સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election) કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ભાજપના કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા નિરીક્ષકોને ઉમેદવાર પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે. આજે સુરતના ઉધના રોડ પર આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગીની ક્વાયત શરૂ કરવામાં આવી છે, જેના પગલે સવારથી જ કમલમ પર ભાજપના ટીકિટ ઈચ્છુકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. સવારથી જ ટીકિટ મેળવવા માંગતા ભાજપના નેતા, કાર્યકરો અને વર્તમાન ધારાસભ્યોની ચહલ પહલ વધી ગઈ છે. કેટલાંક નેતાઓ તો સમર્થકોને મોટી સંખ્યામાં લઈ પોતાનો દાવો રજૂ કરવા માટે કમલમ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન સુરતમાં વરાછાની બેઠક (Surat Varacha Seat) પર વિવાદ સર્જાયો છે.
જાણીતા હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાને (Dinesh Navdiya) આ વખતે વરાછાની બેઠક પરથી ટીકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેના લીધે વિવાદ સર્જાયો છે. હીરા ઉદ્યોગકારોએ નાવડીયાને વરાછા બેઠક પરથી ભાજપની ટીકિટ મળે તેવી માંગ કરાઈ છે, જેનો વરાછાના સીટીંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધ કર્યો છે. કુમાર કાનાણીએ કહ્યું કે, જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેને શા માટે ટીકિટ આપવી જોઈએ?
સામાન્ય રીતે શિસ્તને વરેલા ભાજપ પક્ષમાં જાહેરમાં કોઈ કોમેન્ટ કરતું નથી, પરંતુ કુમાર કાનાણીએ તો ટીકિટ કોને આપવી તે નક્કી થાય તે પહેલાં જ દિનેશ નાવડીયાનો વિરોધ કરતા પક્ષમાં જૂથવાદ ચરમસીમાએ હોવાનું સપાટી પર આવ્યું છે. પક્ષમાં જૂથવાદ કેટલી હદે વધ્યો છે તે દેખાઈ રહ્યું છે. વળી, કમલમ ખાતે સવારથી જ ટીકિટ ઈચ્છુકો જે રીતે ધસી ગયા હતા તે જોતાં જુથવાદ વધ્યો હોવાનું લાગતું હતું. વરાછા બેઠક ઉપર સામસામે દાવેદારી કરાઈ છે તો બીજી તરફ ઉધના બેઠક પર પરપ્રાંતિયો અને સ્થાનિક સુરતીઓ દ્વારા પણ ટીકિટની માંગણી કરવામાં આવી છે. નેતાઓ એકબીજાના પત્તા કાપવા માટે મરણિયા બન્યા હોવાનું ચિત્ર કમલમ ખાતે ઉભું થયું હતું.
દરમિયાન વરાછા બેઠક પર કોને ટીકિટ આપવી તે અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. સિટીંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી આ બેઠક પરથી ટીકિટ માંગી છે, તો બીજી તરફ દિનેશ નાવડીયાનું નામ સામે આવતા સમીકરણો બદલ્યા છે. પાટીદાર આંદોલન બાદથી જ વરાછા બેઠક પર ભાજપનું જોર ઘટ્યું છે. તેમાંય સુરત મનપાના ઈલેક્શનમાં જે રીતે આમ આદમી પાર્ટી બેઠકો પડાવી ગયું તે જોતાં આ વિસ્તારમાં આપનું જોર વધ્યું હોવાનું દેખાઈ રહ્યું છે, ત્યારે વરાછા બેઠક પર ભાજપ એવા કોઈ ચહેરાને ટીકિટ આપવા માંગશે જેનું પાટીદારોમાં સારું પ્રભુત્વ હોય. આવા સંજોગોમાં કુમાર કાનાણીને ફરી ટીકિટ મળશે કે કેમ તે એક પ્રશ્ન છે, પરંતુ દિનેશ નાવડીયાનું નાામ સામે આવતા સમીકરણો બદલ્યા છે. હવે આ બેઠક પરથી ભાજપ કોને ટીકિટ આપે છે તેની પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. વરાછા બેઠક રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે, તેથી ભાજપ કાચું કાપવા માંગશે નહીં.
આ તરફ કુમાર કાનાણીએ પોતાની દાવેદારી નોંધાવતા તીખા વેણ કહ્યા છે. કાનાણીએ કહ્યું કે, કોઈ પણ ઉદ્યોગપતિને શું કાામ તક આપવી જોઈએ. જે વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ નથી તેને ટીકિટ કેમ આપવી જોઈએ. ભલે ટીકિટ માંગવાનો અધિકાર દરેકને છે પરંતુ આવા વ્યક્તિને ટીકિટ આપવી એ યોગ્ય લાગતું નથી. ઉદ્યોગપતિને પ્રતિનિધિત્વ કેવી રીતે આપી શકાય? આ સાથે જ કાનાણીએ દિનેશ નાવડીયા વિશે કહ્યું કે, આ ઉદ્યોગપતિએ ભારતીય જનતા પાર્ટી માટે ક્યારેય કોઈ કામ કર્યું નથી.
આ મામલે દિનેશ નાવડીયાએ કહ્યું, હું વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છું. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ સાથે પણ જોડાયેલો છું. આ બંને સંગઠનો એવા છે જેના કાર્યકરો ક્યારેય જાતે કોઈ દાવેદારી નોંધાવતો નથી. આરએસએસના કાર્યકરો સંગઠનને વરેલા છે. તેઓ નિયમોનું ચુસ્ત પાલન કરે છે. અમે દાવેદારી નોંધાવી શકીએ નહીં. તેથી હું ટીકિટ માંગવા આવ્યો નથી.
જોકે, સુરતના હીરા ઉદ્યોગકારો દિનેશ નાવડીયાને ટીકિટ મળે તેવું ઈચ્છે છે. ઉદ્યોગમાંથી નાવડીયને ટીકિટ મળે તેવી માગં ઉઠી છે. કારણ કે નાવડીયાએ વીતેલા બે દાયકામાં હીરા ઉદ્યોગના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સક્રિયતા દાખવી છે. ડાયમંડ એસોસિએશન, ડાયમંડ યુનિયન સંઘ ઉપરાંત ચેમ્બર દ્વારા પણ નાવડીયાને ટીકિટ મળે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.