રાજકોટ: રાજકોટની (Rajkot) મારવાડી યુનિવર્સિટીમાં (Marwari University) 5 વિદ્યાર્થીઓએ (student) ભેગાં થઇને એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે. આથી આ 5 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે. હાલમાં આ વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે જ્યારે 2 વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા છે.
છાત્રને 3 વિકલ્પો આપી બ્લેકમેલ કર્યો
છાત્રને 3 વિકલ્પો આપી આ લોકોએ વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ પણ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, યુનિવર્સિટીમાં અગાઉ પણ વિદ્યાર્થીનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો. મહત્વનું છે કે, યુનિવર્સિટીના દબાણના કારણે પરિવાર મીડિયા સામે કશું જ બોલવા તૈયાર નથી.
કૃત્યમાં સામેલ પાંચેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય મામલે પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે જ્યારે 2 વિદ્યાર્થીઓ હજુ ફરાર છે. જોકે આ ઘટનામાં સામેલ 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ મામલે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘બે વખત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું હતું. ગઇકાલે વાલી અને વિદ્યાર્થીએ યુનિવર્સિટીને જાણ કરી હતી. એન્ટી રેગિંગ સ્ક્વોડની હાજરીમાં કુવાડવા પોલીસમાં ફરીયાદ પણ કરાઇ છે. ભોગ બનનાર વિદ્યાર્થી BBA સેમ-1માં અભ્યાસ કરે છે. આરોપી 5 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી ડિપ્લોમાનો છે અને એક બેચલર એન્જિનિયરિગમાં છે. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ BBAમાં અભ્યાસ કરે છે. આ તમામે તમામ 5 વિદ્યાર્થીના એડમિશન રદ કરાયા છે.
ભોગ બનનારનો વીડિયો બનાવી તેને ધાકધમકી આપી રેગિંગ કરાયું: ACP
આ ઘટના અંગે રાજકોટ પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. આ મામલે ACP વિશાલ રબારીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભોગ બનનારનો પહેલા સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં વીડિયો બનાવી ધાક ધમકી આપીને રેગિંગ કરાયું. ડ્રગ્સ મામલે પણ પોલીસ મારવાડી કોલેજમાં તપાસ કરાશે. 5 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે. આ પાંચેય વિદ્યાર્થીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.’
અગાઉ પણ કેટલાંક વીડિયો સોશિ. મીડિયામાં થયા હતા વાયરલ
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સોશિયલ મીડિયામાં યુનિવર્સિટીમાંથી કેટલાક બિભત્સ વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તે પ્રકારના દ્રશ્યો કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. તુદપરાંત અન્ય એક વીડિયોમાં એક યુવક-યુવતી કિસ કરી રહ્યાં હોય તે પ્રકારના દ્રશ્યો પણ કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. ત્યારે વધુ એક વખત મારવાડી યુનિવર્સિટી વિવાદમાં સપડાઇ છે.