નવી દિલ્હી: દિલ્હીના (Delhi) નરેલામાં (Narela) મંગળવારે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં (Plastic Factory) ભીષણ આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અગ્નિશામક દળના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ ફેક્ટરીના પહેલા અને બીજા માળે લાગી હતી.
આગને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. પરંતુ આગ એટલી ભીષણ હતી કે કેટલાક લોકો દાઝી ગયા હતા. જ્યારે ફેક્ટરીની અંદર કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. સાથે જ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે.
અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જ સમયે, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આસપાસ એકઠા થયેલા લોકોને સ્થળ પરથી દૂર જવા અપીલ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી 20 લોકોને બચાવી લેવાયા છે. તમામને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. નરેલામાં લગભગ 8 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે. ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જોકે, નરેલામાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. મે મહિનામાં નરેલામાં જ એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે હાઇડ્રા ક્રેનને સ્થળ પર મોકલવી પડી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.