વર્ષો પહેલાં બરોડા સ્ટેટ ગાયકવાડના તાબાનું અને હાલ મહુવા તાલુકાનું 90 ટકા શિક્ષિત ગામ બોરિયા – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat Main

વર્ષો પહેલાં બરોડા સ્ટેટ ગાયકવાડના તાબાનું અને હાલ મહુવા તાલુકાનું 90 ટકા શિક્ષિત ગામ બોરિયા

બોલીવૂ઼ડની ખૂબ વખણાયેલી સુનીલ દત્ત અને નરગીસ અભિનીત ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું શૂટિંગ અહીં થયું હતું આ ગામ કુલ 885 હેક્ટરમાં ફેલાયેલું છે, જેમાંનો 163 હેક્ટર જેટલો વિસ્તાર જંગલ જમીનથી ઘેરાયેલો છે
ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા તથા આંગણવાડી ઉપલબ્ધ
આઝાદી કાળનાં વર્ષો બાદ હવે ધીમે ધીમે શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. આજે ગ્રામ્ય કક્ષાની શાળાઓ પણ શહેરની શાળાઓને ટક્કર મારી રહી છે. તો ગામડાંથી નીકળેલા વિદ્યાર્થી ઉચ્ચ ડિગ્રી મેળવી રહ્યા છે. બોરિયામાં ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા તથા આંગણવાડી આવેલી છે. ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં છાત્રાલયની પણ વ્યવસ્થા છે. બોરિયા ગામમાં આંગણવાડીઓ પણ છે. ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક શાળા તથા કોલેજના અભ્યાસ માટે વાંકાનેર તથા બારડોલી ગામે જવું પડે છે.

50 જેટલા પરિવારને નળ મારફત મળે છે પાણી
બોરિયા ગામમાં અંદાજે 50 જેટલા પરિવારને નળ દ્વારા વ્યક્તિગત જોડાણ આપી પાણી પહોંચાડવામાં આવે છે. આ સિવાય ગામમાં પીવાના પાણીના સ્ત્રોત તરીકે કૂવા, બોર, હેન્ડપંપ સિવાય સામૂહિક સ્ટેન્ડ પોસ્ટ આવેલાં છે. ઉપરાંત ગામમાં ચાર જેટલા ખાનગી કૂવા, 10 જેટલા ખાનગી પાતાળ કૂવા તથા ચાર જેટલા ખાનગી હેન્ડપંપની સુવિધા પણ છે.
ગામમાં કોઈ જાહેર શૌચાલય કે બાથરૂમ નથી
બોરિયા ગામમાં ગટર લાઈનની વ્યવસ્થા છે. કોઈ જાહેર શૌચાલય કે બાથરૂમ નથી. પણ ગામના ઘન કચરાનો નિકાલ નિયમિતપણે થાય છે.

ચોમાસામાં પાણી નિકાલની સમસ્યા ખૂબ જ ગંભીર
બોરિયા ગામ એ દરિયા કિનારાથી ઘણા અંતર આવેલું છે. જેથી વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય તો બોરિયા ગામને પ્રમાણમાં ઓછું નુકસાન થવાની સંભાવના છે. ગામના ઘણા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. સો વ્યક્તિ જમીનવિહોણા ખેતમજૂર છે. બોરિયા ગામની દક્ષિણેથી પૂર્ણા નદી તથા ઉત્તરથી કાકરાપાર નહેર પસાર થાય છે. ચોમાસામાં વધુ વરસાદ પડવાથી પાણીની નિકાલ પ્રક્રિયા પર ખોરવાવાથી ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે. દરમિયાન ત્યાં રહેતા લોકોને ઘણી હાલાકીનો વેઠવા સાથે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. બોરિયા ગામની આસપાસ કોઈ જોખમી ઔદ્યોગિક એકમ આવેલ નથી. જેથી બોરિયા ગામના રહેવાસીઓને ઔદ્યોગિક અકસ્માતથી નુકસાન થવાની શક્યતા રહેલી નથી.

  • બોરિયા ગ્રામ પંચાયતની બોડી સરપંચ
  • નયનાબેન પ્રકાશભાઈ નાયકા
  • પારૂલબેન સુમનભાઈ પટેલ
  • જિતેન્દ્રકુમાર નવનીતભાઈ રાઠોડ
  • બાદલકુમાર અરવિંદભાઈ પટેલ
  • પ્રકાશભાઈ મોહનભાઈ નાયકા
  • વિનોદભાઈ દિનેશભાઈ નાયકા
  • અંજલિબેન રાજુભાઈ નાયકા
  • સ્વાતિકુમારી બીપીનભાઈ પટેલ
  • હેતલબેન આશીષભાઈ ચૌધરી
  • સરપંચ નયનાબેન પ્રકાશભાઈ નાયકા

બોરિયા ગામનાં સરપંચ નયનાબેન નાયકાનો સેવાકીય અભિગમ
બોરિયા ગામમાં હાલ સરપંચ તરીકે નયનાબેન પ્રકાશભાઈ નાયકા ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ પ્રકાશભાઈ મોહનભાઈ નાયકા ડેપ્યુટી સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા હતા. સન-2021ની સરપંચની ચૂંટણીમાં મહુવા તાલુકાનાં 69 ગામમાં બોરિયા ગ્રામ પંચાયતના તમામ સભ્યો જંગી બહુમતી સાથે ચુંટાઈ આવ્યાં હતાં. જેને કારણે મહુવા તાલુકા તથા બોરિયા ગામમાં એક ઐતિહાસિક માહોલ બન્યો હતો તથા બોરિયા ગામમાં સરપંચ તથા ઉપસરપંચ પતિ-પત્ની તરીકે ફરજ બજાવી તાલુકામાં એક ઐતિહાસિક દાખલો બેસાડ્યો છે.

સરપંચનો ચાર્જ સાંભળ્યા પછી તેઓ આઠ મહિનાના સમયગાળામાં આશરે કામમાં 15મા નાણાપંચ તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી આશરે 50 લાખની ગ્રાન્ટમાં પેવર બ્લોક, ગટર યોજના, પાણીનાં કામો તથા અન્ય કામોની ગ્રાન્ટ લાવી તથા સૌથી વધારે હળપતિ ગૃહનિર્માણ યોજનામાં નાયકા સમાજને આવાસ મંજૂર કરાવી ગામને પ્રગતિના પંથે આગળ વધારી રહ્યાં છે. ભવિષ્યમાં પણ ફરી શ્રેષ્ઠ ગામ બનાવી તાલુકા કક્ષાએ ગામને એવોર્ડ અપાવવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. તથા ગામમાં બીપીએલમાં આવતા 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને પેન્શન, નિરાધાર વૃદ્ધ પેન્શન તથા તમામ વિધવાઓને વિધવા પેન્શનનો લાભ અપાવ્યો છે.

પ્રકાશભાઈ નાયકાએ બોરિયાને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ અપાવ્યો હતો
ગામડાં પણ શ્રેષ્ઠ બનવાની હોડમાં લાગતાં ગામોની કાયાપલટ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘણાં ગામોમાં તો ગલીએ ગલીએ વિકાસની ઝલક જોવા મળે છે. મહુવા તાલુકામાં પણ છેલ્લા દાયકામાં વિકાસ જોવા મળી રહ્યો છે. સન-2010-11 અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ બોરિયા ગ્રામ પંચાયતને તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્વર્ણિમ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. 16મી નવેમ્બર-2011ના રોજ મહાત્મા મંદિર-ગાંધીનગર પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા ગુજરાત સરકાર દ્વારા આ એવોર્ડ એનાયત કરાયો હતો. બોરિયા ગ્રામ પંચાયતની સ્થાપના સન-1956માં થઈ હતી. ત્યારે સરપંચ તરીકે સ્વ.ડાયાભાઈ કાસાભાઈ નાયકા ચુંટાયા હતા. ડાયાભાઈએ 1956થી 1959 સુધી ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ 1960થી 2007 દરમિયાન નાયકા, કોળી પટેલ, માહ્યાવંશી, ધોડિયા પટેલ સમાજના સરપંચોએ સેવા આપી છે. વર્ષ-2007થી 2011માં પ્રકાશભાઈ મોહનભાઈ નાયકા સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા હતા. એમના સમયમાં ગામમાં રસ્તા કાચા અને ગટરની વ્યવસ્થા પણ ન હતી. પ્રકાશભાઈ મોહનભાઈ નાયકાએ વર્ષ-2007માં ચાર્જ સંભાળ્યા બાદ રસ્તા, પાકી ગટર, તમામ ફળિયામાં ઘરે-ઘરે પાણીની સુવિધા ઉપલબ્ધ બની હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ દ્વારા બોરિયા ગામમાં સો ટકા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે મોટો ફાળો આપવા બદલ રાજ્ય કક્ષાની સ્વચ્છતા દિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે પ્રકાશભાઈને સ્વચ્છ ગ્રામ પુરસ્કારથી સન્માનિત કરી રૂપિયા બે લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ સ્વર્ણિમ ગ્રામોદય યોજના વર્ષ-2010-11 અંતર્ગત યોજાયેલી શેર ગ્રામ પંચાયત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા ગ્રામ પંચાયત નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પુરસ્કાર પ્રદાન કરાયો હતો.

દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો માટે લાભદાયી
બોરિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના તા.૩૦/૮/૧૯૭૧ ના થઈ હતી. જેમાં પ્રથમ પ્રમુખ તરીકે સ્વ.બાબરભાઈ પ્રભુભાઈ પટેલનો સિંહફાળો રહ્યો હતો. આ મંડળીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવામાં કાનજીભાઈ કલ્યાણભાઈ પટેલ, દિનેશભાઈ નરોત્તમભાઈનો ઉમદા ફાળો રહ્યો છે. આ મંડળી કુલ 387 સભાસદ ધરાવે છે. હાલના પ્રમુખ તરીકે રાકેશભાઈ પી.પટેલના સુંદર વહીવટથી સન-2021-22ના વર્ષમાં 5,72,0,68 લીટર દૂધનું વેચાણ થયું છે. જે બોરિયા ગામ માટે સરાહનીય બાબત છે. ખેતીવાડી સાથે સાથે દૂધ ઉત્પાદન થકી ગામનું આર્થિક ધોરણ ઊંચું આવ્યું છે.

શ્રીમતી એલ.ડી.પટેલ સાર્વજનિક વિદ્યાલય શિક્ષણ માટે જાણીતી
બોરિયા ગામમાં ધોરણ-૯થી ધોરણ-૧૨ સુધીના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે શ્રી અલ્લુ બોરિયા સેવા સમાજ સંસ્થા થકી ગામના વડીલો સ્વ.બાબરભાઇ પરભુભાઇ પટેલ, સ્વ.નારણભાઇ પરાગભાઇ પટેલ, સ્વ. છગનભાઈ વલ્લભભાઇ પટેલ, સ્વ.નરસિંહભાઇ માનદાસ પટેલ, સ્વ.ચામડભાઇ બેરાભાઇ, સ્વ.ઉખેડભાઇ કરસનભાઇ તથા વલ્લભભાઈ ડાહ્યાભાઇ પટેલ, છીતુભાઇ ભવનભાઇ પટેલ, ગામના અન્ય વડીલો તેમજ શ્રી વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડના ભૂપેન્દ્રભાઇ દેસાઇ, સ્વ.અલ્લુભાઇ શાહ તથા સ્વ.ભીખુભાઇ વ્યાસના પ્રયત્નોથી વર્ષ-૧૯૬૬માં ગ્રામતીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના નામે શાળાની શરૂઆત થઇ હતી. શાળાના સ્થાપક આચાર્ય તરીકે રામભાઇ ઢીમ્મર, ત્યારબાદ ભીખુભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ આચાર્ય તરીકે સેવા બજાવી હતી. હાલ સુંદર ભૌતિક સુવિધા ધરાવતી આ શાળા શ્રીમતી એલ.ડી.પટેલ સાર્વજનિક વિદ્યાલય બોરિયા (ઉત્તર બુનિયાદી)ના નામે કાર્યરત છે. શાળા કેમ્પસમાં એન.આર.ભક્ત કુમાર છાત્રાલય નામથી કાર્યરત બોય્ઝ હોસ્ટેલ આવેલી છે, જેમાં રહેવા માટે ૨૮ રૂમ સહિતનું પાકું મકાન, ભોજનાલય, પાણીની ટાંકી જેવી સુંદર સુવિધાથી યુકત છે. હાલ સંસ્થાના પ્રમુખ તરીકે છીતુભાઇ ભવનભાઇ પટેલ, મંત્રી તરીકે ઠાકોરભાઇ નારણભાઇ પટેલ તથા શાળાના આચાર્ય તરીકે દર્શનકુમાર ધનસુખભાઇ પટેલ સેવામાં કાર્યરત છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ, સંસ્કાર સાથે જીવનમાં જરૂરી પાયાની કેળવણી પણ મળતી રહે એ પ્રકારના તમામ પ્રયત્નો સતત શાળા મારફત થતા રહે છે. હાલ શાળામાં કુલ ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં બોરિયા ગામ તથા આસપાસનાં ગામોના વિદ્યાર્થી તથા અન્ય સોનગઢ, ઉચ્છલ, નિઝર, ડેડિયાપાડા, ડાંગ વિસ્તારનાં દૂર અંતરિયાળ ગામોમાંથી આવેલા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે. શાળા તેનાં સુંદર શિક્ષણ તથા સહ અભ્યાસક પ્રવૃત્તિઓ માટે વિશેષ ખ્યાતિ ધરાવે છે.
સંસ્થા તેમજ શાળા પરિવારના તમામ સભ્યોનો પ્રયત્નો થકી શાળાનું ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ સતત ૯૦ ટકાથી ઊંચું રહે છે. રમતગમત ક્ષેત્રે પણ શાળા મારફત અનેક વિદ્યાર્થીઓ જિલ્લા, રાજ્ય તથા નેશનલ કક્ષા સુધી રમતગમતમાં ભાગ લીધેલ છે. અસંખ્ય વિદ્યાર્થીઓ આ શાળામાંથી અભ્યાસ કરી ડોક્ટ૨, ઇજનેર, આર્મીમેન, પોલીસ, વકીલ, સમાજસેવકો તથા ઉચ્ચ પદાધિકારી થયા છે, જે શાળા માટે એક ગૌરવપૂર્ણ બાબત છે.

શિક્ષણમાં વાગે છે બોરિયાનો ડંકો
બોરિયા ગામ એ 90 ટકા શિક્ષિતોનું ગામ તરીકે ઓળખાય છે, જેમાં 50 જેટલા શિક્ષકો, 20 જેટલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. 15થી 20 એન્જિનિયર તથા પોસ્ટ માસ્તરો છે. તો સમાજ કલ્યાણ અધિકારી તરીકે 1, સ્પોર્ટ ટીચર તરીકે 10, સિંચાઈ અને નહેર વિભાગમાં 5 અને જંગલ ખાતામાં 5 જેટલા શિક્ષિત નોકરી કરે છે.

જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા પણ આવેલી છે
બોરિયા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણ છેગત વર્ષ-૨૦૨૧માં જે શિક્ષણની જ્યોતને પચાસ વર્ષ પૂર્ણ થયાં છે એવી પ્રાથમિક શાળા બોરિયાની સ્થાપના તા.૭/૭/૧૯૭૧ થઈ છે. શાળામાં ધોરણ-૧થી ધોરણ-૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ બાળકોને આપવામાં આવે છે. શાળામાં શિક્ષણની સાથે સાથે સારાં સંસ્કાર, સ્વચ્છતા રમતગમત તથા બાગકામની કેળવણી શાળાના આચાર્ય અશ્વિનભાઇ એસ. પટેલ તથા શાળાના શિક્ષક ગણ મારફત બાળકોને આપવામાં આવે છે. હાલમાં ૮૫ બાળક અભ્યાસ કરી રહ્યાં છે.

