નડિયાદ: નડિયાદ નગરપાલિકા તંત્રની વધુ એક બેદરકારી ખુલ્લી પડી છે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા હેલીપેડ ગ્રાઉન્ડ સામેના મરીડા તરફ જતા રીંગ રોડ પર મોટા વળાંક પાસે મોટી માત્રામાં કચરો સળગી રહ્યો છે. કમળા ડમ્પિંગ સ્ટેશનની બહાર રોડ પર કચરો સળગતો હોવાની ઘટના બાદ જાણે અહીંયા પણ નિયમોને બાજુમાં મુકી કચરો એકત્રિત કરાતા હાલ રોડ પર જ કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું દ્રશ્યમાન થયુ છે.
નડિયાદ નગરપાલિકા પ્રશાસનનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડની સામે રીંગ રોડ પર મરીડા તરફ જતા રસ્તે મોટા ટર્નિંગ પાસે મોટી માત્રામાં કચરો ઠાલવાયો હતો. આ કચરો હવે સળગી ઉઠતા ત્યાં ધુમાડો થઈ રહ્યો છે. તેમજ છેલ્લા સપ્તાહથી અહીંયા આ કચરો સળગી રહ્યો હોવાથી ત્યાંથી પસાર થવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. અહીં આસપાસ રહેણાંક વિસ્તાર છે, તો છુટાછવાયા મકાનો પણ આવેલા છે.
જ્યાં રહેતા લોકોને શ્વાસમાં આ ગંદકીનો ધુમાડો જઈ રહ્યો છે અને પરીણામે હવે તેમના સ્વાસ્થ્ય સામે પ્રશ્નો ઉભા થાય તેવી શક્યતાઓ છે. અગાઉ નગરપાલિકા પ્રશાસને ચોમાસા દરમિયાન ડમ્પિંગ સાઈટમાં અંદર કચરો ઠાલવવાને બદલે નડિયાદ-મહેમદાવાદ રોડ પર જ ઢગ મારી દીધો હતો. જેના કારણે તાજેતરમાં રોડ પર રહેલો કચરો સળગી ઉઠ્યો હતો. આ અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં મહુધા ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે ભારોભાર રજૂઆત કરી હતી અને આ મુદ્દે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પાલિકા પ્રશાસનના માથે જવાબદારી નાખી હતી, તે સમયે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. હવે ફરી એકવાર જ્યારે અન્ય વિસ્તારમાં પાલિકાની અણઆવડત ખુલ્લી પડી છે, ત્યારે જવાબદારો સામે પગલાં લેવાય છે કે કેમ? તે જોવુ રહ્યુ.