કહેવાય છે ને કે ‘સુરત સોનાની મૂરત’ ને આ જ કારણથી સુરતમાં આવનાર દરેકને રોજગાર તો મળી જ રહે છે. માટે જ તો સુરતમાં સુરતીઓની સાથે જ જાણે એકરસ થઈ ગયા હોય એમ દરેક પ્રાંતના લોકો ભળી ગયા છે અને સુરતીઓના તહેવારો પણ ઊજવતાં થયા છે, પણ વાત જ્યારે એમની પરંપરાની હોય એમાં તેઓ ક્યારેય બાંધછોડ નથી કરતાં ત્યારે દિવાળી જેવા મોટા તહેવારની ઉજવણીની વાત હોય તો તેઓ ભલે વર્ષોથી વતનમાં ન ગયા હોય પરંતુ ઉજવણી તો અહી રહીને પરંપરાગત રીતે જ કરે છે. તો આવો જાણીએ તેમની ઉજવણીની અનોખી રીતો વિષે.
છઠ્ઠ પુજા પહેલા સાદું ભોજન જ બનાવીએ છીએ: અનિતાદેવી મહંતો
છેલ્લા 25 વર્ષથી સુરતના ભેસ્તાનમાં રહેતા મૂળ બિહારના વતની અનિતાદેવી મહંતો જણાવે છે કે, ‘અમે રોજગાર અર્થે સુરતમાં આવીને વસ્યા હતા અને અમારા બાળકોનો જન્મ પણ અહી જ થયો જેથી અમારું કલ્ચર તેઓ ખાસ જાણતા નથી અને મિત્રો સાથે સુરતી સ્ટાઇલમાં જ દરેક તહેવાર સેલિબ્રેટ કરે છે, પરંતુ દિવાળી જેવો મોટો તહેવાર હોય ત્યારે અમારા ઘરે પરંપરાગત રીતે તેની ઉજવણી થાય છે. જો કે અમારાંમાં દિવાળી બાદ આવતી છઠ્ઠ પૂજાનું વધુ મહત્વ હોવાથી અમે છઠ્ઠ પહેલા દરેક વાનગી સાદી જ બનાવીએ છીએ. એટ્લે દિવાળીમાં અમારા ઘરે દાળ,ભાત અને દહીં બનાવાય છે. જો કે ઘરે બનાવી શકાતું ન હોવાથી મીઠાઇ,પતાસા તથા ફરસાણ અમે બહારથી લઈ આવીએ છીએ. અમારે ત્યાં ધનતેરસનું ખાસ મહત્વ રહેલું છે, આ દિવસે ગરીબમાં ગરીબ માણસ પણ થોડી ચાંદી તો ખરીદે જ છે. બિહારની વાત કરું તો દિવાળીમાં ત્યાં ઈંટના ઘર બનાવે છે તથા માટીના વાસણમાં પ્રસાદ તરીકે પતાસા મૂકે છે જે અમે અહીં કરી શકતા નથી.
લક્ષ્મી પૂજન પહેલા વહુઓને પિયર નથી મોકલતા: કવિતા કદમ
મૂળ મહારાષ્ટ્રના નંદરબારના વતની અને છેલ્લા 25 વર્ષથી સુરતના બગુમરા વિસ્તારમાં રહેતા કવિતાબહેન કદમ જણાવે છે કે, અમારે ત્યાં દિવાળી કરતાં ભાઇબીજનું મહત્વ વધારે છે. આ દિવસે બહેન ભાઈને જમવા માટે બોલાવે છે અને પુરાણપોળી અને ખીર બનાવે છે જે અમારી પરંપરા છે. આ દિવસે અમે અમારી ટ્રેડિશનલ નવવારી સાડી, નથ વગેરે પહેરીએ છીએ. જો કે દિવાળીના દિવસે અમે શક્ય એટ્લા વધારે દીવા પ્રગટાવીએ છીએ અને ખાસ મીઠાઇ તરીકે ચોખામાથી બનતી અનરસા નામની મીઠાઇ બનાવીએ છીએ. જ્યારે ધન તેરસની વાત કરું તો અમારા ઘરની લક્ષ્મી એટ્લે અમારા ઘરની વહુ, જેથી જ્યાં સુધી લક્ષ્મી પૂજન ન થાય ત્યાં સુધી વહુઓને પિયર મોકલતા નથી.
