વલસાડ: થોડા સમયથી ભારતીય સેના(આર્મી)માં હોવાનું જણાવી ઓએલએક્સ (OLX) જેવી શોપિંગ સાઇટ (Shopping Website) પર છેતરપીંડીના (Fraud) અનેક બનાવો બની હ્યા હતા. ત્યારબાદ તેમના દ્વારા લોકો સાથે છેતરપીંડી કરવાના અવનવા માર્ગો અપનાવાઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં હોટેલ સંચાલકોને મોટી સંખ્યામાં ઓર્ડર આપી છેતરવાના બનાવો જોવા મળ્યા છે.
- આર્મી મેનના નામે ફોન કરનારે વલસાડની હોટલના માલિકને ધમકી આપી
- નાસ્તાના પાર્સલ કરાવી ડરાવવાનો પ્રયાસ કર્યો
- આર્મી મેનના નામે કોઇ પણ મેસેજ પર વિશ્વાસ કરવો નહી
- ફોન અને સોશિયલ મીડિયા પર આર્મીના નામે છેતરપિંડી
વલસાડમાં નાસ્તાની એક હોટેલ ચલાવનાર પર આર્મી મેનના (Army Man) નામે ફોન આવ્યો હતો. તેમજ ધમકાવતા (Threaten) સ્વરમાં તેણે 40 લોકો માટે નાસ્તો પેક કરાવ્યો હતો અને તેના ફોટા મંગાવ્યા હતા. જોકે, કંઇક ખોટું થવાની ભનક લાગતાં હોટેલ સંચાલિકા મહિલાએ સાવચેતી વાપરી તેના ફોન ઉંચકવાના બંધ કરી દીધા હતા.
આવી જ એક ઘટના અન્ય હોટેલ સંચાલક સાથે બની હતી. જેમાં સાદું ગુજરાતી ભોજન ચલાવતા હોટેલ સંચાલકને પણ આર્મી મેન બોલું છું કહી ફોન આવ્યો હતો અને તેની પાસે પાર્સલ કરાવી બિલના ફોટા અને પાર્સલના ફોટા મંગાવ્યા હતા. તેમજ તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. દિવાળી સમયે વેપારીઓ કોઇ પણ પ્રકારની હેરાનગતિથી બચવા માંગતા હોય તેઓ આવી વાતમાં આવી જતા હોય છે. જેનો ગેરફાયદો ઉઠાવી આવા ઠગ લોકો સક્રિય થઇ જતા હોય છે. જોકે, વલસાડની બંને ઘટનામાં ઠગને કોઇ સફળતા મળી ન હતી. ત્યારે આવા કોઇ પણ મેસેજ આવે તો તેનાથી બચવું જરૂરી બન્યું છે.
વલસાડના ફેસબુક ગૃપમાં પણ છેતરપીંડીના મેસેજ
વલસાડના અનેક ફેસબુક ગૃપમાં આર્મીમાં નોકરી કરૂં છું અને મારી બદલી થઇ હોય ફ્રિઝ, ટીવી, વોશિંગ મશીન, એસી. જેવી અનેક મોંઘી વસ્તુ નજીવા ભાવે કાઢવાની વાત કરી લોભામણી વાત થાય છે. ત્યારે સસ્તામાં વસ્તુ ખરીદનાર આવા મેસેજમાં ફસાઇ જતા હોય છે. તેની સાથે વાત કરતાં તે 20 ટકા એડવાન્સ મંગાવે છે અને પછી મોબાઇલ બંધ કરી દેતા હોય છે. ત્યારે આર્મી મેનના નામે ઠગાઇ કરનારાથી ચેતવાની જરૂર ઉભી થઇ છે.