તેમજ પાંચ શિક્ષક ફરજ ઉપર છે. આ શાળામાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષકો, હાઈસ્કૂલમાં શિક્ષકો, પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરેમાં સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. બોરિયા ગામના આગેવાન શિક્ષક દિલીપભાઈ ધીરુભાઈ પટેલે ગામમાં પ્રભાત લાઇબેરી, લાઇટ તથા પંખાની સુવિધામાં લોકફાળો આપી ગામનાં બાળકોને અભ્યાસ કરવા માટે ઉત્સાહ વધાર્યો છે. વધુમાં નાનાં બાળકોના પાયાના શિક્ષણ માટે અહીં 2 આંગણવાડી કાર્યરત છે. આંગણવાડી-1માં અંકિતાબેન મનીષભાઈ નાયકા હાલ ફરજ બજાવી રહ્યા છે, જેમાં 22 બાળક અભ્યાસ કરે છે. જ્યારે આંગણવાડી-2માં સ્મિતાબેન વિજયભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે. આ આંગણવાડીમાં 24 જેટલાં બાળકો હાલમાં અભ્યાસ કરી રહ્યાં છે. અંકિતાબેન અને સ્મિતાબેન બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત કરી રહ્યા છે. બાળકોનું ભાવી ખરેખર બાલવાડીથી જ શરૂ થાય છે.

પાર્વતીબેન નાયકા આપે છે ખેડૂતોને તાલીમ
બોરિયા ગામનાં પાર્વતીબેન કાંતુભાઈ નાયકા બારડોલી આત્મા પ્રોજેક્ટ દ્વારા મહુવા તાલુકાના ખેડૂતોને તાલીમ શિબિર આપી પ્રાકૃતિક ખેતી કરે છે. તથા દરેક ખેડૂતને ખેતીનાં સાધન, બિયારણ, દવા છાંટવાનો પંપ, તાડપત્રી વગેરે સહાય આપી હતી. તથા દેશી ગીર ગાયના મળમૂત્રમાંથી ધન જીવામૃત બનાવી જમીનમાં વાપરી પ્રાકૃતિક ખેતી કરાવે છે.
અજિતભાઈ બોર્ડર પર ફરજ બજાવે છે
બોરિયા ગામના યુવાન અજિતભાઈ બાબુભાઈ પટેલે આપણા દેશની બોર્ડર પર દેશની રક્ષા માટે જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી ગામનું અને ભારત દેશનું નામ રોશન કર્યુ છે.
યુવા વર્ગ વ્યસનમુક્તિ તરફ વળ્યો
બોરિયા ગામના આગેવાન ટીચર દલપતભાઇ નારણભાઈ પટેલના કારણે આજે ગામનો યુવા વર્ગ વ્યસનમુક્તિ તરફ વળ્યો છે. દલપતભાઈને કારણે પહેલીવાર સ્વામિનારાયણ સંપ્રદાયનો ગામમાં પ્રવેશ થતાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ગામના યુવાનો તથા વડીલોને વ્યસનમુક્તિ કરાવતાં આજે સારા રસ્તે વળ્યા છે.