સુરતમાં જ ઉજવણી કરીએ પણ પરંપરાગત રીતે: ઉષા બજાજ
મૂળ રાજસ્થાનના ચૂરુંના વાતની અને લગ્ન કર્યા બાદ સુરતમા આવીને વસેલા ઉષાબહેન બજાજનું બાળપણ અમદાવાદમા વીત્યું હોવાથી તેઓ ગુજરાતી કલ્ચરથી સારી રીતે પરિચિત છે. ઉષાબહેન કહે છે કે અમને સુરતના દરેક તહેવાર ગમે છે પણ તહેવારોની ઉજવણી અમે અમારી પરંપરા મુજબ જ કરીએ છીએ. અમે છોટી દિવાલી એટ્લે કે કાળી ચૌદસનાં દિવસે 21 દીવા પ્રગટાવીએ છીએ અને દિવાળીના દિવસે 51 દીવા કરીએ છીએ. જ્યારે ધનતેરસના દિવસે અકસ્માતથી રક્ષણ માટે 2 દિવેટમાથી 4 ખૂણાવાળો યમનો દીવો પ્રગટાવીએ છીએ. આ ઉપરાંત ખાવાની વાત હોય તો દિવાળીના દિવસે મગની દાળનો શીરો ખાસ પ્રસાદ માટે બનાવીએ જ છીએ પણ સાથે જ અમે શકકરપારા અને તીખીસેવ તો હોય જ. આ ઉપરાંત દિવાળીમાં અમે રાજસ્થાનથી ખાસ ગુંદરપાક અને બેસનની ચીકી મંગાવીએ છીએ. આટલા વર્ષોથી સુરતમાં રહી છું અને વતનમાં હવે કોઈ ન હોવાથી અમે જતાં નથી પણ આજે પણ યાદ આવે છે કે દિવાળીમાં રાતે અમે બધા ભેગા મળીને દુકાનોમાં ખાસ રોશની જોવા માટે નીકળતા હતા. દિવાળીમાં બીજી ખાસ વાત એ કે, અમે નવા વર્ષે ભલે નવા કપડાં ન પહેરીએ પણ દિવાળીની પૂજામાં કોરા કપડાં જ પહેરીએ છીએ.
સુરતની દિવાળી વધુ ગમે છે : સરોજ પાંડે
છેલ્લા 22 વર્ષથી શહેરના સિટિલાઈટ વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના વતની સરોજબહેન કહે છે કે તેમનો પરિવાર રોજગાર અર્થે સુરતમાં આવીને વસ્યો હતો અને હવે અમે સુરત સાથે એવી રીતે વણાઈ ગયા છે કે સુરતના દરેક તહેવારો પોતિકા જ લાગે છે, જેથી કોઈ ખાસ પ્રસંગ સિવાય અમે વતનમાં જતાં જ નથી એટ્લે દિવાળી જેવો મોટો તહેવાર પણ અમે સુરતમાં રહીને જ ઉજવીએ છીએ. જો કે અમે આજે પણ અમારી પરંપરા જાળવી રાખી છે. અમારે ત્યાં દિવાળીના દિવસે ખાસ કરીને બટાકાની કચોરી, માવાની સેવ,ખીર,પૂરી તો બનાવીએ જ છીએ પણ ખાસ કરીને દિવાળીના દિવસે ભગવાનને ખાંડના રમકડાં અને ગટ્ટાની મીઠાઇ,ખાજા તથા પતાસા ધરાવવાનો રિવાજ પણ જાળવી રાખ્યો છે. જો કે શહેરમાં રહેતા હોવાથી દિવાળીના આગલા દિવસે દરેક ઘરોમાં જે માટીનું મંદિર બનાવવામાં આવે છે તે અહી શક્ય બનતું નથી. દિવાળીના આગલા દિવસે આ મંદિર બનાવવામાં આવે છે અને દિવાળીના દિવસે એને દીવાઓથી સજાવવામાં આવે છે. જો કે મારો દીકરો અહી જોબ કરે છે અને એને તો સુરતીઓની દિવાળી જ વધુ ગમે છે, કારણ કે અમારે ત્યાં ફક્ત દિવાળીના એક દિવસ જ તહેવાર હોય છે જ્યારે સુરતમાં દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. અહી ઉજવણીની મઝા તો હોય જ છે સાથે જ અમે દિવાળી દરમિયાન અહી રહેતા અમારા સંબંધીઓને મળીએ છીએ જેથી વતનની કમી મહેસુસ નથી થતી.