Charchapatra

વંદે ભારત ટ્રેન ચલાવવામાં બીજી ટ્રેનોને સાઇડ પર નાંખવાની?

હાલમાં રેલવેએ ખમતીધર વર્ગ માટે અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરી છે, જે બીના આવકારદાયક છે. પરંતુ વંદે ભારત ટ્રેનને પસાર થવા માટે શું સિગ્નલીંગ આપતાં પહેલાં વચ્ચે ચાલતી સામાન્ય ટ્રેનોને ખૂબ વહેલી નજીકના સ્ટેશને સાઇડીંગમાં નાંખી દેવામાં આવે છે. પરિણામે આ સામાન્ય ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ જાય છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન સવારના નવ અને સાંજના પાંચની આસપાસ સુરત પહોંચે છે. આ સમયે હજારો નોકરિયાતો-ધંધાર્થી-વિદ્યાર્થીઓ સુરત પહોંચવા કે સુરતથી નીકળી પોતાના ઘરે પહોંચવા સામાન્ય પ્રવાસી ટ્રેનોમાં પ્રવાસમાં હોય છે કે પ્રવાસમાં થવા સામાન્ય પ્રવાસી ટ્રેનોની રાહ જોતાં હોય છે.

આ ટ્રેનોનું સમયપત્રક વંદે ભારત ટ્રેનને કારણે મોટે ભાગે ખોરવાઈ જાય છે. પરિણામે તેઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતાં નથી. ઉ. તરીકે સ્પેશ્યલ એક્ષપ્રેસનો દરજ્જો ધરાવતી વડોદરા-વલસાડ ટ્રેન (09162) હાલમાં નિયમિતપણે સુરત મોડી પહોંચે છે અને સુરતથી નવસારીનું 30 કિ.મી.નું અંતર કાપવા છાસવારે દોઢથી બે કલાકનો સમય લે છે! શું ટ્રેનોનું સમયપત્રક વ્યવસ્થિત ગોઠવી દરેક તબક્કાના મુસાફરોને સમયસર કે શકયપણે ઓછામાં ઓછા વિલંબ સાથે પોતાના ગંતવ્યસ્થાને પહોંચાડવાની રેલ સત્તાધીશોની જવાબદારી નથી? શું રેલ રાજ્યમંત્રી (જેઓ સુરતના છે) ઉપરોકત બાબતે રેલ સત્તાધીશોનો કાન આમળી સામાન્ય રેલ મુસાફરોની સમસ્યાનો હલ લાવશે કે પછી આમ જ લોલમલોલ ચાલવા દેશે?
નવસારી           – કમલેશ મોદી     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top