અંબા માતાનું મંદિર
અંબા માતાનું મંદિર સ્વ.મંગીબેન બાલુભાઈ પટેલને પોતાના બંને હાથમાં કંકુના રૂપમાં માતાજીના રૂપ પ્રગટ થતાં સંવત-2039ની સાલમાં અંબા માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ-2015માં ગામ લોકોએ ફાળો એકત્ર કરી અંબા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યુ છે. બોરિયા ગામે મંદિર ફળિયામાં મંદિરની સ્થાપના થઈ છે. તથા વર્ષમાં એક વખત માતાની સાલગીરી ઉજવવામાં આવે છે.
ઉજય માતાનું મંદિર
બોરિયા ગામે ઉજય માતા ફળિયા ખાતે આવેલું ઉજય માતાનું મંદિર ગ્રામજનો માટે આસ્થાનું પ્રતીક છે. આ મંદિર ખાતે પૂર્વજોના સમયથી ગામમાં જેમનાં લગ્ન થાય અને બીજા દિવસે વર-વહુના સિંગાર (ફૂલહાર) વગેરે માતાજીના મંદિરમાં ઉતારવામાં આવે છે.
મહાદેવનું મંદિર
બોરિયા, અલ્લુ અને દેલવાડા ગામને જોડતી સીમમાં જ્યાં ભૂતકાળમાં જંગલ વિસ્તાર હતો, ત્યાં સ્વયમ્ મહાદેવનું મંદિર આવેલું છે. જંગલ વિસ્તારમાં મંદિર આવેલું હોવાથી મંદિરનું નામ જંગલેશ્વર મહાદેવ તરીકે તે પ્રસિદ્ધ થયું. મંદિરના પરિસરમાં જ કૂવો અને કુદરતના અનેરું સૌદર્યથી શોભતું મંદિર, શાંત, સૌમ્ય અને અલૌકિક વાતાવરણ નિર્માણ કરે છે. વર્ષોથી ત્યાં આસપાસના ગ્રામજનો ભક્તિભાવથી દર્શન માટે આવે છે. શ્રાવણ માસ તથા શિવરાત્રિ પ્રસંગે ત્યાં અવારનવાર ભજન-કીર્તન કાર્યક્રમનું પણ આયોજન થતું રહે છે. જૂનાં વર્ષોમાં આ મંદિરમાં ગોસાઇ બાવાજી પૂજા-અર્ચન કરતા હતા. જંગલેશ્વર મહાદેવ મંદિરથી થોડે દૂર પાણીની વાવ ખંડેર હાલતમાં જોવા મળે છે. જૂના કાળમાં આ સ્થળે વણજારાના ઉતારા થતા હતા એવું ગામના વડીલો મારફત જાણવા મળે છે, ત્યાંથી થોડે દૂર દરગાહ પણ આવેલી છે.
ભૂત બાપુ
બોરિયા ગામે કાકરાપારના ડાબા કાંઠા નહેરની બાજુમાં આશરે 50 વર્ષથી ગ્રામના વડીલોએ સીમારિયા ભૂત બાપુની સ્થાપના કરી છે. ગ્રામજનો ખેતીવાડીમાં કોઈપણ પાક શાકભાજી પહેલું પાક લે તો સીમારિયા ભૂત બાપુને ચઢાવે છે. અને તે ખેતી પાકનું રક્ષણ કરવા પ્રાર્થના કરે છે. અહીં દર વર્ષે દેવ ઊઠી અગિયારસના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
રાધાકૃષ્ણ મંદિર
ગામમાં આશરે 50 વર્ષના પહેલાં રાધાક્રૃષ્ણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતનું આ મંદિર બીજા નંબરનું મંદિર તરીકે આવે છે. આ મંદિરની ગવર્નમેન્ટ હસ્તક સ્થાપના થઈ છે. જૂનું મંદિર તોડી ગ્રામજનોના સહયોગથી ફાળો એકત્ર કરી આ જ મંદિરને રાધાક્રૃષ્ણ મંદિર તરીકે નવું મંદિર બનાવી ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાધાક્રૃષ્ણ મંદિરને યાત્રાધામ તરીકે આગળ લાવવા ગ્રામજનો તથા ગવર્નમેન્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બોરિયા ગામમાં પ્રસ્થાપિત સુંદર અને ભવ્ય ઠાકોરજી મંદિર અનોખું પ્રાચીન મહત્ત્વ ધરાવે છે. આ મંદિરની સ્થાપના તેજાનંદ બાપુએ કરી હતી. ત્યારબાદ પૂજા-અર્ચના પ્રાચીન સમયમાં રામદાસ બાવાજી કરતા હતા. એમના તરફથી મંદિરના કોઇ વારસદાર નીમવામાં ન આવ્યા હોય, એમના દેવલોક થયા પછી મંદિર સરકાર હસ્તક લેવામાં આવ્યું. મંદિરનું પુનઃ નિર્માણ વર્ષ-૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત મંદિરમાં હાલ નયનરમ્ય, મનમોહક રાધાજી અને ભગવાન કૃષ્ણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરનં નામ રાધાકૃષ્ણ આપવામાં આવ્યું છે. હાલ ગામના ધર્મપ્રેમી લોકો મારફત મંદિરની સેવા તથા જાળવણી કરવામાં આવે છે. પ્રસંગોપાત મંદિરમાં ભજન-કિર્તન તથા વિશેષ પૂજાઓનું આયોજન કરવામાં
આવે છે.

Most Popular

To Top