Sports

અત્યંત રોમાંચક મેચમાં છેલ્લી બોલે ભારતની જીત, સેમિફાઈનલની ટિકીટ પાક્કી

એડિલેડ: ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અત્યંત રોમાંચક મેચમાં છેલ્લી બોલે ભારત માત્ર 5 રનથી જીત્યું હતું. વરસાદ, તોફાની બેટિંગ, લાજવાબ રન આઉટ સહિત આ મેચમાં અનેક રોમાંચક પળોનો આનંદ માણવાનો લ્હાવો પ્રેક્ષકોને મળ્યો હતો. બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં 6 બોલમાં 20 રનનો ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લી ઓવર અર્શદીપે નાંખી હતી. છેલ્લે 1 બોલમાં 7 રન કરવાના હતા પરંતુ બાંગ્લાદેશ 1 જ રન બનાવી શક્યું હતું. ભારત અત્યંત રોમાંચક મેચ 5 રને જીત્યું હતું અને ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યું હતું અને આ સાથે જ સેમિફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું હતું. હવે ભારત સુપર 12માં તેની અંતિમ મેચ રવિવારે તા. 6 નવેમ્બરે ઝીમ્બાબ્વે સામે રમશે.

આ અગાઉ ભારતે આપેલા 185 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશના ઓપનિંગ બેટ્સમેન નઝમિલ હુસૈન શાન્તો અને લિટન દાસે ટીમને ધૂંઆધાર સ્ટાર્ટ અપાવ્યો હતો. બાંગ્લાદેશ 7મી ઓવર સુધીમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવ્યા હતા, જેમાં લિટલ દાસે 59 રનનું યોગદાન હતું. સાતમી ઓવરમાં વરસાદ વરસતા મેચ રોકવી પડી હતી. દરમિયાન વરસાદ અટકતા મેચ ફરી શરૂ થઈ હતી. ડક્વર્થ લૂઈસના નિયમ અનુસાર 16 ઓવરની મેચ રમાડવાનું નક્કી કરાયું હતું. બાંગ્લાદેશ સામે 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ આવ્યો હતો.

જોકે, મેચ ફરી શરૂ થઈ ત્યાર બાદ ચિત્ર બદલાઈ ગયું હતું. કે.એલ. રાહુલના 24 મીટર દૂરથી ફેંકાયેલા સીધા થ્રોએ તોફાની બેટિંગ કરનાર લિટન દાસને રન આઉટ કર્યો હતો. દાસ આઉટ થતા ભારતે હાશકારો અનુભવ્યો હતો. ત્યાર બાદ અન્ય ઓપનિંગ બેટ્સમેન શાન્તો પણ આઉટ થયો હતો. મોહમ્મદ શામીની બોલિંગ પર શાન્તો લોગ ઓન પર સૂર્યાને સરળ કેચ આપ્યો હતો. શાન્તોએ 21 રન બનાવ્યા હતા. 9.1 ઓવરમાં બાંગ્લાદેશનો સ્કોર 84 પર 2 થયો હતો. ત્યાર બાદ અર્શદીપે ત્રીજી સફળતા અપાવી હતી. 99 રન પર બાંગ્લાદેશની ત્રીજી વિકેટ પડી હતી. અફીક હૌસેન માત્ર 3 રન બનાવી લોન્ગ ઓન પર સૂર્યાકુમાર યાદવને કેચ આપી બેઠો હતો. 11.1 ઓવરમાં 99/3 સ્કોર થયો હતો. અર્શદીપની આ જ ઓવરમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકીબ અલ હસન પણ આઉટ થયો હતો. શાકિબ 13 રન બનાવી દિપક હુડ્ડાને કેચ આપી બેઠો હતો. આ સાથે જ 12 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 101 પર 4 થયો હતો. ત્યાર બાદ 13મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ યાસિરને કેચ આઉટ કરાવી બાંગ્લાદેશની કમ્મર તોડી નાંખી હતી. આ જ ઓવરમાં હાર્દિક પંડ્યાએ મોસદ્દક હૌસેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. મોસદ્દકે 6 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશનો સ્કોર 108-6 થયો હતો.

