ગાંધીનગર : 12માં ડિફેન્સ એક્સપો-2022 (Defense Expo-2022) અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો. આ ડિફેન્સ એકસ્પો દરમ્યાન અંદાજે રૂ. ૧.૫૩ લાખ કરોડના ૪૫૧ એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર કરાયા હસ્તાક્ષર થયા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 12માં ડિફેન્સ એક્સ્પોના ગુજરાતમાં સફળ આયોજન બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાત દેશની આર્થિક, આધ્યાત્મિક અને રાજકીય ગતિવિધિઓમાં સદીઓથી મહત્વનું યોગદાન આપતું આવ્યું છે. આધ્યાત્મિક ક્ષેત્રે ભક્ત નરસિંહ મહેતા, જ્ઞાન-સમાજ સુધારકમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજનીતિ ક્ષેત્રે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આધુનિક યુગના વૈશ્વિક નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની જ દેન છે. મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ તથા ઉદ્યોગ ક્ષેત્રે જમશેદજી તાતા અને ધીરુભાઈ અંબાણીએ ભારતને નવી ઓળખ અપાવી છે.
તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો-2022 ભારતના અર્થતંત્રમાં પોતાનું વિશેષ યોગદાન આપીને દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે. નવા ભારતને રક્ષાક્ષેત્રે વધુ સશક્ત, સમૃદ્ધ અને સમર્થ બનાવવા માટે ડિફેન્સ એક્સ્પોએ સ્વદેશી ઉદ્યમી-ઉત્પાદકોને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવ્યું છે. હાઈબ્રિડ ફોર્મેટમાં યોજાયેલા ડિફેન્સ એક્સ્પો-2022માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયેલા વિશ્વના સંરક્ષણ મંત્રીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓને સંરક્ષણ ક્ષેત્રે ભારતની નવીન ઊર્જા-શક્તિના દર્શન થયાં છે.
તેમણે કહ્યું હતું કે, આગામી વર્ષ 2024-25 સુધીમાં ભારતનો સંરક્ષણ ક્ષેત્રે રૂ. 35 હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક વધારીને હવે રૂ. 40 હજાર કરોડ સુધી લઈ જવાશે. સંરક્ષણ સેક્રેટરી અજયકુમારે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના સમાપન સમારોહના ‘બંધન’ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે, ગુજરાતમાં આયોજિત ૧૨માં ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વર્ષ ૨૦૨૦માં લખનઉ ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પોના તમામ રેકોર્ડ તોડ્યાં છે. ડેફએક્સ્પો-૨૦૨૨ અંતર્ગત અંદાજે રૂ. ૧.૫૩ લાખ કરોડના ૪૫૧ એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. જેના થકી ઈન્ડસ્ટ્રી ટુ ઈન્ડસ્ટ્રી, ઈન્ડસ્ટ્રી ટુ સ્ટેટ ગવર્મેન્ટ અને ઈન્ડસ્ટ્રી ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ સહયોગ પ્રાપ્ત કરવા તેમજ તે અંગેના લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદરૂપ થશે.