Editorial

આખી દુનિયાના આતંકવાદીઓના આકાને પાકિસ્તાન શરણ આપે છે તો પણ એફએટીએફએ ગ્રે લિસ્ટમાંથી તેને હટાવી દીધું!

ત્રાસવાદીઓની ફંડિગ અને મની લોન્ડરિંગ પર કાબુ ન મેળવવા માટે વૈશ્વિક વોચડોગ ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ ની ગ્રે લિસ્ટમાં મૂકાયાના ચાર વર્ષ પછી હવે આખરે પાકિસ્તાનનું નામ ગ્રે લિસ્ટમાંથી બહાર મૂકવામાં આવ્યું છે. જો કે વૈશ્વિક વોચડોગે જાણે કે એશિયામાંથી કોઇ એકની હાજરી પુરવાની હોય તેમ ભારતના જ અન્ય એક પાડોશી દેશ મ્યાંમારને બ્લેકલિસ્ટ કરી દીધું છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ જણાવ્યું હતું કે પાકિસ્તાને પોતાના એન્ટી મની લોન્ડરિંગ સેટઅપને પ્રભાવકતાથી મજબૂત કર્યું છે અને ટેક્નીકલ ખામીઓને દૂર કરવા ઉપરાંત ત્રાસવાદને મળતાં ફંડિંગ સામે પણ અસરકારકતાથી કામ કર્યું છે.

એફએટીએફ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મની લોન્ડરિંગ, ફાઇનાન્સિયલ ટેરેરિઝમ સામે લડવામાં પાકિસ્તાનની મહત્વપૂર્ણ પ્રગતિને આવકારી હતી. તેમાં કહેવાયું હતું કે પાકિસ્તાને મની લોન્ડરિંગ સામે પ્રયાસોને મજબૂત કર્યા છે. તે ત્રાસવાદને મળતા આર્થિક પોષણ સામે પણ લડી રહ્યું છે અને ટેક્નીકલ ખામીઓને દૂર કરી લીધી છે. એફએટીએફે કહ્યું હતું કે તેથી પાકિસ્તાન હવે એફએટીએફની વધેલી દેખરેખ પ્રક્રિયાને આધીન નથી. પાકિસ્તાન તેની મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ સામે લડવા માટે પોતાની સિસ્ટમને વધુ સુધારવા માટે એપીજી સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

આ તરફ ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાનના બહાર નીકળવાથી, ઈસ્લામાબાદ હવે તેના લથડેલા અર્થતંત્રને પાટે ચડાવવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક અને યુરોપિયન યુનિયન પાસેથી નાણાકીય સહાય મેળવવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, આ બાબતનો ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે અને નોંધાવવો પણ જોઇએ જ કારણ કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સૌથી વધુ ભોગ ભારત બને છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા ટેરર કેમ્પના પુરાવા આખા વિશ્વ પાસે છે એટલું જ નહીં મસૂદ અઝહર નામનો આતંકવાદીને પણ પાકિસ્તાને શરણ આપ્યું છે અને તે ત્યાંથી બેઠો બેઠો ભારતમાં આતંકવાદ ફેલવવાના પેંતરા રચે છે.

જે દેશ આતંકવાદીઓને આશ્રય આપતો હોય તે ટેરર ફંડિંગ નહીં કરે એ વાત કોઇને ગળે ઉતરે તેમ નથી. થોડા દિવસ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે અને કહ્યું છે કે તેની પાસે કોઈપણ સુરક્ષા વિના પરમાણુ હથિયારો છે. ‘મને લાગે છે કે પાકિસ્તાન વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે,’ તેમણે ડેમોક્રેટિક પાર્ટીની કોંગ્રેસ પ્રચાર સમિતિના કાર્યક્રમમાં કહ્યું હતું કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે પરંતુ કોઈ સુરક્ષા વગરના છે. તેમની વાત બિલકુલ સાચી છે કારણ કે, પાકિસ્તાન દેશ પાકિસ્તાનના ચૂંટાયેલા નેતાઓ નહીં પરંતુ પાકિસ્તાન અને આઇએસઆઇ ચલાવે છે. ત્યાંના નેતાઓ તો માત્ર કઠપૂતળી છે. અને આઇએસઆઇ જે રીતે ભારતમાં ભાંગફોડ કરવા માટે આતંકવાદીઓને મદદ કરે છે તે વાતથી દુનિયા અજાણ નથી. આમ પાકિસ્તાનને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટની યાદીમાંથી હટાવવાની વાતે સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.

Most Popular

To Top