બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઘરફોડ ચોરી અને વાહન ચોરીના કુલ ચાર ગુના ઉકેલી કાઢ્યા હતા. પોલીસે (Police) ચોર ટોળકીઓ પૈકી બેને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસ ટેમ્પો, મોટર સાયકલ, મોબાઇલ ફોન અને અન્ય નાની મોટી 70થી વધુ ઇલેક્ટ્રીક ચીજવસ્તુઓ મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.કૈલાશ મારવાડી નામનો ઇસમ તેના સાગરીતો સાથે મળી અલગ અલગ ઇલેક્ટ્રિક સરસામાનની (Electric Goods) કોઈ જગ્યાએથી ચોરી કરી જે ચોરીનો મુદ્દામાલ એક ટેમ્પોમાં ભરી વલથાણ નહેરથી સુરત શહેર તરફ વેચાણ માટે જઇ રહ્યા છે. તેમજ તેમની આગળ તેમનો સાગરિત મોટરસાઇકલ ઉપર પાયલોટિંગ કરી રહ્યો છે તેવી બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની મોટર સયાકલ તથા છોટા હાથી ટેમ્પો આવતા તેને રોકી આરોપીઓની અટક કરી હતી.
ટેમ્પો અને મોટર સાયકલ પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની હદમાંથી ચોરી કરી હતી
ટેમ્પોમાં તપાસ કરતાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ભરેલી હોય તમામ આરોપીઓની સઘન ઊલટ પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા મદનલાલ લહેરીલાલ માલી અને સંતોષ આનંદ હૈયળએ જણાવ્યુ હતું કે આ ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ તેમણે માંગરોળ ખાતેથી અન્ય સાગરિતો સાથે મળી ચોરી કર્યો હતો તેમજ ટેમ્પો અને મોટર સાયકલ પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની હદમાંથી ચોરી કરી હતી.
પલસાણા પોલીસે કુલ 4 ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા
પોલીસે મદન અને સંતોષની અટક કરી અન્ય સાગરીતો કૈલાશ લહેરીલાલ માલી કૈલાશ મારવાડી અને શકીલ રહે તાતીથૈયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટેમ્પો કિંમત રૂ 1.25 લાખ, મોટર સાયકલ રૂ. 25 હજાર, બે મોબાઇલ ફોન કિંમત રૂ 10 હજાર તેમજ 70 થી વધુ ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ મળી કુલ 6 લાખ 9 હજાર 91 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે માંગરોળ પોલીસ મથકના બે અને પલસાણા પોલીસ મથકના બે મળી કુલ 4 ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા.