલ છે. પરંતુ તાજેતરની સુનાવણીમાં ઈસી અગ્રવાલે માલ્યાનો કેસ લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે જસ્ટિસ ચંદ્રચુડ અને હિમા કોહલીની બેન્ચને કહ્યું છે કે જ્યાં સુધી મને ખબર છે, વિજય માલ્યા હાલમાં બ્રિટનમાં છે. પરંતુ તેઓ મારી સાથે વાત કરતા નથી. મારી પાસે માત્ર તેમનું ઈમેલ એડ્રેસ છે. હવે જ્યારે અમે તેમને સંપર્ક કરી શકતા નથી, તેથી હવે અમને વિજય માલ્યા તરફથી કોર્ટમાં કેસ લડવાની જવાબદારીમાંથી છૂટકારો મળવો જોઈએ.
હવે કોર્ટે EC અગ્રવાલની આ અપીલ સ્વીકારી લીધી છે. કહેવામાં આવ્યું છે કે તેઓ કોર્ટ રજિસ્ટ્રીમાં જઈને માલ્યાનું ઈમેલ આઈડી લખે, તેમનું સરનામું પણ આપે. આ કેસમાં આગામી સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીમાં થવાની છે. જો કે, આ વર્ષની શરૂઆતમાં પણ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે ચાર મહિનાની જેલની સજા ફટકારી હતી. કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ તેમને આ સજા આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારને વિજય માલ્યા ભારતમાં તેની હાજરીનો અહેસાસ કરાવે તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ વિજય માલ્યા ભારતમાં નહીં પરંતુ બ્રિટનમાં છે. તેથી કોર્ટના આદેશોનું પણ પાલન થઈ શકતું નથી.
માલ્યા અંગે સુપ્રીમ કોર્ટ જે કેસમાં સુનાવણી કરી રહી છે તે વર્ષ 2017નો છે. સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ પહેલા 9 મે, 2017ના રોજ વિજય માલ્યા સામે કોર્ટના આદેશની અવમાનના માટે દોષિત ઠેરવતા અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. વાસ્તવમાં, વિજય માલ્યાએ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો બેંકો અને સંબંધિત અધિકારીઓને આપી ન હતી જેમની પાસેથી માલ્યાએ કરોડો અબજોની લોન લીધી હતી. હવે તે કેસમાં માલ્યા ક્યારેય હાજર નહીં થાય તેમ હોવાને કારણે તેના પર કોર્ટની અવમાનનાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ જ કારણસર વિજય માલ્યાને 4 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. દંડ ન ભરવા પર 2 મહિનાની વધારાની સજાની પણ વાત કરવામાં આવી હતી.