કે.એલ. રાહુલ ફોર્મમાં પરત આવ્યો, ધૂંઆધાર 50 રન બનાવ્યા
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને કે.એલ. રાહુલના (KL Rahul) લાંબા ઈન્તજારનો અંત આવ્યો છે. આખરે રાહુલની બેટમાંથી રન નીકળ્યા છે. આજે એડિલેડ ખાતે રમાઈ રહેલી ICC T20 World Cup 2022 ના સુપર 12 રાઉન્ડની ભારત પોતાની ચોથી મેચ બાંગ્લાદેશ સામે રમી રહ્યું છે. બાંગ્લાદેશે (Bangladesh) ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી રહી નહોતી. ઈનિંગની 3.1 ઓવરમાં ભારતની 11 રન પર પહેલી વિકેટ પડી હતી. કેપ્ટન રોહિત શર્મા અંગત 2 રન બનાવી આઉટ થયો હતો. જોકે, ભારત માટે સારી વાત એ હતી કે લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ ફોર્મમાં પરત ફર્યો છે. આજે કે.એલ. રાહુલે મેદાનની ચારે તરફ ચોગ્ગા-છગ્ગા ફટકારી તેનો ક્લાસ બતાવ્યો હતો. કે.એલ. રાહુલે 156ના સ્ટ્રાઈક રેટથી 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા. તેણે પોતાની તોફાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

વિરાટ અને સૂર્યાની તોફાની બેટિંગથી ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યા
કે.એલ. રાહુલના આઉટ થયા બાદ વિરાટ કોહલી સાથે સૂર્યાકુમાર યાદવ જોડાયો હતો અને 360 ડિગ્રી બેટ્સમેને મેદાનની ચારેતરફ ચોગ્ગા-છગ્ગા મારી બાંગ્લાદેશના બોલરોનો કલાસ લઈ લીધો હતો. 16મી ઓવરમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકીબ અલ હસનની બોલિંગમાં 16 બોલમાં 30 રન બનાવી સૂર્યાકુમાર યાદવ બોલ્ડ થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ઝડપી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. ભારતનો સ્કોર 15 ઓવરના અંતે 130/3 થયો હતો. 16મી ઓવરની પહેલી જ બોલમાં હાર્દિક પંડ્યા કવર પર ખૂબ જ ખરાબ રીતે કેચ આપી બેઠો હતો. હાર્દિકે પંડ્યા માત્ર 5 જ રન બનાવી શક્યો હતો. હાર્દિકની વિકેટ મહમૂદ હસને લીધી હતી. હાર્દિકના આઉટ થયા બાદ દિનેશ કાર્તિક બેટિંગ પર આવ્યો હતો. પરંતુ તે લાંબો સમય ક્રીઝ પર વિતાવી શક્યો નહોતો. 17મી ઓવરમાં દિનેશ કાર્તિક રન આઉટ થયો હતો.

દરમિયાન વિરાટ કોહલીએ ફિફ્ટી રન પૂરા કર્યા હતા. આ વર્લ્ડકપમાં કોહલીની આ ત્રીજી અર્ધસદી છે. ભારતનો સ્કોર 17 ઓવરના અંતે 150/5 થયો છે. દિનેશ કાર્તિકના આઉટ થયા બાદ અક્ષર પટેલ બેટિંગમાં આવ્યો હતો, પરંતુ તે લાંબુ ટકી શક્યો નહોતો. ભારતની છઠ્ઠી વિકેટ 157ના સ્કોર પર પડી હતી.

અક્ષર પટેલના આઉટ થયા બાદ રવિચંદ્રન અશ્વિન બેટિંગ પર આવ્યો હતો. રવિચંદ્રન અશ્વિને છેલ્લી 20મી ઓવરમાં ક્લાસીક સિક્સ અને ફોર ફટકાર્યા હતા. વિરાટ કોહલી અણનમ રહ્યો હતો. વિરાટે કુલ 64 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 184 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને જીતવા માટે 185 રન બનાવવા પડશે. પંડ્યા બાદ અક્ષરની વિકેટ પણ મહમૂદ હસને લીધી હતી. બાંગ્લાદેશના યુવાન બોલર મહમૂદ હસને ભારતની 3 વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી.

વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
ટુર્નામેન્ટની ત્રીજી અર્ધ સદી સાથે વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહિલા જયવર્દનેને પછાડીને વિરાટ કોહલી આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ કારકિર્દીની 23મી મેચમાં 1062 રન બનાવ્યા છે, જે ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ રન છે.

Most Popular

To Top