Sports

વિરાટ કોહલી T-20 ઇન્ટરનેશનલમાં રન કરવા મામલે પહેલા ક્રમે પહોંચ્યો

મેલબોર્ન : પાકિસ્તાન (Pakistan) સામે રવિવારે રમાયેલી ટી-20 વર્લ્ડકપ (T-20 Worldcup) સુપર-12ની મેચમાં 53 બોલમાં 82 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમને જીતાડનાર વિરાટ કોહલીએ પોતાની આ ઇનિંગ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરવા મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને ઓવરટેક કરીને પહેલા સ્થાને પહોંચી ગયો છે અને ક્રિકેટના (Cricket) સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

વિરાટના નામે હવે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 3794 રન છે. જે તેણે 110 મેચમાં બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 137.95 રહી છે. વિરાટે ટી-20માં અત્યાર સુધીમાં એક સદી અને 34 અડધી સદી ફટકારી છે. આમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 122 રન છે. રોહિત પાકિસ્તાન સામે સાત બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. અને તેના નામે હવે 3741 રન છે. જે તેણે 143 મેચમાં બનાવ્યા છે, જેમાં 4 સદી અને 28 અડધી સદી સામેલ છે. ન્યુઝીલેન્ડનો માર્ટિન ગપ્તિલ 3531 રન સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ભારત સામે પહેલા જ બોલ પર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. હાલમાં તેના ટી-20 ઇન્ટરનેશનલમાં 3231 રન છે અને તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર છે. આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ 3119 રન સાથે પાંચમા નંબર પર છે.

વિરાટ કોહલીએ સર્વાધિક ઇન્ટરનેશનલ રન મામલે રાહુલ દ્રવિડને ઓવરટેક કર્યો
મેલબોર્ન, તા. 24 : પાકિસ્તાન સામે રમાયેલી ટી-20 વર્લ્ડકપની સુપર 12ની મેચમાં વિરાટ કોહલીએ 53 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 82 રનની નોટઆઉટ ઇનિંગ રમી તેની સાથે જ તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વાધિક રન કરવા મામલે ભારતીય ટીમના માજી કેપ્ટન અને હાલના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ઓવરટેક કર્યો હતો. વિરાટ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રન કરવા મામલે વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. સર્વાધિક ઇન્ટરનેશનલ રન કરવા મામલે 34,257 રન સાથે સચિન તેંદુલકર પહેલા સ્થાને છે.

Most Popular

To Top