Sports

ફલોપ રાહુલને બાંગ્લાદેશ સામેની મેચમાં ડ્રોપ કરાશે? જાણો કોચ દ્રવિડે શું કહ્યું

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup) ટીમ ઈન્ડિયાનું (Team India) પ્રદર્શન અત્યાર સુધી જોરદાર રહ્યું છે અને 2 મેચમાં જીત સાથે તે સેમીફાઈનલની (Semi Final) રેસમાં યથાવત છે. 2 નવેમ્બરે બાંગ્લાદેશ (Bangladesh) સામે મેચ છે, અહીં જીત્યા બાદ સેમીફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ (Confirm) થઈ જશે. પરંતુ આ મિશનમાં એક વધુ ચિંતા છે, તે છે કેએલ રાહુલની (K L Rahul) બેટિંગ જેણે પ્રથમ ત્રણ મેચમાં ચિંતા વધારી દીધી છે.

કેએલ રાહુલને પ્લેઈંગ-11માં સ્થાન મળવું જોઈએ કે નહીં તે અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આવી સ્થિતિમાં તેમને કેએલ રાહુલ સાથે જોડાયેલ એક સવાલ ચોક્કસથી પૂછવામાં આવ્યો હતો. રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું છે કે કેએલ રાહુલને ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ સમર્થન છે, તેથી તેના રમવા અંગે કોઈ મૂંઝવણ નથી.

વધુમાં રાહુલ દ્રવિડે કહ્યું કે ‘મારી અને રોહિત શર્મા વચ્ચે કોઈ કન્ફ્યુઝન નથી કે અમારા માટે કોણ ઓપનિંગ કરશે, અમે જાણીએ છીએ કે કેએલ રાહુલ કેટલો પ્રભાવ પાડી શકે છે. કેએલ રાહુલ એક શાનદાર ખેલાડી છે, અમને ખાતરી છે કે તે જોરદાર પુનરાગમન કરશે. દુનિયાભરના ઓપનરો માટે આવી સ્થિતિ ચિંતાનો વિષય બની છે.

રાહુલ દ્રવિડે કહ્યું કે અમારા એક્શન અને શબ્દો જ દર્શાવે છે કે અમે કેએલ રાહુલની સાથે છીએ. વર્તમાન પરિસ્થિતિમાં આપણે થોડો સમય લઈ શકીએ છીએ, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે જાણીએ છીએ કે તે અમારા માટે કેટલો મહત્વનો ખેલાડી છે. રાહુલ દ્રવિડના નિવેદનથી સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાનો પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવાનો કોઈ ઈરાદો નથી અને કેએલ રાહુલ બાંગ્લાદેશ સામે પણ ઓપનિંગ કરતા જોવા મળશે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે , જેમાંથી બેમાં જીત અને એકમાં હાર થઈ છે. કેએલ રાહુલ ત્રણેયમાં સુપર ફ્લોપ રહ્યો છે. તેણે પાકિસ્તાન સામે 4, નેધરલેન્ડ સામે 9 અને દક્ષિણ આફ્રિકા સામે 9 રન બનાવ્યા છે. આ જ કારણ છે કે તેને પ્લેઈંગ-11માંથી બહાર કરવાની માંગ થઈ રહી છે અને તેની જગ્યાએ રિષભ પંતને ઓપનિંગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

કેએલ રાહુલનો ટી20 રેકોર્ડ: 69 મેચ, 2159 રન, 37.87 એવરેજ, 2 સદી, 20 અડધી સદી

Most Popular

To Top